અદ્ભુત વિજ્ઞાન જાણો: આંખ ફરકવી, હેડકી આવવી, નસ ખેંચાવી, ખાલી ચડવી…

સામાન્ય રીતે દરેક વ્યક્તિને રોજિંદા જીવનમાં તેમની સામે આવતા આ બધા પ્રૉબ્લેમ્સ સ્નાયુઓને લગતા પ્રૉબ્લેમ્સ છે. આમ તો એ પ્રૉબ્લેમ પોતાની રીતે શરૂ થઈને જાતે જ બંધ થઈ જતા હોય છે, પરંતુ જે લોકોને આ પ્રકારના પ્રૉબ્લેમ અવારનવાર થતા હોય તેમના શરીરમાં વિટામિન્સની કે પાણીની કમી હોઈ શકે છે અથવા ઇલેક્ટ્રોલાઇટ્સ એટલે કે લોહીમાં ભળેલાં મિનરલ્સનું પ્રમાણ ઘટી ગયું હોઈ શકે છે

આપણું શરીર હાડકાં અને સ્નાયુઓનું બનેલું એક માળખું છે. હાડકાં અને સ્નાયુઓના બંધારણને કારણે જ શરીરને એક આકાર મYયો છે. ખાસ કરીને શરીરની ફ્લેક્સિબિલિટીનો સંપૂર્ણ આધાર સ્નાયુઓ પર રહેલો છે. શરીરને વાળવું, ઝૂકવું કે ઊભા રહેવું, પલાંઠી વાળીને બેસવું, હાથ-પગ ચલાવવા વગેરે હલનચલનનો જે પણ ભાગ છે એ પણ સંપૂર્ણ રીતે સ્નાયુઓ પર જ આધાર રાખે છે. આમ શરીરની જુદી-જુદી પોઝિશન્સમાં સ્નાયુનો આકાર અને એનું લચીલાપણું બદલાતું રહેતું હોય છે. આપણું શરીર સતત અનેક બદલાવોમાંથી પસાર થતું રહે છે અને સતત પોતાની પ્રતિક્રિયાઓ દ્વારા વ્યક્તિને અમુક સંકેતો આપ્યા કરે છે. સ્નાયુના નાના-નાના બદલાવને કારણે આપણને આવા ઘણા સંકેત મળે છે. ચાલો આજે જાણીએ આ સંકેતો વિશે.

આંખ કે બીજાં કોઈ અંગ ફરકવાં

ડાબી કે જમણી આંખ ફરકે એને લોકો શુભ-અશુભ સંકેત સાથે જોડે છે. ફક્ત આંખ જ નહીં, ઘણી વ્યક્તિને હાથ કે પગ ફરકતા હોય કે આંગળીઓ ફરકતી હોય એમ લાગે છે તો ઘણી વાર કેટલાક લોકોને ગળાની નસ, હોઠ, કાનની બૂટ વગેરે ફરકતું હોય એમ લાગે છે. આ અંગો કેમ ફરકે છે એની પાછળનું કારણ જણાવતાં દહિસરના ફૅમિલી-ફિઝિશ્યન ડૉ. સુશીલ શાહ કહે છે, ‘સ્નાયુ ખેંચાયેલો પણ ન હોય અને સાવ રિલૅક્સ પણ ન હોય એવી અવસ્થા જ્યારે હોય અથવા સ્નાયુઓ હંમેશાં જે ટોનમાં હોય છે એ ટોન વધ-ઘટ થયા કરે ત્યારે સ્નાયુ ફરકે છે. આ એક પ્રકારનું ઍડ્જસ્ટમેન્ટ છે. પેટ કે પીઠના સ્નાયુઓમાં પણ આવું થતું હોય છે, પરંતુ એ આપણને મહેસૂસ થતું નથી. આંખમાં જ્યારે એવું થાય ત્યારે આપણને ખબર પડે છે. હાથ કે પગમાં આવું થાય ત્યારે આપણને દેખાય એટલે એવું લાગે કે આ ફરકે છે, બાકી આવું આખા શરીરમાં થતું હોય છે. બીજું એ કે આ શરીરના સાધારણ ફેરફારના ભાગરૂપે બનતી ઘટના છે એટલે એમાં ખાસ ચિંતા જેવું હોતું નથી. આમ તો એ પોતાની જાતે જ બંધ થઈ જતું હોય છે, પરંતુ મેડિકલી એક માન્યતા એવી છે કે જે લોકોને આ ફરકવાનો પ્રૉબ્લેમ વધુ થતો હોય તેમનામાં વિટામિનની કમી હોઈ શકે છે.’

