ચટાકેદાર સુરતી ઊંધિયું બનાવવાની બેસ્ટ રેસીપી – જમણવાર બનાવો સ્પેશ્યલ

ખાવાના શોખીન ગુજરાતીઓની પ્રિય વાનગીઓમાંની એક વાનગી છે “ઊંધિયું”. તમે શિયાળાની ઋતુમાં ગુજરાતના કોઈપણ શહેરમાં (હવે તો કોઈપણ ગામડામાં પણ), કોઈપણ જ્ઞાતિના અને કોઈપણ આર્થિક સ્તરના ગુજરાતીને ત્યાં લગ્નપ્રસંગે જાઓ, તો જમવાના મેનુમાં એક અનિવાર્ય વાનગી તરીકે ઊંધિયું તો આ બધી જ જગ્યાએ હોય ને હોય જ.

ઊંધિયું મૂળે સુરતની વાનગી છે, જે અત્યારે આખા ગુજરાતમાં ફેલાઈ ગઈ છે. અસલમાં એક માટલામાં એટલેકે માટીના ઘડામાં વિવિધ શાકભાજીનાં અલગ અલગ પડ વ્યવસ્થિત રીતે ભરીને, માટલાનું મોઢું બંધ કરી, તેને એક ખાડામાં ઊંધું મૂકી તેના ઉપર દેવતા (સળગતા કોલસા) મૂકીને શાક બનાવવામાં આવતું. આમ માટલું ઊંધું મૂકીને આ વાનગી બનાવવામાં આવતી, તેથી તેનું નામ ઊંધિયું પડ્યું.

સામાન્ય રીતે કોઈપણ જમણવારમાં મીઠાઈ મુખ્ય વાનગી ગણાય અને તે પછી ઉતરતા ક્રમમાં બીજો નંબર ફરસાણનો આવે. એટલેકે મીઠાઈને જમણવારની થાળીનો “રાજા” કહીએ તો ફરસાણને “પ્રધાન” કહેવો પડે. બાકીની વાનગીઓ જેવીકે શાક, દાળ, ભાત, પુરી, રોટલી વિગેરેને પુરક વાનગીઓ એટલેકે “સૈનિકો” સમકક્ષ કહેવાય. જયારે સલાડ, ચટણી, પાપડ જેવી વાનગીઓ પરચુરણ વાનગી એટલેકે સૈન્યમાં વાજિંત્ર વગાડનાર “વાદકો” જેવી ગણાય.

આમ તો ઊંધિયું એક જાતનું શાક જ છે, પણ ગુજરાતી થાળીમાં તેનો દબદબો એવો છે કે તે મીઠાઈ સમકક્ષ ગણાય છે. ગુજરાતી થાળીનો ભાવ કેટરર્સ નક્કી કરે ત્યારે મીઠાઈની સંખ્યા જેમ વધતી જાય તેમ તે થાળીનો ભાવ વધતો જાય. ફરસાણ, શાક, દાળ, ભાત, પુરી, રોટલી જેવી બાકીની વાનગીઓ સામાન્ય રીતે જે તે પેકેજમાં આવી જાય, જેનો જુદો ભાવ ના ગણાય. પરંતુ જો તમે આ થાળીમાં ઊંધીયાનો સમાવેશ કરો, તો તમારે એક વધારાની મીઠાઈ જેટલો વધારાનો ખર્ચ કરવા તૈયાર થવું પડશે, કારણકે કેટરર્સ ઉંધિયાને એક મીઠાઈ સમક્ક્ષ ગણે છે. આમ “ઊંધિયું” ગુજરાતી થાળીનો ‘રાજા’ ગણાય.

હવે ઊંધિયું બનાવવામાં સુરતી પાપડી, વાલોળ, લીલી તુવેર અને લીલા વટાણાના દાણા, રીંગણ, બટાકા, સૂરણ, રતાળુ, કાચાં કેળાં, લીલું લસણ, કોથમીર જેવાં વિવિધ શિયાળુ શાક વપરાય છે, પરંતુ જ્યાં સુધી તેમાં મેથીનાં મુઠીયાં નાખવામાં ના આવે ત્યાં સુધી તે અસલ ઊંધિયું ગણાતું નથી. હવે મેથીનાં મુઠીયાં પોતાની રીતે એક ફરસાણ છે. તે ઉપરાંત ઉંધિયામાં પાતરાં પણ નાખવામાં આવે છે, જે પણ એક જાતનું ફરસાણ છે. આમ ઊંધિયું ભલે એક શાક હોય, તેમાં બે ફરસાણનો સ્વાદ એકસાથે આવે છે. એટલે “ઊંધિયું” ગુજરાતી થાળીનો ‘પ્રધાન’ પણ ગણાય.

