માતૃત્વ નું નવુ રૂપ એટલે સરોગેટ મધર – જાણવા જેવી તમામ વાતો

જ્યારે કોઈ સ્ત્રી પોતાના ગર્ભાશયમાં બીજા દંપતિ કે વ્યક્તિના ગર્ભને / ફલિતાંડને ઉછેરે છે ત્યારે તેને અવતરનાર બાળકની સરોગેટ મધર કહેવાય છે. આવી સરોગેટ મધર બનનારી સ્ત્રી ઘણી વાર દંપતિ ના સગા-વ્હાલામાંથી કે તદ્દન અજાણી સ્ત્રી પણ હોય શકે છે.

સરોગેટ મધરની આવશ્યકતા ક્યારે સર્જાય છે ?

  1. નિઃસંતાન દંપતિ માં જ્યારે કોઈ કારણસર સ્ત્રીનું ગર્ભાશય માતા/ સગર્ભા બનવાની યોગ્યતા ધરાવતુ ન હોય
  2. જ્યારે સગર્ભાવસ્થાને લીધે સ્ત્રી ને અન્ય રોગ વધુ ગંભીર બની શકે તેમ હોય (જેમ કે હૃદય રોગ વિ.)
  3. જ્યારે કોઈ સ્ત્રી સગર્ભાવસ્થા- ડીલીવરી ની પીડા કે પ્રસુતિની અન્ય મુશ્કેલી લીધા વગર જ પોતાનું બાળક મેળવવા ઈચ્છતી હોય.
  4. જ્યારે શિશુ મેળવવા ઈચ્છતી સ્ત્રી કે પુરુષ પોતે માત્ર એક જ હોય(દંપતિ ન હોય) અને પોતાના અંડકોષ કે શુક્રકોષની મદદથી શિશુ મેળવવા ઈચ્છતા હોય.

ભારતમાં સરોગસી વિશે કાનૂની મત

ભારતમાં સરોગેટ મધર બનવુ કે વ્યવસાયિક રીતે (નાણાકીય લેવડદેવડ પછી) સરોગેટ મધર બનવાનું હાલ ના તબક્કે કાનૂની છે (સુપ્રીમકોર્ટ આદેશ – 2002). કોઈપણ પુખ્ત વયની સ્ત્રી સરોગેટ મધર બનવા માટે નિઃસંતાન દંપતિ કે જેને બાળકની જરુર છે તેની સાથે કાયદેસર કરાર કરી પોતાના આ કાર્ય માટે યોગ્ય નિર્ધારીત રકમ મેળવી શકે છે. આ માટે આઈ.સી.એમ.આર.(ICMR= Indian Council of Medical Research) દ્વારા 2005માં નિર્ધારીત માર્ગદર્શિકા મુજબ વ્યવસ્થિત કાનૂની કરાર દ્વારા સરોગસી કાયદેસર રીતે શક્ય છે. આમાં સરોગેટ મધર અને ભાવિ શિશુનો સલામતી અને ગુપ્તતા તથા આર્થિક પાસાની દ્રષ્ટિએ ખાસ ખ્યાલ રાખવામાં આવેલ છે.

કરાર આધારીત સરોગેટ મધર

ભારતમાં સરોગેટ મધર બનવુ કાનૂની હોય ઘણા નિઃસંતાન દંપતિ માટે શિશુ મેળવવુ આસાન બન્યુ છે. મહદાંશે આર્થિક રીતે જરુરીયાતમંદ સ્ત્રી કે જે શારીરીક રીતે તંદુરસ્ત હોય તેના ગર્ભાશયમાં લેબોરેટરીમાં નિઃસંતાન દંપતિના કોષથી ફલિત કરાયેલ ફલિતાંડનું સ્થાપન તબીબી રીતે કરાય છે. આ પછી કુદરતી રીતે જ આ ફલિતાંડ યોગ્ય વાતાવરણ મળતા ધીમે-ધીમે એક વિકસીત શિશુ બને છે. આ દરમ્યાન સ્ત્રી રોગ વિશેષજ્ઞ તેનો ખાસ ખ્યાલ રાખે છે. નિયત ગર્ભાવસ્થાના અંતે તેને ડોક્ટર દ્વારા ડિલીવર કરાવાય છે. જન્મ પછી આ શિશુ તેના જનીનીક માતા પિતા (નિઃસંતાન દંપતિ કે જેના માટે આ પ્રક્રિયા કરાઈ હોય)ને સોંપાય છે. આ સમગ્ર પ્રક્રિયા પછી જે-તે શિશુનો સંપૂર્ણ કાનૂની અધિકાર તે દંપતિનો જ હોય છે. જે સ્ત્રીની કૂખેથી બાળક ડિલીવર થયુ હોય તેને આ કાર્ય માટે કરાર મુજબ નક્કી થયેલી રકમ ચૂકવાય છે.

