તોડફોડ કર્યા વગર ઘરના દોષ દૂર કરતું ફેંગશૂઈ…!!! અદ્ભુત વાતો વાંચો

ફેંગશૂઈ ચીનની એક વિદ્યા છે. જે માનવ કલ્યાણ માટે છે. ફેંગશૂઈ બે શબ્દ ફેંગ અને શૂઈથી બનેલો છે. આ ચીનની વાસ્તુશાસ્ત્રીય પદ્ધતિ છે. ચીની ભાષામાં ફેંગનો અર્થ થાય છે જળ અને શૂઈનો અર્થ છે વાયુ. આ વિજ્ઞાાન આપણને જણાવે છે કે આપણે આપણી આસપાસની વસ્તુઓને આકાર, રંગ, તત્ત્વ, ગ્રહ અને અંકો અનુસાર કઈ દિશામાં રાખી શકીએ. જો તે બધુ ફેંગશૂઈ પ્રમાણે ન હોય તો ફેંગશૂઈના વિવિધ ઉપકરણો કે વસ્તુઓ દ્વારા પણ દોષ દૂર કરી શકાય છે

ફેંગશૂઈના આધારે કરવામાં આવેલું સંશોધન કોઈ પણ સામાન્ય મનુષ્યના ભાગ્યને સારું કરવાનો સરળ ઉપાય છે. તેને ભાગ્યનો ત્રિત્વ કહે છે. ભાગ્ય ત્રણ પ્રકારના હોય છે. (૧) પૃથ્વીથી પ્રાપ્ત થતું ભાગ્ય. (ર) મનુષ્યનું પોતાની જાતે પ્રાપ્ત કરેલું ભાગ્ય અને (૩) સ્વર્ગ દ્વારા પ્રાપ્ત કરેલું ભાગ્ય. દરેક વ્યક્તિ પોતપોતાના સામર્થ્ય અનુસાર પૂરી શક્તિથી કામ કરે છે. ફેંગશૂઈના ઉપયોગથી આપણે આપણા ઘરને સામંજસ્યપૂર્ણ બનાવીને સ્વયંને પહેલાંથી વધારે પ્રસન્ન, સ્વસ્થ તથા જીવનની પ્રત્યેક ક્ષણને વધારે સફળ બનાવી શકીએ છીએ. અહીં આવી જ કેટલીક ફેંગશૂઈ વસ્તુઓ પ્રસ્તુત છે.

ફેંગશૂઈની ઉપયોગી વસ્તુઓ:

ફેંગશૂઈમાં વિવિધ ઉપકરણો કે વસ્તુઓ દ્વારા વાસ્તુદોષને દૂર કરી શકાય છે. આ બધી જ વસ્તુઓ ઘર, ઓફિસ, દુકાન, ફેક્ટરી વગેરે જેવી બધી જ જગ્યાઓ કે જ્યાં વાસ્તુ પ્રમાણે ગોઠવણ હોવી જોઈએ ત્યાં બધે જ ઉપયોગી છે. ફેંગશૂઈની વિવિધ વસ્તુઓ અને તેના પ્રભાવને જાણીએ.

બાગુઆ : તેને મુખ્ય શયનખંડના દ્વાર પર બહારની બાજુ લગાવવો જોઈએ. તેને કાર્યાલયના દ્વાર પર પણ આપણે લગાવી શકીએ છીએ. તેને લગાવવાથી મકાન કે ખંડમાં નકારાત્મક ઊર્જા પ્રવેશ કરતી નથી.

પાકુઆ : મુખ્ય દ્વારની સામે કોઈ પણ પ્રકારનો દ્વારવેધ અથવા અશુભ સ્થાન હોય ત્યારે તેને દ્વારની ઉપર બહારની બાજુએ લગાવવામાં આવે છે. જેનાથી નકારાત્મક ઊર્જા ઘરમાં પ્રવેશ કરતી નથી.

ક્રિસ્ટલ બોલ : ક્રિસ્ટલ ઊર્જાવર્ધક હોય છે. પૂર્વ દિશામાં લગાવવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે. ઉત્તર-પશ્ચિમ દિશામાં લગાવવાથી દાંપત્યસંબંધો સુધરે છે તથા પશ્ચિમમાં લગાવવાથી સંતાનસુખ મળે છે.

