વિક્રમ સંવતના આરંભનો દિવસ એટલે બેસતું વર્ષ – ગોવર્ધન પૂજા અને અન્નકુટ

સુંદર છે પ્રભાત,આજે નૂતન વર્ષાભિનંદન
ભેટો ભુલીને જાતપાત,આજે નૂતન વર્ષાભિનંદન !

દિવાળી પછીનો દિવસ એટલે બેસતું વર્ષ.નવા વર્ષના શુભારંભનો દિવસ એટલે બેસતું વર્ષ….! વિક્રમ સંવતના આરંભનો દિવસ એટલે બેસતું વર્ષ….!આજનો દિવસ એટલે જનજનમાં ગઇ ગુજરી ભુલીને પ્રેમથી એકબીજાને સ્નેહભર્યાં “જય શ્રીકૃષ્ણ” કહીને નવા વર્ષની રંગીન શરૂઆત કરવાનો દિવસ.નૂતન વર્ષાભિનંદન એટલે ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ માટે તો અત્યંત મહત્વનો દિવસ.

મહત્વ અને કાર્યો –

બેસતું વર્ષ અર્થાત્ વિક્રમ સંવતના પ્રારંભિક દિવસ એટલે કે કારતક મહિનાના પડવાનું મહત્વ ગુજરાતની પ્રજામાં તો અત્યંત છે.આજના દિવસે લગભગ કોઇ ગુજરાતી અપશબ્દ નહિ બોલે,અસત કર્મ નહિ કરે….!નવા વર્ષને અત્યંત આદરભાવે વધાવવામાં આવે છે.

વહેલી સવારમાંથી જ નવા વર્ષના આગમનની ઉત્સાહભરી પ્રવૃતિઓ થવા માંડે છે.ઘેર ઘેર દિપ પ્રાગટ્ય થઇ જાય છે.ભુલકાંઓથી માંડીને વૃધ્ધો સુધી બધાં જ વહેલાં ઉઠી જાય છે.આતશબાજી થવા માંડે છે.મંદિરોમાં ઘંટારવ વાગવા માંડે છે,લોકો ભાવપૂર્વક પ્રભુની ભક્તિ કરે છે.અને પછી વડીલોને પગે લાગે છે,સમવયસ્કો સહિત બધાંની સાથે હાથ મિલાવે છે.પ્રેમથી એકબીજાને હાથ જોડી “જય શ્રીકૃષ્ણ” કહે છે અને “નૂતન વર્ષાભિનંદન” કહી નવું વર્ષ એકદમ સુંદરત્તમ જાય એ માટે પ્રાર્થના અને શુભેચ્છાઓ પાઠવે છે.એકબીજાના મોં મીઠા કરાવે છે,પ્રસાદ આપે છે,મુખવાસ આપે છે.

વેપારીઓ નવા વર્ષથી નવા ચોપડાઓમાં નવેસરથી હિસાબ માંડે છે.આ દિવસે સવારમાં સૌ પોતપોતાના કુલદેવતા સહિત લક્ષ્મી,વિષ્ણુ,વાસુદેવ ઇત્યાદિ બધાં દેવતાનું પૂજન કરે છે.દરેક ધંધાર્થી પોતાના ધંધાને નવી રીતે શરૂ કરે છે.લગભગ ખેડુતોના ઘરમાં ધાન્ય આવી ગયું હોય છે.બેસતાં વર્ષ પછી શિયાળાના પાકની વાવણીનો આરંભ થાય છે.કોઠીઓમાંથી બીજ બહાર કાઢવામાં આવે છે.ભૂમિપૂજન પણ થાય છે.આમ,આ નવલાં દિવસને સહુ પોતપોતાની રીતે ઉમંગ-ઉત્સાહથી ઉજવે છે.બલિરાજાની પૂજા કરવાનું પણ ઘણા ધર્મશાસ્ત્રોમાં કહેવાયું છે.

વિક્રમ સંવતનો પ્રારંભ –

આજના દિવસે નવા વર્ષનો વિક્રમ સંવત પ્રમાણે શુભારંભ થાય છે.વિક્રમ સંવત ઉત્તર ભારતમાં અને ગુજરાતમાં મહત્વ ધરાવે છે.કાર્તક સુદ એકમના રોજ તેનું નવુ વર્ષ શરૂ થાય છે.આપણું ગુજરાતી કેલેન્ડર વિક્રમ સંવત પ્રમાણે ચાલે છે.

કહેવાય છે કે,ઉજ્જૈન [ અવંતિ ]ના મહારાજા વિર વિક્રમે પરદેશી આક્રમણકારી શકોને હાંકી કાઢી એના પર મેળવેલ વિજયની યાદમાં ઇ.સ.પૂર્વે ૫૭માં વિક્રમ સંવત શરૂ કર્યો.ગુજરાતમાં વિક્રમ સંવત સોલંકી શાસન દરમિયાન અસ્તિત્વમાં આવ્યો.

ગોવર્ધન પૂજા અને અન્નકુટ –

કહેવાય છે કે,આજના દિવસે જ ભગવાન કૃષ્ણએ ઇન્દ્રના ગર્વનું મર્દન કરી અતિવૃષ્ટિમાંથી વ્રજભૂમિની રક્ષા ખાતર ગોવર્ધન પર્વતને ટચલી આંગળીએ ઉપાડ્યો હતો.એની નીચે લોકો સહિત બધાં પ્રાણીઓ આવી ગયાં અને અતિવૃષ્ટિથી રક્ષણ મળ્યું.આ દિવસથી લોકો ઇન્દ્રને છપ્પન જાતના અન્નકુટ એટલે કે અન્નભોગ ચડાવતાં તેને બદલે ગોવર્ધનને ચડાવવા લાગ્યા.આ સીલસીલો હજી પણ જળવાઇ રહ્યો છે.અત્યારે પણ ઠાકોરજીના મંદિરોમાં વિવિધ વાનગીઓ અને અનેક જાતના શાકભાજીનું અન્નકુટ ભગવાનને ધરવામાં આવે છે.અમુક જગ્યાએ આ અન્નકુટ વિશાળ માત્રામાં હોય છે.તેનો પ્રસાદ પણ આપવામાં આવે છે.

સવારમાં ગાયના છાણમાંથી ગોવર્ધન પર્વત બનાવવામાં આવે છે અને તેમાં રંગબેરંગી ફુલો મુકી ગોવાલો રૂપી મનુષ્યઆકૃતિઓ સર્જવામાં આવે છે.સાંજે તેમની પૂજા કરાય છે.અત્યારે વ્રજભૂમિમાં આ પૂજાનું અત્યંત મહત્વ છે.

આજના દિવસે નિ:સહાયને દાન દેવાની પ્રથા પણ છે.કહેવાય છે કે,એમ કરવાથી પ્રભુ રાજી થાય છે અને વર્ષભર ઉલ્લાસમાં વીતે છે.આમ,આ દિવસ બહુ મહત્વની પ્રવૃતિઓ યુક્ત છે.

અંતમાં,સૌને નવું વર્ષ ઉલ્લાસમય અને સંતોષમય જાય એવી શુભેચ્છાઓ સાથે નૂતન વર્ષાભિનંદન,જય શ્રીકૃષ્ણ અને બેસતાં વર્ષના રામરામ….!

સંકલન – Kaushal Barad

Leave a Reply

error: Content is protected !!