નડિયાદની ૧૪ વર્ષની છોકરીએ ૧૨૨ શહીદોના પરિવારને મદદ કરી – ગર્વ થાય એવું

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જીવતી રચના “ચૌદ વર્ષની ચારણ કન્યા”યાદ કરાવી જાય તેવી નડિયાદની જાદવ કન્યાએ શહીદોના પરિવાર માટે મુહિમ છેડી છે. નડિયાદની નાનકડી વિધિએ ૧૨ વર્ષની ઉંમરે ટીવીમાં પ્રસારિત શહીદોના સમાચાર જોતા શહીદોના પરિવાર માટે કાંઇક કરવાનો વિચાર આવ્યો હતો. વિધિના નાનકડા મગજમાં “શહીદ” શબ્દની ઊંડી સમજણ પહેલાંથી અંકાઇ ગઇ હતી.ત્યારથી લઇને અત્યાર સુધીમાં વિધિએ ૧૨૨ શહીદોના પરિવારોના ઘરે જઇને પોતાના પોકેટમનીમાંથી ૫ -૫ હજાર રૂપિયા આપ્યા છે. વિધિની આ મુહિમને લીધે લગભગ ભારતની તમામ સરહદોના મિલિટ્રી ચીફ વિધિને પોતાની દીકરી માને છે.

નડિયાદમાં રહેતી વિધિના પિતા નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે. થોડા વર્ષો પહેલાં વિધિને તેને શહીદના ઘરે લઇ ગયા હતા. જયા વિધિએ શહીદની દીકરીને જોઇને તેના પિતાને કહ્યું હતું કે મારે તેને રૂ.૫ હજાર આપવા છે.તેના પિતાએ સુંદર વિચારમાં ખાતર સિંચ્યું હતું. બસ પછી તો વિધિએ ભારતના કોઇપણ રાજ્યમાં શહીદ થાય તેમના પરિવારજનોને મળીને આર્િથક મદદ કરવાની પ્રથા પાડી દીધી. ઘરે આવતા મહેમાનોને ગલ્લો આપીને કહે છે કે શહીદોને મદદ કરશો?

વિધિ દરેક તહેવાર સરહદ પર કે શહીદનાં ઘરે ઊજવે છે 

દેશ માટે જીવ આપનાર શહીદના પરિવારજનો તહેવારમાં તેમના વગર શું કરતા હશે? તેવા સતત વિચારો આવવાથી એક દિવસ વિધિએ કાશ્મીરની સરહદ પર જવા કહ્યું, તેના પિતાએ તેની જીદ પૂરી કરાવી ત્યારથી લઇને આજદીન સુધી વિધિ તહેવારો ક્યા તો સરહદ ઉપર કે શહીદના પરિવારજનોના ઘરે જઇને ઊજવે છે.  હાલમાં જ પાકિસ્તાનની હલકાઇભર્યા કૃત્યમાં શહીદ થયેલા પરમજિતસિંઘના પરિવારને મળવા વિધિ નીકળી છે.

આ પ્રસંગે ઝવેરચંદ મેઘાણી અને કવિ દુલા ભાયા કાગ ની એક પ્રસંગ કથા વાંચવી ગમશે

૧૯૨૮નું વર્ષ છે. ઝવેરચંદ મેઘાણી કવિ દુલ ભાયા કાગ સહિતના કેટલાક સાથીદારો સાથે ગીરમાં તુલસીશ્યામ પાસે આવેલા ખજૂરી નેસમાં બેઠા હતા. સાંજ થવા આવી હતી. એ વખતે રાડ પડી, એ … આપણી પેલી હીરલ નામની વાછરડીને સાવજ ઉપાડી ગયો! ઘડીભરની રીડીયારમણ વચ્ચે દૂધ પી રહેલા મેઘાણીની તાંસળી હોઠ પાસે જ અટકી ગઇ અને મોટેરાને કોઇ સૂઝ પડે એ પહેલા તો નેસમાં રહેતી ૧૪ વર્ષની હીરબાઇ નામની દીકરીએ ડાંગના બે ભાઠાં ફટકારીને સિંહને ભગાડી મૂક્યો. નરી આંખે જોયેલા એ દ્રશ્યથી શાયર મેઘાણીનો માંહ્લો જાગી ગયો. ઓહોહો… આ ૧૪ વર્ષની દીકરીનું આવું પરક્રમ?  વનરાવનનો રાજા ગરજે એ સાથે ભલભલા મરદ મૂછાળાની ફેં ફાટી રહે જ્યારે એ ડાલામથ્થા સાવજની સામે એક ડાંગભેર ઉભી રહેતી આ ૧૪ વર્ષની ચારણકન્યાના પેટનું પાણી પણ ના હલ્યું? અને પછી મેઘાણીના હૈયે જે વાણી ફૂટી એ તો ભલભલા કાયરને પણ પાનો ચઢાવી દે તેવી અમર ગુજરાતી કવિતા ‘ચારણકન્યા’. ધોરણ ૪માં આ કવિતા ભણ્યા હતાં પણ તેમા જોયેલ ચારણકન્યાનું ચિત્ર હજુ માનસપટ પર એવુંને એવું છે.

કવિ કાગે આ ઘટનાના સાક્ષી રૂપે લખ્યું છે ” એ વખતે ચારણકન્યા મેઘાણી કાગળ કે કલમ વગર કંઠોકંઠ લખીને ગાવા લાગ્યા. એમનું શરીર જાગી ઊઠ્યું. આંખો લાલ તાંબા જેવી થઇ ગઇ. એ પણ સાવજ તરફ દોડવા લાગ્યા. અમે માંડ માંડ તેમને પકડી રાખ્યા.

(તાજા કલમ – આજે પણ એ નેસમા આ હીરબાઇના વંશજો રહે છે. જોકે તેમના કોઇ વશંજને આ કવિતા પૂરી યાદ નથી એ વિધીની વક્રતા છે.)

સંકલન – રૂપેશભાઈ

Leave a Reply

error: Content is protected !!