પ્રેગનન્સી દરમિયાન થોડી કાળજી લેવાથી નોર્મલ ડીલીવરી ના વધુમાં વધુ ચાન્સ

નોર્મલ ડિલિવરી માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો :

પ્રસુતિ (ડીલીવરી) એક સહજ કુદરતી ક્રિયા હોવા છતા તેમાં ઘણી આંટી-ઘૂટી સામેલ છે. ઘણીવાર આ ક્રિયા સહજ કુદરતી રીતે થઈ શકે તેવુ ન હોય કે શિશુને કે માતાને જોખમ હોય તો તબીબી નિષ્ણાંતો શિશુને માતાના પેટ અને બાદમાં ગર્ભાશય પર કાપો મૂકીને એક શસ્ત્ર ક્રિયા દ્વારા બાહર કાઢે છે. આ ક્રિયા- ઓપરેશન ને સીઝેરીયન સેક્શન કહે છે.

જો કે ગર્ભાવસ્થા દરમિયાન કેટલીક વાતોનું ધ્યાન રાખવામાં આવે તો નોર્મલ ડિલિવરી થઈ શકે છે અને સીઝેરિયન ડિલિવરીથી બચી શકાય. દોસ્તો, ચાલો જાણ્યે ગર્ભાવસ્થા દરમિયાન કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

સૌથી પહેલાં તમારી તબિયતનું ધ્યાન રાખો


બાળકની તંદુરસ્તી માટે તે જરૂરી છે કે તમે ગર્ભાવસ્થા દરમિયાન પોતાની સંભાળ રાખો. સુવાવડ વખતે જોઈતી શારીરિક તાકાત અને માનસિક તૈયારી માટે માતાનું સ્વાસ્થ્ય સારૂ હોય એ ખૂબ જ જરૂરી છે. સારા સ્વાસ્થ્ય માટે પોષણયુક્ત આહાર, યોગ્ય આરામ, કસરત અને નિયમિત ગર્ભની તપાસ કરાવતા રહેવું જોઈએ. શારિરીક અને માનસિક સજ્જતા નોર્મલ ડિલિવરીનો રસ્તો આસાન કરી દેશે.

ગર્ભાવસ્થામાં પોષણયુક્ત આહાર

ગર્ભાવસ્થા દરમિયાન માતા અને બાળકનાં સારા સ્વાસ્થ્ય માટે સમતોલ અને વધું ખોરાકની જરૂર રહે છે. પ્રોટીનયુક્ત ખોરાક ગર્ભના વિકાસ માટે જરૂરી છે. જો શક્ય હોય, તો સગર્ભા સ્ત્રીએ, દૂધ, ઇંડા, માછલી, માંસનો ખોરાક લેવો જોઈએ. જો તે શાકાહારી હોય તો, તેણે વિવિધ અનાજ, કઠોળ અને કાજુ-બદામનો ઉપયોગ કરવો. લોહતત્વ બાળકમાં લોહી બનાવવા અને પાંડુરોગને ટાળવા ખૂબ મહત્વનું છે. તેણે ખાંડના બદલે ગોળ લેવો જોઈએ. સગર્ભા માતાએ ખોરાકમાં દૂધ અને દૂધની બનાવટો, વિવિધ ફળ, લીલા પાંદડાવાળા શાકભાજીનો વધું ઉપયોગ કરવો જોઈએ.

દરરોજ હળવી કસરત કરો

કસરત કરવાથી તમે મજબૂત બનો છો. ગર્ભાવસ્થા દરમિયાન તમારૂ વજન વધે છે અને તમારે પ્રસૂતિ વેદના માટે પણ તૈયાર રહેવાનું હોય છે. બાળકના જન્મ પછી પણ તમારા શરીરને ફરીથી સુડોળ બનાવવામાં કસરત મદદ કરે છે. ગર્ભાવસ્થામાં તમે ખોટા વિચારો કરતાં હો તો કસરત તમારી માનસિકતાને પણ તંદુરસ્ત કરે છે. કસરત કરવાથી તમે ફિટ રહેશો અને ડિલિવરી નોર્મલ થશે.

હરો-ફરો અને ખુશ રહો

બાગ-બગીચામાં ફરવા જાવ. શકય હોય તો ચાલીને જવું. હરવા-ફરવાથી મન પ્રફુલ્લિત રહે છે અને મન-મગજને શાંતી મળે છે. જો કે લાંબી મુસાફરી ટાળવી જોઈએ. સગર્ભાવસ્થામાં મનગમતું સંગીત સાંભળવાથી પણ ઘણો ફાયદો થાય છે. સંગીતથી તણાવ દુર થાય છે.

યોગ્ય આરામ કરો

ગર્ભાવસ્થાના શરૂઆતના અને છેલ્લા દિવસોમાં તમે થાકનો અનુભવ કરશો. સગર્ભા સ્ત્રીઓએ શારીરિક શ્રમવાળા કામને ટાળવા જોઈએ અને પુરતા પ્રમાણમાં ઉંઘ લેવી જોઈએ. બપોરના સમયે એક ઝોંકું ખાઈ લેવું એ તમારા અને બાળકના બંને માટે સારૂં રહેશે.

વધારે પ્રમાણમાં પાણી પીવો  

સ્ત્રીના ગર્ભાશયમાં બાળક એક તરલ પદાર્થથી ભરેલી થેલી એમ્નિયોટિક ફ્લયૂડમાં હોય છે. આ પ્રવાહીથી બાળકને ઉર્જા મળે છે. તેથી દરરોજ 10 થી 12 ગ્લાસ પાણી પીવું ખૂબ જરૂરી છે. તેનાથી શરીરમાં પાણીનું યોગ્ય પ્રમાણ જળવાઈ રહેશે.

કેફિનવાળા અને નશીલા દ્રવ્યો બંધ કરવા

કોફી, ચા અને કોલ્ડ્રિંક્સમાં કેફીન હોય છે જે તમારા શરીરના લોહતત્વને ચૂસી લે છે એટલે તે ઓછા પ્રમાણમાં લેવા જોઈએ. આ સિવાય ધૂમ્રપાન અને નશીલા દ્રવ્યો સદંતર બંધ કરી દેવા જોઈએ.

નિયમિત રીતે ગર્ભની તપાસ કરાવવી

સગર્ભા સ્ત્રીઓએ નિયમિત રીતે ડૉક્ટરની મુલાકાત લેવી જોઈએ. ડોક્ટરની સલાહ-સુચન મુજબ દવા અને ખોરાક લેવો જોઈએ. સમયાંતરે જરૂરી લેબોરેટરી તપાસ કરવાથી બાળકની તંદુરસ્તી માટે યોગ્ય આયોજન કરી શકીએ અને એનાથી નોર્મલ ડિલિવરીનાં ચાન્સ વધી જાય છે.

સંકલન – ઈલ્યાસભાઈ

Leave a Reply

error: Content is protected !!