સુરતની સ્પેશ્યલ ખજૂર ઘારી બનાવવાની સરળ રીત

દિવાળીમાં દરેકના ઘરે કોઈ ન કોઈ મીઠાઈ તો બનતી જ હોય છે અને દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે મીઠાઈમાં કંઈક ખાસ બનાવે. તેથી આજે અમે તમારા માટે લઈને આવ્યાં છીએ સૂરતની ખાસ મીઠાઈ એવી ઘારીની એક અલગ જ વેરાઇટી. તો નોંધી લો રેસિપિ અને મહેકાવો તમારા રસોડાને અવનવી ઘારીથી.

 

ખજૂર ઘારી

 

સામગ્રી

-અઢી સો ગ્રામ ખજૂર
-સો ગ્રામ ખાંડ
-દોઢ સો ગ્રામ માવો
-દોઢ સો ગ્રામ મેંદો
-બે ટેબલસ્પૂન નારિયેળનું ખમણ
-એક ટેબલસ્પૂન અખરોટનો ભૂકો
-એક ટેબલસ્પૂન ચારોળી
-એક ટેબલસ્પૂન બદામની કતરી
-એક ટીસ્પૂન દળેલી ખાંડ
-લોટ બાંધવા માટે દૂધ
-ઘી તળવા અને મોણ માટે, જરૂર પ્રમાણે
-ઘારી બોળવા માટે ઘી જરૂર પ્રમાણે

રીત

ખજૂરના ઠળિયા કાઢી, તેના બારીક ટુકડા કરવા. એક પેનમાં 2 ટેબલસ્પૂન ઘી ગરમ કરી, તેમાં ખજૂરના ટુકડા નાખી સાંતળવા. ખજૂરને સાંતળતી વખતે ચમચાથી દાબીને તેનો લોચા જેવો માવો કરવો. ખજૂરનો માવો થઈ જાય પછી તેમાં ખાંડ નાંખી, મિક્સ કરવું. ખાંડ ઓગળે અને મિશ્રણ ઘટ્ટ થાય એટલે તેમાં માવો, નારિયેળનું ખમણ, અખરોટનો ભૂકો અને ચારોળી નાખી, બરાબર મિક્સ કરી, 3થી 4 મિનિટ રાખી ગેસ પરથી ઉતારી, ઠંડું કરવા મૂકવું. હવે મેંદાના લોટમાં 50 ગ્રામ ગરમ ઘીનું મોણ નાખી, દૂધથી કઠણ લોટ બાંધવો. લોટને 2 કલાક ઢાંકીને મૂકી રાખવો. પછી લોટને બરાબર મસળીને સુવાળો બનાવવો. તેમાંથી નાની પૂરી બનાવી, તેમાં ખજૂરનું પૂરણ ભરી, મોં બંધ કરી, હાથથી દાબીને ઘારી બનાવવી. ધીમા તાપે ઘારીને ઘીમાં તળી લેવી. ઘારી ઠંડી થાય પછી ઘીમાં બોળી તેની ઉપર બદામની કતરી મૂકવી.

 

Leave a Reply

error: Content is protected !!