આખરે ક્યા છે ભગવાન ગણેશનું કપાયેલું મસ્તક – જાણવા જેવું

અહીં છે ગણેશજીનું કપાયેલુ મસ્તક

પૌરાણિક માન્યતાઓ પ્રમાણે બુધવારે ભગવાન ગણેશની પૂજા માટેનો વિશેષ દિવસ હોય છે. સાથે જ આ દિવસે બુધ ગ્રહના નિમિત્તની પૂજા પણ કરવામાં આવે છે. ભગવાન ગણેશને ગજાનન, ગજકર્ણ, ગજવર્ક જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે. તમે એ પૌરાણિક વાર્તા અંગે તો સાંભળ્યું જ હશે જેમાં ગણપતિનું મસ્તક તેમના શરીરથી અલગ થઈ ગયું હતું. ત્યારબાદ એક હાથીના બચ્ચાનું માથુ કાપી તેમના ધડ સાથે જોડવામાં આવ્યું હતું. પણ શું તમે એ જાણો છો કે, ગણેશનું મસ્તક કપાયા પછી ક્યાં ગયું?

શરીરના મેલથી જન્મ્યા હતા ગણેશ

શિવ પુરાણ અનુસાર માતા પાર્વતીએ પોતાના શરીરના મેલનું એક પૂતળું તૈયાર કરી તેમાં પ્રાણ પૂર્યા હતા. જ્યારે માતા પાર્વતી સ્નાન કરી રહ્યાં હતા ત્યારે તેમણે ગણેશને દ્વાર પર પહેરો ભરવાનું કહ્યું હતું. તેમણે આદેશ આપ્યો હતો કે, અંદર કોઈ આવે નહીં.

ભગવાન શંકરે ત્રિશૂળથી કાપી નાંખ્યુ મસ્તક

કથા પ્રમાણે થોડી વારમાં ત્યાં ભગવાન શંકર આવ્યા અને પાર્વતી ભવનમાં જવા લાગ્યા. બાળ ગણેશે શિવને અંદર જતા અટકાવ્યા. શંકરે તેમને સમજાવ્યા કે. પાર્વતી તેમની પત્ની છે. શિવજીના સમજાવવા છતા ગણેશ માન્યા નહીં જેથી ગુસ્સામાં આવીને શિવજીએ ત્રિશૂળથી ગણેશનું માથું ધડથી અલગ કરી દીધું.

હાથીના બાળકનું માથું લગાવાયું

માતા પાર્વતીને જ્યારે આ વાતની જાણ થઈ તો તે ક્રોધિત થઈને આક્રંદ કરવા લાગી, આનાથી સમગ્ર દુનિયામાં હાહાકાર મચી ગયો. ત્યારે પાર્વતીને પ્રસન્ન કરવા ભગવાન શંકર અને વિષ્ણુએ એક હાથીના બાળકનું માથું કાપીને ગણેશના ધડ પર જોડી દીધું.

પાતાળ ભુવનેશ્વરમાં છે ગણેશજીનું મસ્તક

કથા પ્રમાણે ગણેશજીનું કપાયેલુ મસ્તક એક ગુફામાં જતુ રહ્યું હતું. આ ગુફાને પાતાળ ભુવનેશ્વરના નામે ઓળખવામાં આવે છે. અહીંની ગણેશજીની મૂર્તિને આદિ ગણેશ પણ કહેવામાં આવે છે. કહેવામાં આવે છે કે, આ ગુફાની શોધ આદિ શંકરાચાર્યે કરી હતી. આ ગુફા ઉત્તરાખંડના પિથોરાગઢના ગંગોલીહાટથી 14 કીમી દૂર છે. માન્યતા પ્રમાણે અહીં ભગવાન શંકર પોતે ગણેશજીના કપાયેલા મસ્તકની રક્ષા કરે છે.

ચંદ્રલોકમાં ગયું હતું મસ્તક

ગણેશજીના કપાયેલા મસ્તક વિશે એક એવી કથા પણ છે કે, તે કપાયા ચંદ્રલોકમાં જતુ રહ્યું હતું. ધાર્મિક પરંપરાઓમાં સંકટ ચતુર્થી પર ચંદ્રને અર્ધ્ય ધરાવી ગણેશજીની ઉપાસના કરવામાં આવે છે અને ઘરમાં સુખ-શાંતિની કામના કરવામાં આવે છે.

સાભાર: આઈ એમ ગુજરાત

Leave a Reply

error: Content is protected !!