માત્ર અખબારો વાંચીને આઈએએસ બની એક મિડલ ક્લાસ યુવતી

ગાડરિયા પ્રવાહમાં તણાયા વિના મૌલિક રીતે વિચારીએ તો સફળતા મેળવવાનું સહેલું પડે છે એનો પુરાવો આપતી એક વાત કરવી છે.

દિલ્હીના એક મધ્યમવર્ગી કુટુંબમાં જન્મેલી દેવશ્વેતાએ દિલ્હી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો એ વખતથી તે પોતાના સહાધ્યાયીઓ કરતાં કંઈક જુદું વિચારતી હતી. તેને બીબાંઢાળ જિંદગી જીવવી નહોતી.

કૉલેજમાં કોમર્સ પ્રવાહમાં અભ્યાસ કરતી વખતે જ દેવશ્વેતા વનિકે નક્કી કર્યું કે પોતે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)ની સ્પર્ધાત્મક પરીક્ષા આપશે.

યુપીએસસીની પરીક્ષામાં પાસ થનારા વિદ્યાર્થીઓ આઈએફએસ, આઈએએસ, આઈપીએસ કે આઈઆરએસ યા બીજી સર્વિસીસના અધિકારી બની શકે છે. પણ યુપીએસસીની પરીક્ષામાં પાસ થવું એ લોઢાના ચણા ચાવવા જેવું અઘરું કામ છે. એ પરીક્ષામાં દર વર્ષે છ-સાત લાખ વિદ્યાર્થીઓ ભાગ લેતા હોય છે, પણ એમાંથી એક હજાર જેટલા વિદ્યાર્થીઓ જ એ પરીક્ષામાં સફળ થઈ શકતા હોય છે. એ પરીક્ષામાં કોઈ પણ ગ્રેજ્યુએટ વિદ્યાર્થી ભાગ લઈ શકે છે.

દેવશ્વેતાએ કોમર્સ ગ્રેજ્યુએટ બન્યા પછી યુપીએસસીની પરીક્ષા આપવા માટે તૈયારી શરૂ કરી દીધી. મોટા ભાગના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે લાખો રૂપિયાની ફી ભરીને કોચિંગ કલાસીસમાં જતા હોય છે અથવા પુસ્તકિયા કીડા બની જતા હોય છે, પણ દેવશ્વેતાનું કુટુંબ લાખો રૂપિયાની ફી ભરી શકે એમ નહોતું અને કદાચ પૈસા હોત તો પણ દેવશ્વેતા કોચિંગ કલાસ પાછળ પૈસા બગાડવા માગતી ન હતી. દેવશ્વેતાના પિતા નોઈડામાં એન્જિનિયર તરીકે નોકરી કરે છે અને માતા ગૃહિણી છે. દેવશ્વેતાની બહેન શુભશ્વેતાએ એન્થ્રોપોલોજીમાં ગોલ્ડ મેડલ સાથે એમ.એસ.સી. કર્યું છે. દેવશ્વેતાએ પણ ઈકોનોમિક્સ સાથે દિલ્હી યુનિવર્સિટીમાંથી બી.એ. કર્યું અને પછી યુપીએસસીની પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી.

દેવશ્વેતાએ અનોખી રીતે યુપીએસસીની પરીક્ષાની તૈયારી શરૂ કરી. ઘણા વિદ્યાર્થીઓ ગંભીર ચહેરે, દુનિયાઆખીનો બોજ ઉઠાવીને અભ્યાસ કરતા હોય છે. એમાંય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ ટાઈમટેબલ બનાવીને જુદા જુદા વિષયના અભ્યાસ માટે એલાર્મ ગોઠવતા હોય છે.

દેવશ્વેતાએ આવું બધું કરવાને બદલે ઘરે આઠ અખબાર મગાવવાનું શરૂ કર્યું. તે દરરોજ આઠ અખબારો વાંચતી અને એમાંથી ઉપયોગી લાગે એવા સમાચારો અને લેખોના કટિંગ્સ સાચવી રાખતી. તેણે કેટલાંક પુસ્તકો વાંચવાનું પણ ચાલુ રાખ્યું હતું, પણ તેનું સૌથી વધુ ધ્યાન અખબારો પર રહેતું.

આ રીતે માત્ર દસ મહિનાની તૈયારી પછી દેવશ્વેતાએ 2012માં યુપીએસસીની પરીક્ષા આપી અને પ્રથમ પ્રયાસમાં જ એ પરીક્ષા પાસ કરી. એટલું જ નહીં તે પહેલા પંદર વિદ્યાર્થીઓમાં આવી! બાવીસ વર્ષની ઉંમરે યુપીએસસીની પરીક્ષા પાસ કરીને સૌથી નાની સફળ ઉમેદવાર બનવાનો રેકોર્ડ પણ તેણે નોંધાવ્યો.

મક્કમ નિશ્ચય અને બીજાઓથી જુદી રીતે વિચારી શકવાની ક્ષમતા વ્યક્તિને અકલ્પ્ય સફળતા અપાવી શકે છે.

– આશુ પટેલ

‘જ્ઞાન સાથે ગમ્મત’ અને ‘કોકટેલ ઝીંદગી’ ના સૌજન્ય થી. કોકટેલ ઝીંદગી મેગેઝીન ખરીદવા અહી ક્લિક કરો

Leave a Reply

error: Content is protected !!