વિંડ ચાઈમ : વિંડ ચાઈમ એટલે કે હવાથી જેમાં ઝણકાર થાય તેવી પવન ઘંટડી. વિંડ ચાઈમ ઘર તથા વ્યાપારના વાતાવરણને મધુર બનાવે છે. વાસ્તુ અને ફેંગશૂઈનાં પાંચ તત્ત્વોને દર્શાવવાળી પાંચ રોડની વિંડ ચાઈમ શુભ માનવામાં આવે છે. તેને ઘરના મધ્યસ્થાને લગાવવાથી સ્વાસ્થ્ય લાભ તથા ઉત્તર-પશ્ચિમમાં લગાવવાથી જીવનમાં નવા સુઅવસર પ્રાપ્ત થાય છે.

લાફિંગ બુદ્ધા : હસતા બુદ્ધની મૂર્તિ ધન-સંપત્તિના દેવતાઓમાંની એક માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સંપન્નતા, સફળતા અને સમૃદ્ધિ આવે છે પરંતુ આ મૂર્તિને શયનખંડ કે રસોડામાં ક્યારેય રાખવી જોઈએ નહીં.

ત્રણ પગવાળો દેડકો : મોંમાં સિક્કા લીધેલ ત્રણ પગવાળો દેડકો પણ એ પ્રકારે રાખવો જોઈએ કે જેથી એવું લાગે કે તે ધન લઈને ઘરની અંદર આવી રહ્યો છે. તેને શૌચાલય કે રસોડામાં ક્યારેય રાખવો જોઈએ નહીં.

ધાતુનો કાચબો : ધાતુનો કાચબો આયુષ્ય વધારનાર તથા ધન-સમૃદ્ધિમાં વધારો કરનાર હોય છે. તેને ભગવાન વિષ્ણુનો કચ્છપ અવતાર માનવામાં આવે છે.

લવ બર્ડ્સ : પતિ-પત્ની વચ્ચેના પરસ્પરના સંબંધો મધુર બનાવવા માટે તેને શયનખંડમાં રાખવામાં આવે છે. લવ બર્ડ્સ દાંપત્યજીવનમાં પ્રેમ અને સૌહાર્દ જાળવી રાખે છે. તેને ઘરમાં રાખતી વખતે એક વાતનું ધ્યાન રાખો કે પિંજરાની અંદર કેદ ન હોય.

મેનડેરિયન ડક : કુંવારા છોકરા કે છોકરીનાં લગ્ન માટે મેનડેરિયન ડકના જોડાને એ છોકરા કે છોકરીના રૂમમાં દક્ષિણ-પશ્ચિમ ભાગમાં લગાવવામાં આવે છે. જેનાથી કુંવારા લોકોનાં લગ્ન ઝડપથી થઈ જાય છે.

એજ્યુકેશન ટાવર : એજ્યુકેશન ટાવર સામે રાખીને વિદ્યાર્થીઓ અભ્યાસ કરે તો અભ્યાસમાં ધ્યાન એકાગ્રચિત થઈ જાય છે. તેનાથી ઈચ્છાશક્તિ તથા તર્કશક્તિમાં વૃદ્ધિ થાય છે. વધારે અભ્યાસ કરવાની પ્રેરણા પણ મળે છે.

બેવડું ખુશી સંકેત : આ ચિહ્નને ઘરના દક્ષિણ-પશ્ચિમમાં લગાવવાથી ઘરમાં ખુશીઓના અવસર વધે છે તથા વિવાહયોગ્ય છોકરા-છોકરીનાં લગ્ન જલદી થઈ જાય છે.

મિસ્ટેક નોટ સિમ્બોલ : તે એક રહસ્યમયી ગાંઠ છે એટલે કે જેનો પ્રારંભ ખબર નથી તથા અંત પણ ખબર નથી. આ ચિહ્નને ઘર તથા ઓફિસની ઉત્તર દિશામાં લગાવવાથી ધન તથા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે.

એનિમલ સેટ : તેને ડ્રોઈંગ રૂમની ચારે દિશાઓમાં લગાવવામાં આવે છે. ડ્રેગન પૂર્વની દીવાલ પર, ટાઈગર પશ્ચિમની દીવાલ પર, ફિનિક્સ દક્ષિણની દીવાલ પર તથા કાચબો ઉત્તરની દીવાલ પર લગાવવામાં આવે છે. એનિમલ સેટ લગાવવાથી વ્યક્તિની ચારે બાજુ પ્રગતિ થાય છે.

ભાગ્યશાળી સિક્કા : ત્રણ ભાગ્યશાળી ચીની સિક્કા ઘરના મુખ્ય દ્વારના અંદરની તરફના હેન્ડલ પર બાંધવામાં આવે છે. તેને લગાવવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે. પરિવારના દરેક સદસ્યને તેનાથી લાભ થાય છે. આ સિક્કાઓને પર્સમાં રાખવાથી ધનની વૃદ્ધિ થાય છે.

