વિજયા દશમીનાં દિવસે ખાસ : રાવણે જુદા-જુદા સ્થળે કરેલ યાત્રા-મુસાફરી અને એ યાત્રા પાછળનું કારણ

રાવણ રામાયણનું એક વિશેષ પાત્ર છે. રાવણ લંકાનો રાજા હતો. તે પોતાના દસ માથાંને લીધે પણ ઓળખાતો હતો, જેને લીધે તેનું નામ દશાનન પડ્યું. રાવણમાં અવગુણની અપેક્ષાએ ગુણ અધિક હતા. કદાચ રાવણ ન હોત તો રામાયણની રચના પણ ન થઈ હોત.
રાવણ વિશે અનેક ગ્રંથોમાં અનેક વર્ણન મળી આવે છે, પરંતુ થોડી એવી જગ્યાઓ છે જ્યાં રાવણ પોતાના જીવનકાળમાં ગયો હતો અથવા રહ્યો હતો, જેનું સ્પષ્ટ વર્ણન રામાયણમાં મળી આવે છે. ચાલો જાણીએ એ વિવિધ સ્થળો વિશે.

(1)  લંકા (વર્તમાન- શ્રીલંકા)

રામાયણમાં મળેલ વર્ણન અનુસાર રાવણ શ્રીલંકામાં રહેતો હતો. ત્યાં એનો વિશાળ રાજ-મહેલ હતો. ત્રેતા યુગમાં જ્યારે રાવણે માતા સીતાનું અપહરણ કર્યુ ત્યારે ભગવાન રામે રાવણ સાથે યુદ્ધનો નિર્યણ કર્યો. એ સમયે શ્રી રામ અને એમની સેનાએ સેતુ બંધ બનાવીને આ સેતુથી લંકા સુધી પહોંચ્યા અને રાવણનો વધ કર્યો હતો.

(2) કૈલાશ માનસરોવર (વર્તમાન- ચીન)


કૈલાશ માનસરોવર પર રાવણના ઘણા વર્ષો સુધી તપ કરવાનું વર્ણન ગ્રંથોમાં મળી આવે છે. એવું કહેવામાં આવે છે કે, એક વાર રાવણે ઘોર તપસ્યા કરીને કૈલાશ પર્વત ઉપાડી લીધો હતો. જ્યારે આખા પર્વતને જ લંકા લઇ જવા માટે તે તૈયાર થયો ત્યારે શિવજીએ પોતાના પગના અંગૂઠા વડે પર્વતને દબાવી દીધો. શિવના ભક્ત રાવણનો હાથ પર્વતની નીચે દબાય ગયો ત્યારે તે શંકર-શંકર, માફ કરો અને શિવ સ્તુતિ કરવા લાગ્યો.

(3) પંચવટી (વર્તમાન- નાસિક)

નાસિક ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લાનું મુખ્ય મથક છે. ગોદાવરી નદીના કિનારે વસેલું નાસિક શહેર રામાયણ મહાગ્રંથમાં આવતા પંચવટી વિસ્તારમાં આવેલું હોવાથી ભારતના અગ્રગણ્ય ધાર્મિકસ્થળ તરીકે જાણીતું છે.  અહીં પર ભગવાન શ્રીરામ, લક્ષ્મણ અને સીતા સહિત પોતાના વનવાસ કાળ દરમિયાન ઘણા દિવસો સુધી રહ્યા હતા. રામાયણની કથા મુજબ અહીંથી લંકાના રાજા રાવણે સાધુનો વેશ ધારણ કરીને માતા સીતાનું હરણ કર્યું હતું.

(4) કિષ્કિંધા (વર્તમાન- કર્નાટક)

કિષ્કિંધા નગરમાં વાનરોનું સામ્રાજ્ય હતું. જેના પર સુગ્રીવના ભાઈ બાલીનું રાજ હતું. લંકાપતિ રાવણ બાલી રાજા સાથે આ સ્થળે યુદ્ધ કરવા માટે જાય છે પણ બળવાન બાલી રાજાની શક્તિ જોઈને યુદ્ધ કરવાને બદલે અગ્નિ સાક્ષીએ બાલી રાજાને પોતાનો મિત્ર બનાવી લે છે.
તે કાળનું કિષ્કિંધા નગર આજે પણ કર્નાટક રાજ્યમાં છે. કર્નાટક રાજ્યના બે જિલ્લા કોપ્પલ અને બેલ્લારીમાં રામાયણ કાળના પ્રસિદ્ધ કિષ્કિંધા ક્ષેત્રના અસ્તિત્વના અવશેષ આજે પણ ત્યાં મળી આવે છે.

