કુલધરા – ભારતનું સૌથી રહસ્યમય ગામ કેમ શ્રાપિત બન્યું એ વાંચવા જેવું છે

રાજપૂતાનાં નામેથી ઓળખાતું ભારતનું રાજસ્થાન હકીકતમાં આશ્ચર્યજનક અને ઐતિહાસિક ઘટનાઓનું સાક્ષી છે. અહીંયા દરેક શહેર તેની પોતાની અનેક વાર્તાઓ ધરાવે છે. તેમાંથી એક છે કુલધરા ગામની રહસ્યમય વાર્તા.

રાજસ્થાન અજબ-ગજબ’ હેઠળ એક એવી કથા જણાવી રહ્યું છે, જેમાં પુત્રીની આબરૂ બચાવવા માટે રાતોરાત આખુ ગામ ખાલી કરી દીધું હતું.

આધ્યાત્મિક શક્તિઓની માન્યતા

એમ કહેવાય છે કે, આ ગામ આધ્યાત્મિક શક્તિઓનાં કબ્જામાં છે. એક સમયે હસતું-રમતું આ ગામ હાલ અવશેષોમાં પરિવર્તિત થઈ ચૂક્યું છે. ટૂરિસ્ટ પ્લેસમાં ફેરવાયેલું ગામ આવનાર પ્રવાસીઓ પ્રમાણે, 170 વર્ષ પહેલા અહીંયા રહેતા પાલીવાવ બ્રાહ્મણોનાં અવાજનો આજે પણ અહેસાસ થાય છે. એવો અનુભવ થાય છે કે કોઈ આજુબાજુમાં ચાલી રહ્યું હોય. બજારમાં અવર જવર કરતા લોકોનાં અવાજ આવે છે, વાતો કરતી મહિલાઓ, તેમની બંગડી અને ઝાંઝરીનો અવાજ અહીંના વાતાવરણને ભયભીત કરે છે.

170 વર્ષ પહેલા શું થયું હતું?

170 વર્ષ પહેલા આ ગામનાં લોકો તેમની પુત્રીની આબરૂ બચાવવા માટે રાતોરાત ગાયબ થઈ ગયા હતા. આજે પણ એ વાત મિસ્ટ્રી બનેલી છે કે, આખરે તે રાત્રે એવું તો શું થયું કે, ગ્રામજનોને એક સાથે ગામ છોડીને બીજી જગ્યાએ જવું પડ્યું.

એવું માનવામાં આવે છે કે, આ ઘટનાં દીવાનને એક છોકરી સાથે થયેલા પ્રેમનાં કારણે બની. આ પ્રેમનાં કારણે આ ગામને એવો શ્રાપ મળ્યો કે, તે રાતોરાત ઉજ્જડ થઈ ગયું અને આજે પણ અહીંયા કોઈ રહેતું નથી. અહીંનો નજારો આજે પણ એવો જ છે, જેવો તે રાત્રે હતો જ્યારે લોકો અહીંથી ગાયબ થયા હતા.

પેરાનોર્મલ સોસયટીની ટીમે જણાવ્યું કે અહીંયા છે આત્માઓ

દિલ્હીની પેરાનોર્મલ સોસાયટીની ટીમ ફેબ્રુઆરી 2014માં કુલધરા ગામ પહોંચી. એવી ધારણા છે કે, કુલધરામાં રાત પસાર કરવી શક્ય નથી, કેમ કે, અહીંયા આત્માઓ વસવાટ કરે છે. તે ડરને દૂર કરવા માટે સોસાયટીનાં 18 સભ્યો તથા અન્ય 10-12 લોકો રાત્રે કુલધરા ગામમાં રહ્યા. આ ટીમ પાસે એક ડિવાઈસ હતું, જેનું નામ ઘોસ્ટ બોક્સ છે. તેનાં માધ્યમથી આવી જગ્યાઓ પર રહેતી આત્માઓને સવાલો પુછવામાં આવે છે અને જો કોઈ હોય તો તેનો અવાજ તેમાં રેકોર્ડ થઈ જાય છે. કુલધરામાં જ્યારે આ મશીનથી ટેસ્ટ કરવામાં આવ્યો, તો કેટલાક અવાજો આવ્યા તો કેટલીક આત્માઓએ તેમના નામ પણ જણાવ્યા. અંતે ટીમે દાવો કર્યો કે હકીકતમાં કુલધરામાં આત્માઓ વસવાટ કરે છે
આ ગામના દીવાન સાલમ સિંહ હતા, જેની ખરાબ નજર ગામની એક સુંદર છોકરી પર પડી ગઈ હતી. દીવાન એ છોકરીની પાછળ એટલો પાગલ હતો કે કોઈ પણ રીતે તે તેને હાંસલ કરવા માગતો હતો. તેણે તેના માટે બ્રાહ્મણો પર ધાક જમાવવાની શરુ કરી દીધી.

હદ તો ત્યારે થઈ ગઈ કે જ્યારે દિવાને છોકરીનાં ઘરે સંદેશ મોકલાવ્યો કે, જો આવતી પૂનમ સુધી તેને છોકરી ના મળી તો તે ગામ પર હુમલો કરીને છોકરની ઉપાડી જશે.

ગ્રામજનો માટે એ મુશ્કેલીનો સમય હતો. તેઓને કાં તો ગામ બચાવવાનું હતું કાં તો તેમની પુત્રી. આ અંગે નિર્ણય લેવા માટે દરેક ગ્રામજનો એક મંદિરમાં ભેગા થયા અને પંચાયતે નિર્ણય લીધો કે કંઈ પણ થઈ જાય, આપણી પુત્રી એ દીવાનને નહીં આપીએ.