હેડકી આવવી

સામાન્ય માન્યતા કહે છે કે હેડકી આવતી હોય તો તમને કોઈ યાદ કરતું હોય એમ બને. હેડકી બંધ કરવાના ઘણા ટોટકા પણ લોકો કરતા હોય છે. ઘણા લોકોને હેડકીનો પ્રૉબ્લેમ ખૂબ વધારે હોય છે અને સામાજિક જગ્યાએ ક્યારેક વ્યક્તિ એને જ કારણે શરમજનક હાલતમાં મુકાઈ જતી હોય છે. આ હેડકી પાછળનું શરીરવિજ્ઞાન સમજાવતાં ડૉ. સુશીલ શાહ કહે છે, ‘આપણા શરીરમાં છાતી અને પેટની વચ્ચે ઉદરપટલ આવેલું હોય છે. ક્યારેક ખાસ કારણોસર આ ઉદરપટલમાં ઇરિટેશન થાય છે, જેને લીધે એ ખેંચાય છે અને એને કારણે હેડકી આવે છે. ઉદરપટલમાં ઇરિટેશન થવા પાછળ બે કારણો હોઈ શકે છે. એક તો વ્યક્તિને ગૅસ કે ઍસિડિટી થઈ ગઈ હોય અથવા વ્યક્તિના શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સ ઓછાં થઈ ગયાં હોય. ઇલેક્ટ્રોલાઇટ્સ એટલે લોહીમાં રહેલાં સોડિયમ, પોટૅશિયમ, કૅલ્શિયમ જેવાં મિનરલ્સ. જેમને હેડકી વધારે પ્રમાણમાં આવતી હોય તેમણે પોતાના ખોરાક અને પાણીની માત્રા પર ખાસ ધ્યાન આપવું.’

નસ ખેંચાઈ જવી

ઘણાને રાત્રે ઊંઘમાં તો ઘણાને ચાલતાં-ચાલતાં પગની નસ ખેંચાઈ જતી હોય છે. આ પણ સ્નાયુ-સંબંધિત એક તકલીફ જ છે એ સમજાવતાં ડૉ. સુશીલ શાહ કહે છે, ‘જ્યારે સ્નાયુ એકદમ કડક થઈ જાય ત્યારે એ સ્નાયુની નસ ખેંચાઈ જાય છે. ખાસ કરીને આ તકલીફ પગના ગોટલામાં ખૂબ વધારે થાય છે, કારણ કે આ સ્નાયુનો ઉપયોગ સૌથી વધારે થાય છે. ઘણા લોકોને એક્સરસાઇઝ કરતાં-કરતાં પણ નસ ખેંચાઈ જવાની તકલીફ થતી હોય છે. આ તકલીફ પાછળ એક જ કારણ છે પાણીની કમી. જેને નસ વારંવાર ચડી જતી હોય કે ખેંચાઈ જતી હોય એવી વ્યક્તિએ પોતે કેટલું પાણી પીવે છે એ બાબતે જરા ચોક્કસ રહેવું પડે છે.’

ખાલી ચડી જવી :

ઘણી વખત આપણે વશ્ચિંસનમાં કે પગ પર પગ ચડાવી બેઠા હોઈએ તો પગમાં ખાલી ચડી જાય છે. ઘણી વાર હાથ વધુ સમય ક્યાંક ભાર દઈને ટેકવેલો હોય તો હાથમાં પણ ખાલી ચડી જાય છે. આ ખાલી કેમ ચડી જાય એ સમજાવતાં ડૉ. સુશીલ શાહ કહે છે, ‘જ્યારે વ્યક્તિના સ્નાયુ દબાઈ જાય ત્યારે સ્નાયુની નસો દબાય છે, જેને કારણે લોહીનું પરિભ્રમણ અસરગ્રસ્ત થાય છે. હવે જ્યારે એ પોઝિશનમાંથી માણસ હટે એટલે નસો ફરી ખૂલે છે અને પરિભ્રમણ ફરી શરૂ થાય છે. ખાલી ચડતી વખતે જે સેન્સેશન આવે છે એ આ પરિભ્રમણ ફરી શરૂ થવાનું સેન્સેશન હોય છે. આમ તો ખાલી ચડવાનું સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિને થઈ શકે, પરંતુ જે લોકોને વારંવાર આવું થતું હોય તેમનામાં વિટામિન્સની ઊણપ હોય અથવા એ લોકો પાણી ઓછું પીતા હોય એમ બને; કારણ કે આ બન્ને કારણોસર ખાલી ચડવાનું પ્રમાણ વધી શકે છે. ડાયાબિટીઝના દરદીઓને પણ ખાલી ચડવાનું પ્રમાણ વધારે હોય અને એ ખાલી ચડતાં-ચડતાં ધીમે-ધીમે તેમના પગની નસોનું અંદર આવેલું એક લેયર નીકળતું ચાલે એટલે તેમને પગમાં બળતરા થાય. ધૂળ કે રેતી ખૂંચ્યા કરે છે એવું લાગે કે પગના તળિયામાં વારંવાર ખાલી ચડી જતી હોય એમ લાગે. આમ ખાલી ચડવાનો ટેમ્પરરી પ્રૉબ્લેમ તેમને ડીસેન્સિટિવિટી તરફ લઈ જાય છે. જોકે જેમને ડાયાબિટીઝ નથી તેમણે નિશ્ચિંત રહેવું, કારણ કે ખાલી ચડવાથી કોઈ શારીરિક પ્રૉબ્લેમ થતો નથી.’

સંકલન: રાકેશ પટેલ

Leave a Reply

error: Content is protected !!