રત્નોનો છોડ : રત્નોના છોડને જેમ ટ્રી પણ કહે છે. ઘરમાં સુખ, શાંતિ તથા ધનને વધારવા માટે તેને ઘરમાં લગાવવામાં આવે છે. લીલા રંગનો છોડ ઉત્તર દિશામાં તથા મિશ્રિત રંગોનો છોડ દક્ષિણ-પશ્ચિમ દિશામાં લગાવવો જોઈએ.

વાંસળી : બીમના પ્રભાવને ઓછો કરવા માટે વાંસળીઓ પર લાલ રિબિન લપેટીને બીમ સાથે એવી રીતે લટકાવવામાં આવે છે કે જેથી વાંસળીનું મુખ નીચેની તરફ રહે અને પરસ્પર ત્રિકોણ બનાવે.

સોનેરી માછલી : સોનેરી માછલી એટલે કે ગોલ્ડ ફિશ ધન અને સમૃદ્ધિમાં વૃદ્ધિ કરે છે. ગોલ્ડ ફિશવાળું માછલી ઘર ડ્રોઈંગ રૂમમાં રાખવું જોઈએ. તેને રાખવાની યોગ્ય દિશાઓ પૂર્વ, દક્ષિણ-પૂર્વ તથા ઉત્તર છે. આ માછલીઓની સંખ્યા નવ હોવી જોઈએ.

ડ્રેગનના મોંવાળી બોટ : સંયુક્ત પરિવારને એક સાથે રાખવા માટે એટલે કે બધાં જ એક તાંતણે બંધાઈ રહે તે માટે તેને ઘરના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં રાખવી જોઈએ.

ક્રિસ્ટલ ગ્લોબલ : ક્રિસ્ટલ ગ્લોબલને ઘર અથવા વ્યાપારિક સ્થળે એવી રીતે રાખવો જોઈએ કે જેથી એ તમારી સામે રહે અને દિવસમાં ઓછામાં ઓછો ત્રણવાર તેને ફેરવવો જોઈએ. તે કરિયર તથા વહેપારની સફળતામાં સહાયક સિદ્ધ થાય છે.

ઝુમ્મર (ચી) : ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશા પૃથ્વી તત્ત્વ સાથે સંબંધ ધરાવે છે. તે વિવાહ તથા પરસ્પરના સંબંધ સાથે જોડાયેલ છે. દરરોજ સાંજના સમયે બે કલાક સળગતું (ચાલુ) રાખવાથી પરિવારના સદસ્યોમાં હળવા-મળવાની ભાવના પ્રબળ બને છે. સાથે-સાથે અવિવાહિત વ્યક્તિઓના વિવાહ થવાની સંભાવનાઓ વધી જાય છે.

પવન ઘંટડી : તેને મુખ્ય દરવાજાની પાસે લટકાવવામાં આવે છે. બેઠકખંડ અથવા કાર્યાલયમાં લગાવવાથી તે સમૃદ્ધિ પ્રદાન કરે છે. તેનો પવિત્ર ધ્વનિ નકારાત્મક ઊર્જાને ઓછી કરીને સકારાત્મક ઊર્જા વધારે છે. મંત્રોના ધ્વનિ અને પવિત્ર ધૂનથી વાસ્તુદોષ નષ્ટ થઈને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. જોકે પવન ઘંટડી બધી જ જગ્યાએ કે ક્ષેત્રોમાં ન લટકાવવી જોઈએ કારણ કે તેને લટકાવવાનું સ્થાન જ વધારે મહત્ત્વપૂર્ણ હોય છે.

ફિનિક્સ : ફેંગશૂઈ અનુસાર તે ઈચ્છા પૂરી થવાવાળા ભાગ્યનું પ્રતીક છે. ભાગ્યને ક્રિયાશીલ કરવા માટે ફિનિક્સના પ્રતીકના રૂપમાં તેના ચિત્ર અથવા પેઈન્ટિંગ દક્ષિણમાં લગાવો.