આમ ઉંધિયાને ગુજરાતી થાળીના રાજા અને પ્રધાન બંનેનો દરજ્જો એકસાથે મળે, પછી તો તેનો દબદબો હોય જ ને મારા ભાઈ !

તો આ થઇ આજના શિર્ષક વિષે રસપ્રદ વાતો, પરંતુ આ શિર્ષક પસંદ કરવા પાછળ મારો મૂળ હેતુ તો એકદમ અલગ જ છે. એટલે જો વાંચકોએ, ખાસ કરીને બહેનોએ “ચટાકેદાર ઊંધિયું“ એવું શિર્ષક વાંચીને ઊંધિયું કેવી રીતે બનાવવું એ જાણવા માટે અહીં ક્લિક કરી હશે તો તેઓએ નિરાશ થવું પડશે.

સુરતી ઊંધિયું બનાવવા જરૂરી સામગ્રી :

આદુ મરચાનું પેસ્ટ એક ચમચી, પાપડી- 500 ગ્રામ, રતાળુ- 250 ગ્રામ, શક્કરિયા 250 ગ્રામ, લીલી તુવેર-200 ગ્રામ, બટાકા -250 ગ્રામ, લીલા ધાણા 100 ગ્રામ, લીલુ લસણ – 50 ગ્રામ, ધાણાજીરુ – બે ચમચી, ભરવા રીંગણ(નાના) 200 ગ્રામ, મીઠુ સ્વાદ મુજબ, કોઈ પણ શાકના મુઠિયા એક વાડકો. ધાણા પાઉડર 2 ટેબલ સ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, વાટેલા તલ 50 ગ્રામ, લીલા વટાણા (વાટેલા)500 ગ્રામ, 100 ગ્રામ લીલા કોપરાનું ખમણ, બે ચમચી ખાંડ, એક ચમચી અજમો, અડધી ચમચી ઊંધિયાનો અથવા તો શાકનો ગરમ મસાલો.

સુરતી ઊંધિયું બનાવવાની રીત :

એક મોટા જાડા તળિયાના તપેલામાં ચાર પળી તેલ ગરમ કરવા મુકો, વાટેલા લીલાં મરચાં, જીરુ, વાટેલું આદુ, કોથમીર, સમારેલું લીલું લસણ, થોડો ધાણા પાવડર, સ્વાદ અનુસાર મીઠું, વાટેલા તલ, લીલા નાળિયેરનું ખમણ, થોડી ખાંડ, ગરમ મસાલો બધી સામગ્રી એક બાઉલમાં મિક્સ કરી લો. તેલ ગરમ થયા બાદ અજમાનો વઘાર કરવો. વઘાર થાય એટલે તેમાં સાફ કરીને ધોયેલી પાપડીને નાખવી. થોડો સોડા અને થોડું મીઠું નાખીને ચૂલા પર પાંચ મિનિટ સુધી ખદબદવા દેવું. ત્યારબાદ તેની અંદર કાંપા પાડેલા શક્કરિયાં-બટાકા-રીંગણ-રતાળુમાં બાઉલમાં પ્રથમથી તૈયાર કરેલો મસાલો ભરવો અને પાપડીની અંદર ગોઠવીને મૂકી દેવું. ત્યારબાદ તેની ઉપર એક થાળીમાં થોડું પાણી મૂકીને ઢાંકી દેવું, જેથી તપેલામાં ચોંટી ન જાય. થોડી થોડી વારે આને હલાવી લેવું. શાક ચઢી જાય ત્યારબાદ ગેસ બંધ કર્યા પછી તૈયાર મુઠિયાને ગોઠવી દેવા. તપેલાને ઢાંકણું ઢાંકી દેવું. 15 મિનિટ આ શાકને તપેલામાં જ ઢાંકેલું રાખીને કોપરું-કોથમીર-લીલું લસણ ઉપરથી ભભરાવીને પીરસવુ.

સુરતી ઊંધિયું બનાવવાની આ બેસ્ટ રીત તમે ‘જ્ઞાન સાથે ગમ્મત’ ફેસબુક કોમ્યુનીટી પર વાંચી રહ્યા છો. જો પોસ્ટ ગમે તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!