મહાભારત યુદ્ધ કુરુક્ષેત્રમાં જ કેમ લડાયું? આ છે રણભૂમિની પસંદગીનું રહસ્ય

મહાભારત અનુસાર, ભરતવંશના રાજા કુરુએ જે ભૂમિને વારંવાર ખેડ્યું તે સ્થાન કુરુક્ષેત્રના નામથી પ્રસિદ્ધ થયુ. રાજા કુરુને દેવરાજ ઈંદ્રએ વરદાન આપ્યુ હતું કે આ સ્થાન પર યુદ્ધ દરમિયાન જે પણ વ્યક્તિનું મૃત્યુ થશે તેને સ્વર્ગની પ્રાપ્તિ થશે. આ જ કારણ છે કે મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રમાં લડવામાં આવ્યુ હતું.

કોણ હતાં રાજા કુરુ?

રાજા કુરુ મહાભારતમાં વર્ણિત કુરુ વંશના પ્રથમ પુરુષ હતા. તે બહુ જ પ્રતાપી અને પ્રભાવશાળી રાજા હતાં. કુરુના વંશમાં કેટલાક પ્રતાપી અને તેજસ્વી વીરના જન્મ થયા હતાં. પાંડવો અને કૌરવોએ પણ કુરુ વંશમાં જ જન્મ લીધો હતો. વિશ્વ પ્રખ્યાત મહાભારતનું યુદ્ધ પણ કુરુવંશીઓ વચ્ચે જ લડવામાં આવ્યુ હતું. મહાભારત અનુસાર હસ્તિનાપુરમાં એક પ્રતાપી રાજા હતા જેમનું નામ સંવરણ હતું. તેમના લગ્ન સૂર્યદેવની પુત્રી તાપ્તી સાથે થયા હતા. તાપ્તી અને સંવરણથી જ કુરુનો જન્મ થયો હતો. રાજા કુરુના નામથી જ કુરુ મહાજનપદનું નામ પ્રખ્યાત થયુ જે પ્રાચીન ભારતના સોળ મહાજનપદો પૈકી એક હતું.

આ રીતે થયો કુરુવંશનો વિસ્તાર

રાજા કુરુના લગ્ન શુભાંગીથી થયા હતા જેમનાથી તેમને વિદુરથ નામનો પુત્ર થયો, વિદુરથ અને સંપ્રિયાથી અનાશ્વા, અનાશ્વા અને અમૃતાથી પરીક્ષિત, પરીક્ષિત અને સુયશાથી ભીમસેન, ભીમસેન અને કુમારીથી પ્રતિશ્રાવા, પ્રતિશ્રાવાથી પ્રતીપ.

પ્રતીપ અને સુનંદાના ત્રણ પુત્ર થયા, દેવાપિ, બાહ્મીક અને શાંતનુ. દેવાપિ કિશોરાવસ્થામાં જ સંન્યાસી થઈ ગયા અને બાહ્મીક યુવાવસ્થામાં રાજ્યની સીમાઓનો વિસ્તાર કરવામાં લાગી ગયા, એટલે સૌથી નાના પુત્ર શાંતનુને ગાદી મળી.

શાંતનુના લગ્ન ગંગા સાથે થયા જેનાથી તેમને દેવવ્રત નામનો પુત્ર થયો જે આગળ જઈને ભીષ્મના નામથી પ્રખ્યાત થયા. ભીષ્મનો વંશ આગળ નહી વધ્યો કારણ કે તેમણે બ્રહ્મચારી રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી.

શાંતનુની બીજી પત્ની સત્યવતીથી ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય થયા. ચિત્રાંગદના મૃત્યુ બાદ વિચિત્રવીર્યના વિવાહ કાશીની રાજકુમારી અંબિકા અને અંબાલિકાથી થયા. તેમનાથી ઘૃતરાષ્ટ્ર અને પાંડુ થયા. ધૃતરાષ્ટ્રના પુત્ર કૌરવ અને પાંડુના પુત્ર પાંડવ કહેવાયા.

આ કારણથી ઈંદ્રએ રાજા કુરુને વરદાન આપ્યો હતો

મહાભારત અનુસાર કુરુએ જે ક્ષેત્રને વારંવાર ખેડ્યુ તેનું નામ કુરુક્ષેત્ર પડયુ. કહેવાય છે કે જ્યારે કુરુ આ ક્ષેત્રને ખેડી રહ્યા હતા ત્યારે ઈન્દ્રએ તેમનાથી આનું કારણ પૂછ્યુ. કુરુએ કહ્યુ કે જે પણ વ્યક્તિનું મૃત્યુ આ સ્થાન પર થાય તે પુણ્ય લોકમાં જાય એવી મારી ઈચ્છા છે. ઈન્દ્રએ તેમની વાતને હસવામાં ઉડાવી દીધી અને સ્વર્ગલોક ચાલ્યા ગયા. ત્યારબાદ આવું અનેક વાર થયુ.

ઈન્દ્રએ આ વાત અન્ય દેવતાઓને પણ જણાવી. દેવતાઓએ ઈન્દ્રને કહ્યુ કે જો સંભવ હોય તો કુરુને પોતાના પક્ષમાં કરી લો. ત્યારે ઈન્દ્રએ કુરુને કહ્યુ કે કોઈ પણ પશુ, પક્ષી અથવા મનુષ્ય નિરાહાર રહીને અથવા યુદ્ધ કરતા દરમિયાન આ સ્થળ પર મૃત્યુ પામશે તો તે સ્વર્ગમાં જશે.

આ વાત ભીષ્મ, કૃષ્ણ વગેરે બધાં જ જાણતા હતા, એટલે જ મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રમાં લડવામાં આવ્યું.

કુરુક્ષેત્રનું મહત્વ

મહાભારત અને અન્ય પુરાણોમાં કુરુક્ષેત્રની મહિમા વિશે જણાવવમાં આવ્યુ છે. મહાભારતના વનપર્વ અનુસાર કુરુક્ષેત્રમાં આવીને બધાં પાપમુક્ત થઈ જાય છે. અહીંની ઉડેલી ધૂળના કણ પણ પાપીને પરમ પદ પ્રદાન કરે છે.

નારદ પુરાણમાં ઉલ્લેખ છે કે ગ્રહો, નક્ષત્રો અને તારાઓને આકાશથી નીચે પડવાનો ભય છે પણ જેમનું મૃત્યુ કુરુક્ષેત્રમાં થાય છે તે ફરીથી પૃથ્વી પર નથી આવતા, એટલે તેમનો પુનર્જન્મ નથી થતો. ભગવાન શ્રીકૃષ્ણએ કુરુક્ષેત્રમાં જ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. ભગવદગીતાના પ્રથમ શ્લોકમાં કુરુક્ષેત્રને ધર્મક્ષેત્ર કહેવામાં આવ્યુ છે.

– દિવ્યભાસ્કર

Leave a Reply

error: Content is protected !!