પછી શું, ગ્રામજનોએ ગામ ખાલી કરવાનું નક્કી કર્યું અને રાતોરાત બધા નિકળી ગયા. જતા-જતા તેઓ શ્રાપ આપતા ગયા કે, આજ પછી આ મકાનોમાં કોઈ વસવાટ કરી શકશે નહીં. આજે પણ ત્યાની હાલત એવી જ છે, જેવી તે રાત્રે હતી, જ્યારે લોકો તેને છોડીને ગયા હતા.

પાલીવાલ બ્રાહ્મણોનાં શ્રાપની અસર અહીંયા આજે પણ જોવા મળે છે. જેસલમેરનાં સ્થાનિક રહેવાસીઓનું માનીએ તો, અમુક પરિવારોએ આ જગ્યાએ રહેવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓ સફળ ન થઈ શક્યા. સ્થાનિક લોકોનું કહેવું છે કે, જે લોકો અહીંથી ગયા, તેમનું શું થયું, એ કોઈ નથી જાણતું.
આ ગામમાં પ્રવેશતા જ એવું લાગે છે કે જાણે તમે કોઈ બીજી દુનિયામાં આવી ગયા હોવ. ગામમાં માટીથી બનેલો પ્રવેશદ્વાર છે. પરંતુ તેનાં પછી જે જોવા મળે છે તે દિવસનાં અજવાળામાં પણ ઘણું ભયાનક લાગે છે.

ચારે તરફ માટીથી દટાયેલા રસ્તાની બંન્ને તરફ બનેલા ઉજ્જડ મકાનો પાલીવાલ બ્રાહ્મણોની સ્થાપત્ય કળાની કથા વ્યક્ત કરે છે. કુલધરા ગામનાં મકાનોમાં હવે રસોઈઘર અને ઓરડાઓનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે. ઉજ્જડ પડેલા આ ગામમાં ઘણા બધા મંદિરો પણ બનેલા છે.

આ ગામ ટૂરિસ્ટ પ્લેસ બન્યા બાદ પ્રશાસને અહીંયા ગામની સીમા પર એક ફાટક બનાવી દીધું છે. દિવસે તો અહીંયા પર્યટકો ફરી શકે છે, પરંતુ રાત્રે ગામની અંદર જવાની કોઈ હિમ્મત નથી કરી શકતું. અહીંયા તમને અવશેષો અને પથ્થરો સિવાય દુર-દુર સુધી ફેલાયેલું રણ જોવા મળશે. અહીંની ઉજ્જડતા અહીંની વાસ્તવિકતા વ્યક્ત કરે છે.

પર્યટકો અહીંયા એ ઈચ્છાએ આવે છે કે, અહીંયા દટાયેલું સોનું મળી જાય. ઈતિહાસકારો પ્રમાણે, પાલીવાલ બ્રાહ્મણો તેમની સંપત્તિ જેમાં મોટાપ્રમાણમાં સોનું-ચાંદી અને હીરા-ઝવેરાત હતા, જમીનની અંદર દાટીને રાખ્યું હતું. આ જ કારણ છે કે, જે કોઈ પણ આ વિશે જાણે છે તે અહીંયા આવે છે અને જ્યા ત્યા ખોદકામ કરવા લાગી જાય છે. એ આશાએ કે કદાચ ત્યા સોનું તેને હાથ લાગી જાય. આ ગામ આજે પણ ઠેકઠેકાણે ખોદાયેલું દેખાય છે.

જેસલમેરની પાસે કુલધરામાં પાલીવાર સમુદાયનાં 84 ગામ હતા અને આ તેમાંથી એક હતું. મહેનતું અને ધનીક પાલીવાર બ્રાહ્મણોની કુલધરા શાખાએ વર્ષ 1291માં અંદાજે 600 મકાનો ધરાવતા આ ગામને વસાવ્યું હતું. કુલધરા ગામ સંપૂર્ણ રીતે વૈજ્ઞાનિક પદ્ધતિથી બાંધવામાં આવ્યું હતું. ઈંટ-પથ્થરોથી બનેલા આ ગામની બનાવટ એવી હતી કે અહીંયા ક્યારેય ગરમીનો અહેસાસ ન્હોતો થતો. કહેવાય છે કે, એવા ખૂણામાં મકાનો બનાવ્યા હતા કે, હવા સીધી ઘરમાં થઈને પસાર થતી હતી.

કુલધરાનાં આ મકાનો રણમાં પણ એસીનો અહેસાસ કરાવતા હતા. અહીંયા ગરમીમાં તાપમાન 45 ડિગ્રી રહે છે, જો તમે આજે પણ ગરમીમાં આ ઉજ્જડ પડેલા મકાનોમાં જશો તો ઠંકડનો અનુભવ થશે. ગામમાં દરેક ઘર છીદ્રો દ્વારા એકબીજા સાથે જોડાયેલા હતા. એટલા માટે એક ઘરેથી બીજા ઘરે તેમની વાતો સરળતાથી પહોંચી શકતી હતી. ઘરોમાં પાણીનું કુંડ અને સીડીઓ પણ અનોખી છે.

અહીંયા ઘણી ફિલ્મી ગીતોનું શૂટિંગ થઈ ચૂક્યું છે, પરંતુ બોલીવુડની સુપરહિટ ફિલ્મ ‘ગુપ્ત’નું ગીત ‘મેરે ખ્વાબો મે તૂ’નું શૂટિંગ ઘણી ચર્ચામાં રહ્યું હતું…

સંકલન: રાજેશ ગોસાઈ

Leave a Reply

error: Content is protected !!