આધુનિક ટેકનોલોજીથી તૈયાર થયેલ લાજવાબ પ્રોજેકેટ એટલે ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઘોઘાથી તારીખ : 22/10/2017 ના રોજ ઘોઘા-દહેજ વચ્ચે રો-રો ફેરી સર્વિસનો પ્રારંભ કરાવ્યો હતો.

આ રો-રો ફેરી સર્વિસ કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોને જોડવાની પર્યાવરણ ફ્રેન્ડલી અને આર્થિક દરીયાઈ પરિવહનના માર્ગ માટેની તકો પુરી પાડશે. રાજ્ય સરકાર દ્વારા ઘોઘા ( સૌરાષ્ટ્ર પ્રદેશના ભાવનગર જિલ્લા સ્થિત)ને દહેજ (દક્ષિણ ગુજરાતનુ ઈન્ડસ્ટ્રીયલ હબ) સાથે જોડવા માટે ખંભાતના અખાતમાં પેસેન્જર ફેરી સેવાના ફ્લેગશીપ પ્રોજેક્ટને વિકસીત કરવામાં આવ્યો છે.

આ ભવ્ય ઉદ્દઘાટન સમયે ઘોઘાથી દહેજ વચ્ચેની પહેલી ટ્રીપ દરમિયાન વડાપ્રધાન સાથે 50 જેટલા દિવ્યાંગ બાળકોએ પણ ફેરીના પ્રવાસનો આનંદ માણ્યો હતો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચેનુ અંતર અને મુસાફરીનો સમય ઘટાડવા ઉપરાંત રાજય ધોરી માર્ગ પરનો ટ્રાફીક હળવો કરવાના આશયથી શરૂ કરાયેલી આ સેવાથી બે સ્થળ વચ્ચેનુ અંતર 360 કી.મી. થી ઘટીને 31 કી.મી. તથા માર્ગ પ્રવાસમાં લાગતો 8 કલાકનો સમય ઘટીને માત્ર દોઢ કલાકનો થઇ જશે.

દેશના દરિયાઈ રાજયો માટે આ પ્રોજેકટ દરિયાઈ વિકાસનું ઉત્તમ ઉદાહરણ છે અને કોસ્ટલ પ્રવાસનો નવો અધ્યાય શરૂ થયો છે. ભાવનગરની ધરતી પરનો આ મહત્વકાંક્ષી પ્રોજેકટ સમગ્ર હિન્દુસ્તાનને નવી વિકાસની દિશા આપશે. ઘોઘા-દહેજ ફેરી સર્વિસથી આ અનેરો ઉપહાર દેશની જનતાને મળ્યો છે. દક્ષિણ અને પૂર્વ એશિયાનો આ સૌથી મોટો પ્રોજેકટ આધુનિક ટેકનોલોજીથી પૂર્ણ થતા સાડા છ કરોડ ગુજરાતીઓનું સ્વપ્ન પૂર્ણ થયું છે.

રો-રો ફેરી સર્વિસ વિશે જાણવા જેવી માહીતી : 

(1) Ro-Ro ferry service એટલે  ‘roll-on, roll-off’ ferry service.
(2) સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચે સડક માર્ગનું અંતર 360 કિ.મી. થી ઘટીને રો-રો ફેરી સર્વિસને કારણે 31 કિ.મી. જેટલું થઈ જશે. જેનાં લીધે સમય, ઈંધણ અને પૈસાની પણ બચત થશે.
(3) હાલમાં સડક માર્ગ દ્રારા સૌરાષ્ટ્ર થી દક્ષિણ ગુજરાત જવા માટે 7-8 કલાક જેટલો સમય લાગે છે પણ ફેરી સર્વિસને કારણે આ સમય ફક્ત એક કલાક જેટલો થઈ જશે.