(5) વૈદ્યનાથ (વર્તમાન – ઝારખંડ)

એવી માન્યતા છે કે વૈદ્યનાથ મંદિર, દેવઘર એ જ સ્થાન પર આવેલું છે જ્યાં રાવણ દરરોજ વૈદ્યનાથ મહાદેવની પૂજા કરવા માટે આવતો હતો.

(6) મહિષ્મતી નગર (વર્તમાન- મધ્યપ્રદેશનું મહેશ્વર)

એક વખત રાવણ પુષ્પક વિમાનમાં પસાર થઈ રહ્યો હતો. તેણે નીચે નર્મદા નદી જોઈ. રાવણને લાગ્યું કે જે ખાલી મેદાન છે તેમાં શિવલિંગ બનાવી શંકર ભગવાનની પૂજા કરી લઉં. તે એમ કરવા લાગ્યો, ત્યાંથી થોડે દૂર હૈહય વંશના રાજા કાર્તવીર્યએ તેના હજાર હાથો વડે (જેના લીધે તે સહસ્રાર્જુન તરીકે પણ ઓળખાય છે) નર્મદાના પાણીને રોકી રાખ્યું હતું અને તેની અનેક પત્નીઓ જળવિહાર કરતી હતી. ત્યાં સહસ્રાર્જુને તેના હાથ ઉઠાવી લીધા. આથી નર્મદાનું પાણી પૂરજોશમાં વહેવા લાગ્યું અને રાવણે બનાવેલું શિવલિંગ તેમાં તણાઈ ગયું. આથી રાવણ ગુસ્સે થયો અને તેણે સહસ્રાર્જુનને યુદ્ધ લડવા ઉશ્કેર્યો. પણ રાવણ દશ માથાળો અને પેલો હજાર હાથવાળો! રાવણનો પરાજય થયો અને સહસ્રાર્જુને તેને બંદી બનાવી દીધો. અંતે પુલસ્ત્ય ગયા અને તેમણે વિનંતી કરી જેથી સહસ્રાર્જુને તેને છોડી દીધો. મધ્યપ્રદેશનું મહેશ્વર (પ્રાચીન સમયમાં મહિષ્મતી) સહસ્રાર્જુનની રાજધાની હતી. ત્યાં તેનું મંદિર પણ આવેલું છે જે સહસ્રાર્જુન મંદિર તરીકે ઓળખાય છે. સહસ્રાર્જુને રાવણનાં દસ માથા પર દસ દીવા અને પોતાના હાથમાં એક દીવો કર્યો હતો તેથી, આ મંદિરમાં આજે પણ 11 દીવા કરવામાં આવે છે.

(7) રામેશ્વર

એક કથા મુજબ સંપૂર્ણ વાનર સેનાની સાથે ભગવાન શ્રીરામ સમુદ્રના તટ પર લંકા વિજય માટે પ્રયાસ કરી રહ્યા હતા. શ્રી રામના આરાધ્ય દેવ મહાદેવ છે. જેથી લંકા વિજય માટે મહેશ્વરનો આશીર્વાદ ખૂબ જ જરૂરી હતો. હવે પ્રશ્ન હતો કે, આ પરમ પવિત્ર ત્રિલોક વિજયી અનુષ્ઠાનના આચાર્ય કોણ હશે? આ અધિકાર તો તેને જ મળે જે બ્રાહ્મણ હોય, ચતુર્વેદોના જ્ઞાની હોય અને સૌથી મહત્વપૂર્ણ વસ્તુ કે તે શૈવ હોય. ઘણા વૈદજ્ઞ પ્રચંડ વિદ્વાન ઋષિ હતા પરંતુ તેઓમાંથી કોઇ બ્રાહ્મણ પણ નહતું અને શૈવ પણ નહતું. આ માટે લંકેશ રાવણ જ તે બ્રાહ્મણ હતો જે આ બધી જ પરિસ્થિતિઓને અનુકૂળ હતો. તે મહર્ષિ પુલત્સ્યનો નાતી (પુત્રીનો પુત્ર) હતો, વેદજ્ઞ હતો અને પરમ શિવ ભક્ત પણ હતો.
તેથી, શ્રી રામે લિંગ-વિગ્રહ સ્થાપના માટે રાવણને આચાર્ય સ્વરૂપે આમંત્રણ આપવા માટે જામવંતને મોકલ્યા. રાવણે આમંત્રણ સ્વીકાર્યું અને તત્કાલ જરૂરી સામગ્રીની સાથે પોતાના વિમાન સહિત સમુદ્રના તટ પર રાવણ ઉપસ્થિત થયો. એવું કહેવામાં આવે છે કે, તેણે જ રામેશ્વરની સ્થાપના કરાવી હતી

સંકલન: ઈલ્યાસભાઈ

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!