આજે કાર્તિકી પૂર્ણિમા – ત્રણ ધર્મના પર્વ નો અદ્ભુત સંયોગ

હિંદુ સમુદાયમાં સૌથી મોટા પર્વ ગણાતા દિવાળીની ઝાકમઝોળ હજુ દેખાઇ રહી છે. શહેરના વેપાર-ધંધામાં હજુ દિવાળી વેકેશનના દિવસોમાં મિશ્ર પ્રતિસાદ સાંપડી રહ્યો છે ત્યારે હવે આજે શનિવારે દેવદિવાળીની ઉજવણી સાથે જ દિવાળી પર્વ વિધિવત રીતે સંપન્ન થશે. દેવદિવાળી, કાર્તિકી પૂર્ણિમા અને ગુરુનાનક જયંતીના સંયોગની સાથે જ વિવિધ કાર્યક્રમોનો દૌર જામશે. દરમિયાન વસતા શીખ સમુદાયના લોકો દ્ધારા પૂજા-પાઠ કરવામાં આવશે.

આજે કાર્તિકી પૂર્ણિમા, દેવદિવાળીની સાથે જ તુલસીવિવાહ સમાપ્ત થશે. કાલે બપોરે ૨ વાગ્યાના સુમારે પૂનમ શરૂ થઇ ગઈ હતી, પરંતુ સૂર્યોદય તિથિને કારણે શનિવારે કાર્તિક પૂર્ણિમાની ઉજવણી થશે. શનિવારે સવારે ૧૧ વાગ્યા સુધી પૂર્ણિમા રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, દેવદિવાળીના દિવસે અન્ય દેવતાઓના કહેવાથી ભગવાન શિવે ત્રિપુરાસુર રાક્ષસનું વધ કર્યુ હતુ. તેના ઉલ્લાસ, ઉમંગમાં દેવોએ દિવાળી જેવો પર્વ મનાવ્યો હતો. ત્યારથી તેને દેવદિવાળી નામ આપવામાં આવ્યું છે. એક અન્ય પૌરાણિક કથા મુજબ, રાજઋષિ વિશ્વામિત્રએ ત્રિશંકુને પોતાના તપોબળથી સ્વર્ગમાં મોકલી દીધો હતો. પરંતુ સ્વર્ગના દેવતાઓએ તેને સ્વર્ગમાંથી તગેડી મૂક્યો હતો. દરમિયાન વિશ્વામિત્રએ પૃથ્વીલોક, પાતાળલોક અને સ્વર્ગલોક ત્રણેયથી ગુપ્ત એક નવી સૃષ્ટિ રચનાઓ આરંભ કરી દીધો હતો. આ સ્થિતિમાં ત્રણેય લોકમાં હાહાકાર મચી ગયો હતો. દેવતાઓની પ્રાર્થનાથી ખુશ થઇ વિશ્વામિત્રએ ચોથો લોક બનાવવાનો વિચાર પડતો મૂક્યો હતો. તેને કારણે દેવતાઓએ દેવદિવાળી મનાવી હતી. દેવદિવાળી ઉત્તર પ્રદેશમાં વારાણસીમાં ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે. તમામ મંદિરો, ગંગાજીના ઘાટ પર લાખો દીવા પ્રગટાવવામાં આવે છે.

દેવદિવાળી નિમિત્તે મંદિરોમાં અન્નકૂટ યોજાશે તો ભાવિકો મંદિરોમાં ઉમટી પડશે. દેવમંદિરોમાં ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવશે. શહેરોમાં મંદિરો રોશનીથી સજાવવામાં આવ્યા છે અમદાવાદમાં વિવિધ બજારોમાં દેવદિવાળીને લઈ ઘરાકી જોવા મળી હતી. આજે  દેવદિવાળીની ધામધૂમથી ઊજવણી કરવાની સાથે દિવાળીના તહેવારોની પૂર્ણાહૂતિ થશે.

ગુરુનાનક સાહેબની ૫૪૮મી જન્મજયંતી ઊજવાશે

શીખ સમુદાયના ધર્મગુરુ ગુરુનાનક સાહેબની ૫૪૮મી જન્મજયંતીની દેશભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે. દરમિયાન શહેરના શીખ સમુદાયના લોકો, સંસ્થાઓ દ્ધારા ભોગ, લંગર સાહેબ સહિતના આયોજનો કરવામાં આવશે.

આજે ગુરુનાનક સાહેબના પ્રકાશ પર્વ નિમિત્તે શોભાયાત્રા
શીખ ધર્મમાં આ દિવસે ગુરુનાનક સાહેબના ૫૪૯મા પ્રકાશ પર્વની ઉજવણી થશે, એમ કહી કલગીધર સેવક જથ્થાના સતનામસિંઘજીએ જણાવ્યું કે ગુરુ નાનક અવતાર પર્વ નિમિત્તે વિશાળ શોભાયાત્રા તા.૧ નવેમ્બરના રોજ બપોરે ૨.૩૦ વાગ્યે ગુરુદ્વારા ગોવિંદધામ, એસ.જી.હાઈવેથી પ્રસ્થાન કરશે. આ શોભાયાત્રા સ્થાનિક વિસ્તારોમાં ફરીને પાછી સાંજે ૭.૩૦ વાગ્યે પરત આવશે. જેમાં મોટી સંખ્યામાં શીખ ધર્મના ભાઈ-બહેનો જોડાશે. જ્યારે તા.૪ નવેમ્બરના રોજ ગુરુનાનક સાહેબના પ્રકાશ પર્વની ઉજવણી નિમિત્તે ગુરુદ્વારાને શણગારવામાં આવશે. જ્યારે સવારે ૪.૦૦થી રાત્રે ૧.૩૦ વાગ્યા સુધી વિવિધ આયોજન થશે અને છેલ્લા ૧૫ દિવસથી ચાલી રહેલી પ્રભાતફેરીની પૂર્ણાહુતિ થશે. જ્યારે કથા-કીર્તન અને ગુરુ કા લંગરનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ ડાયાબિટીસ અને આંખોના કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે

સોર્સ: સંદેશ

 

Leave a Reply

error: Content is protected !!