(4) સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચે દરરોજ લગભગ 12000 જેટલા લોકો મુસાફરી કરે છે. ફેરી સર્વિસને કારણે રોડ પરની ટ્રાફિક સમસ્યા દુર થશે અને સાથે પ્રદુષણ પણ ઘટી જશે.
(5)  આ પ્રોજેક્ટનાં પહેલાં ચરણ માટે લગભગ રૂ. 614 કરોડ જેટલો ખર્ચ થયો છે.
(6) આ પ્રોજેક્ટમાં ઘોઘા અને દહેજનાં દરિયા કિનારે ડ્રેજીંગના કામ માટે કેન્દ્ર સરકારે સાગરમાલા પરિયોજના અંતર્ગત રૂપિયા 117 કરોડની ફાળવણી કરેલ.
(7) એક વખતમાં ફેરી શીપ(બોટ) 250 થી વધારે પેસેંજર અને સાથે 100 જેટલી ગાડી ભરીને લઈ જઈ શકે, જેમાં કાર, બસ અને ટ્રકનો સમાવેશ થઈ શકે. પ્રથમ ચરણમાં ફક્ત પેસેંજર આવ-જા કરી શકશે. જાન્યુઆરી 2018નાં અંત ભાગમાં બીજા ચરણની શરૂઆત થશે જેમાં વાહનો અને સામાનની પણ હેર-ફેર થઈ શકશે.
(8) એક તરફ માટેનું ભાડું વ્યક્તિ દીઠ 600 રૂપિયા નક્કી કરવામાં આવ્યુ છે, જેમાં 7 કિલો જેટલો સામાન પણ સાથે લઈ જઈ શકાશે.


(9) બોટની ટીકીટ ઓનલાઈન અને ઓફલાઈન એમ બન્ને પ્રકારે મળી શકશે. જેનાં માટે ભાવનગરમાં પીક-અપ પોઇન્ટ, પ્રિ-બુકિંગ અને ઓનલાઈન બુકિંગ જેવી સુવિધા મળી રહેશે.
(10) સૌથી પહેલાં 1960નાં દશકામાં આ રૂટ પર ફેરી સર્વિસ શરૂ કરવાનો વિચાર કૉંગ્રેસને આવ્યો હતો. ત્યારબાદ 52 વર્ષ પછી 2012માં ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં હસ્તે આ યોજનાનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.
(11) રો-રો ફેરી માટે એક વિશાળ જહાજ છે. જે કાર્ગોને લોડ કરવા અને અનલોડ કરવા માટે ક્રેનનો ઉપયોગ કરે છે.
(12) રો-રો ફેરી સર્વિસનાં ઉદ્દઘાટન દરમિયાન ઘોઘા થી દહેજ વચ્ચે જે શીપમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ મુસાફરી કરી એ શીપનું નામ Island Jade છે.
(13) બે બોટ(શીપ) દ્રારા દૈનિક 4 ફેરી ચાલે તેવું આયોજન થશે. “આઈલેન્ડ જેડ” નામનું શીપ 280 અને “જય સોફિયા” નામનું બીજુ શીપ 310 જેટલાં મુસાફર  ક્ષમતા ધરાવે છે.

આ યોજનાની વિશાળ અને જટીલ કામગીરી પણ સમજવા જેવી છે. દહેજ અને ઘોઘા ખાતેનાં ટર્મિનલ બાંધકામો અને ખાસ કરીને ખંભાતના અખાતની વિષમ દરીયાઈ પરિસ્થિતીમાં આ કાર્ય એક ચેલેંજ હતુ. વિશ્વની દ્વિતીય ક્રમાંકની 11 મીટરની ટાઈડલ રેંજ, દરીયાનો જોરદાર કરંટ, પવન અને મોજાંની અસરને ધ્યાનમાં લઇને આ પરિયોજના સાકાર કરી ગુજરાતની જનતાને લાભ આપવાની બાબત લોઢાના ચણા ચાવવા જેવી હતી. મુરીંગ ડોલ્ફીન, વિશ્વનો સૌથી લાંબો 96 મીટર લીંક્સ્પાન, 50×30 મીટરનાં પોન્ટુનનું આલેખન જેવા બાંધકામો ખૂબ જ જટીલ છે. ઉલ્લેખનીય છે કે આલેખનમાં ફેરી વેસેલ-પોંટુન અને લીંકસ્પાનથી કોઈપણ ભરતી-ઓટ સમયે પેસેંજરો અને વાહનોની સલામત રીતે અવરજવર સરળતાથી થાય તે પ્રકારની સતર્કતા રાખવામાં આવી છે.
ઘણી ખમ્મા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને
સંકલન – ઈલ્યાસભાઈ

Leave a Reply

error: Content is protected !!