કુક, લુક અને સાઉ : આ ક્રમશઃ સમૃદ્ધિ, ઉચ્ચ શ્રેણી તથા દીર્ઘાયુના દેવતા છે. તેમની ઉપસ્થિતિ માત્ર પ્રતીકાત્મક હોય છે. તેમની પૂજા કરવામાં આવતી નથી. ઘરમાં તેમની ઉપસ્થિતિ અત્યંત ભાગ્યશાળી માનવામાં આવે છે. કુક સમૃદ્ધિના દેવતા છે. તે અન્ય બંને દેવતાઓથી કદમાં ઊંચા છે. સામાન્ય રીતે તેમને વચ્ચે રાખવામાં આવે છે. કુક-લુક-સાઉ ત્રણે મળીને અત્યંત મહત્ત્વપૂર્ણ સૌભાગ્યનું પ્રતિનિધિત્વ કરે છે. તેમની ઉપસ્થિતિ સમૃદ્ધિ, પ્રભુત્વ, સન્માન, દીર્ઘાયુ તથા સારા સ્વાસ્થ્યને સુનિશ્ચિત કરે છે.

ડ્રેગન : ડ્રેગન ઉત્તમ યોગ ઊર્જાનો પ્રતીક છે. તેનો સંબંધ પૂર્વ દિશા સાથે જોડાયેલો છે. આ દિશાનું તત્ત્વ કાષ્ટ (લાકડું) છે. આથી લાકડાની નક્કાશીવાળો ડ્રેગન સારો રહે છે. તમે માટી અને સ્ફટિકથી બનેલો ડ્રેગન પણ રાખી શકો છો પરંતુ ધાતુનો ક્યારેય ન રાખશો કારણ કે પૂર્વ દિશામાં ધાતુ લાકડાને નષ્ટ કરી નાખે છે. ડ્રેગન ઉત્તમ યોગ ઊર્જાનો પ્રતીક હોવાને કારણે દુકાન, હોટેલ, રેસ્ટોરન્ટ, ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ જ્યાં આ ઊર્જાની વધારે આવશ્યક્તા હોય છે, લોકોના આવવા-જવાનું વધારે રહે છે ત્યાં પણ પૂર્વ દિશામાં ચિત્ર રાખવું બહુ સારું રહે છે. તેને શયનખંડમાં ન રાખશો કારણ કે ત્યાં યોગ ઊર્જાની જરૂર હોતી નથી.

ફેંગશૂઈ વસ્તુઓની ટિપ્સ:

 • ઘરમાં કેકટસનો છોડ ન રાખશો કારણ કે કેકટસનો છોડ નકારાત્મક ઊર્જા પ્રવાહિત કરે છે.
 • સુકાયેલા ફૂલ નકારાત્મક ઊર્જાનું પ્રતિનિધિત્વ કરે છે. તે મુરઝાય તેવા તરત જ ફેંકી દો. જોકે તાજાં ફૂલ સૌભાગ્યવર્ધક હોય છે.
 • બંધ પડેલી ઘડિયાળ નકારાત્મક ઊર્જાનું પ્રતીક છે. આથી તેને તુરંત જ ઠીક કરાવો.
 • ઘરમાં હિંસાત્મક દૃશ્ય ના લગાવશો. ઘરના સદસ્યો તણાવમાં રહે છે.
 • રાત્રે ઘરની બહાર કપડાં સૂકવવાથી નકારાત્મક ચી પહેરવાવાળાના મન પર ખરાબ પ્રભાવ પાડે છે.
 • શૌચાલયનો દરવાજો ક્યારેય ખુલ્લો રાખવો જોઈએ નહીં. આમ કરવાથી નકારાત્મક ઊર્જા ઘરમાં પ્રવેશ કરે છે.
 • દરવાજાની ઉપર કેલેન્ડર અથવા ઘડિયાળ ના લટકાવશો કારણ કે તે આયુષ્યને પ્રભાવિત કરે છે.
 • કેશ બોક્સ, બેન્ક પાસબુક, કેશ રજિસ્ટર પર ત્રણ ફેંગશૂઈ સિક્કા લગાવવાથી આવકમાં વૃદ્ધિ થાય છે.
 • લાલ દોરામાં બાંધેલ ત્રણ ફેંગશૂઈ સિક્કા તથા ત્રણ નાની-નાની ઘંટડીઓ દરવાજામાં લટકાવવાથી સમૃદ્ધિ આવે છે પરંતુ તે એવા દરવાજા પાછળ ન લટકાવવી જોઈએ કે જે બહારની તરફ ખૂલતા હોય.
 • મોંમાં સિક્કા લીધા હોય તેવો ત્રણ પગવાળો દેડકો ઘરમાં એવી રીતે રાખો કે જેથી એવું લાગે કે તે ઘરમાં પ્રવેશ કરી રહ્યો છે. તેનાથી એવું પ્રતીત થાય છે કે દેડકો ઘરમાં ધન લાવી રહ્યો છે. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે જો તેનું મોં ઊલટું હોય તો પ્રભાવ પણ ઊલટો પડશે. તેને ડ્રોઈંગ રૂમમાં રાખવો શુભ છે. તેને શૌચાલયમાં રાખવો જોઈએ નહીં.
 • સૌભાગ્યવૃદ્ધિ માટે ઘરમાં ડ્રેગન રાખો. તેને ડ્રોઈંગ રૂમમાં રખાય, પરંતુ શયનખંડમાં રાખવો જોઈએ નહીં.
 • ડ્રેગનના મોંવાળી બોટ ઘરમાં રાખો. આપણો પરિવાર લાંબા સમય સુધી સુખ-સમૃદ્ધિથી ચાલતો રહેશે તે વાતનું તે પ્રતીક છે.
 • ધન-સમૃદ્ધિ માટે ઘરમાં કેશ-જ્વેલરી રાખવાની જગ્યાએ સોનાની નાવ (હોડી) રાખો. તેને દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવામાં આવે છે.
 • કરિયર, એજ્યુકેશન તથા વ્યાપારમાં સફળતા માટે ક્રિસ્ટલ ગ્લોબ રૂમમાં રાખો. તેને દિવસમાં ત્રણવાર ફેરવો. તેનાથી ગ્લોબમાંથી નીકળેલી સકારાત્મક ઊર્જા આખા ક્ષેત્રમાં ફેલાઈ જાય છે. પ્રયોગ કરતાં પહેલાં ગ્લેબને સ્ટેન્ડ પરથી ઉતારી મીઠાના પાણીમાં ધોઈને કાચમાં વાસણમાં મૂકીને બે-ત્રણ કલાક સવારના તડકામાં રાખવામાં આવે છે.
 • પશ્ચિમ તથા ઉત્તર-પશ્ચિમ દિશામાં ધાતુમાંથી બનેલ સિક્કાનો વાટકો અથવા છોડ રાખવાથી મિત્રોની સંખ્યા વધે છે.
 • પતિ-પત્નીના શયનખંડમાં લવબર્ડ લગાવવાથી તેમની વચ્ચે પ્રેમ વધે છે. લવબર્ડ ખરીદતી વખતે ધ્યાન રાખો કે તેમાં બે જ પક્ષી હોય.
 • જે બાળકોનું અભ્યાસમાં મન ના લાગતું હોય તેમના સ્ટડી ટેબલ પર એજ્યુકેશન ટાવર રાખવાથી લાભ થાય છે. તેને ઉત્તર-પૂર્વ દિશામાં રાખવું જોઈએ.
 • ચીનમાં ચંદ્રને વિવાહ (લગ્ન)નો દેવતા માનવામાં આવે છે. પૂર્ણિમાના દિવસે અવિવાહિત કન્યાએ એક સંતરુ નહેર, નદી અથવા સમુદ્રમાં વહાવવું જોઈએ. એક માન્યતા મુજબ વાયુ અને જળના દેવતા કન્યાનો સંદેશો ચંદ્ર સુધી પહોંચાડે છે, જેનાથી કન્યાને મનપસંદ વર મળે છે.
 • ચંદ્રની રોશની (અજવાળું) અથવા ચંદ્રમાનું ચિત્ર અવિવાહિત કન્યાઓના રૂમમાં રાખવાથી તેમને યોગ્ય અને મનપસંદ વર મળે છે.
 • બે લોકો વચ્ચેના સંબંધમાં સુમેળ જળવાઈ રહે તે માટે બે ડોલ્ફિનનું ચિત્ર લગાવો. જો તમારો બિઝનેસ પાર્ટનરશિપમાં હોય તો પણ તમે ડોલ્ફિનનું ચિત્ર લગાવી શકો છો. તેનાથી લાભ થાય છે.
 • સમડી સુરક્ષાની પ્રતીક છે. તેની મૂર્તિ ઘરમાં રાખવાથી બીમારીઓ તથા દુશ્મનોથી રક્ષા થાય છે.
 • માછલીઓ સંપત્તિ અને સમૃદ્ધિ અપાવે છે. આથી નાની માછલીની મૂર્તિ ઘરની તિજોરીમાં રાખો. તેને દક્ષિણ-પૂર્વ અથવા ઉત્તર દિશામાં રાખવામાં આવે છે.

સાભાર: સંદેશ

Leave a Reply

error: Content is protected !!