ભારતમાં આવી સરોગેટ મધરને કરવુ પડતુ ચૂકવણુ અને ડોક્ટરનો ખર્ચ વિદેશો ની સરખામણી એ ઓછો છે. આથી વિદેશોથી ઘણા નિઃસંતાન દંપતિઓ ભારતમાં સંતાન માટે સરોગેટ મધર મેળવવા ધસારો કરે છે.

ઘણી વખત આવી સરોગેટ મધર ને જયારે પોતાની કૂખમાં ઉછરી રહેલા શિશુ પ્રત્યે મમતા બધાઈ જાય કે તેનો નિર્ણય બદલે તો ઘણી કાયદાકીય ગૂંચ સર્જાય છે જે આ વિષય નો સૌથી અઘરો પ્રશ્ન છે કે જ્યાં કાયદો અને લાગણી આમને સામને આવી જાય છે. ..!

સરોગેટ મધર – એક ઉત્ત્મ દ્રષ્ટાંત – “ જ્યારે નાની બની – મા…!”

સુરતના ભાવિકાબેનને ગર્ભાશય ન હતુ જેની જાણ તેમણે લગ્ન પહેલા જ ભાવિ પતિ સૌરભ ભાઈને કરી હતી. પરંતુ પતિ પત્ની વચ્ચે પ્રેમને પ્રથમ મહત્વ આપીને સૌરભ ભાઈ ભાવિકાબેનની સાથે સપ્તપદીના ફેરા ફર્યા. થોડા સમયે તેમને યોગ્ય વિશેષજ્ઞ માર્ગદર્શન અનુસાર સરોગેટ મધર દ્વારા શિશુ પ્રાપ્તિ કરવાનું નક્કી કર્યુ. તેમના સાસુ એટલે કે ભાવિકાબેન ના મમ્મી શાંતાબેન ચાવડાએ આ માટે પોતાની કૂખ આપવા ઈચ્છા દર્શાવી. સામાન્ય રીતે 40 વર્ષથી મોટી ઉંમરની સ્ત્રી માટે માતૃત્વ જોખમી બની શકે છે. પરંતુ પોતાની દિકરી માટે આ જોખમ ખેડવા આ નાની તૈયાર હતા…! પછી નિષણાતોના સારવાર અને નિરીક્ષણ હેઠળ સૌરભભાઈ અને ભાવિકાબેન નું બીજ ફલિત કરી શાંતાબેન ના ગર્ભાશયમાં સ્થાપિત કરાયુ. 9 માસની સંપૂર્ણ ગર્ભાવ્સ્થા પછી આ નાની ફરી નાની – મા બન્યા !! અને તે પણ એક નહિ બબ્બે જોડીયા શિશુઓ ના. ..! સરોગેટ મધર તરીકે ઉત્તમ ઉદાહરણ આ નાનીમાએ પૂરુ પાડયુ.

https://youtu.be/lp2JVanOo0k

સાભાર: ડો. મૌલિક શાહ એમડી. (પેડ)
એસોસીયેટ પ્રોફેસર – પિડીયાટ્રીક્સ
એમ.પી. શાહ મેડીકલ કોલેજ – જામનગર (ગુજરાત)

ગુજરાતના સૌથી લોકપ્રિય ફેસબુક પેઈજ ‘જ્ઞાન સાથે ગમ્મત’ પર તમે આ પોસ્ટ માણી રહ્યા છો. પોસ્ટ ગમે તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!