ગુજરાતનું એક અનોખું ગામ કે, જ્યાં આખું ગામ સાથે મળીને જમે છે

આજના જમાનામાં જ્યાં એકનો-એક દિકરો પણ માતા-પિતાથી અલગ રહેવા જતો રહે છે, ત્યારે મહેસાણાનું એક ગામ એવું છે કે જ્યાં આખું ગામ હળી-મળીને એક જ રસોડે જમે છે.
જી.. હા, દોસ્તો ! અમે વાત કરી રહ્યાં છીએ મહેસાણા જિલ્લાનાં બહુચરાજી તાલુકાનું ‘ચાંદણકી’ ગામની. જેનો સમગ્ર વહિવટ 55 થી 80 વર્ષની મહિલાઓના હાથમાં છે. ગામમાં પ્રવેશતાની સાથે જ તમને માત્ર વૃદ્ધ લોકો જ જોવા મળશે. આ ગામમાં માત્ર વૃધ્ધો જ વસે છે. લોકો આ ગામને અનોખા ગામ તરીકે ઓળખે છે.

એક સાથે ભોજન

ગામમાં રહેતાં વૃદ્ધ-વડીલને જીવનની ઢળતી સંધ્યાએ ભોજન બનાવવાની કડાકૂટ ના કરવી પડે તે માટે દેશ – પરદેશમાં રહેતા તેમના સંતાનો દ્વારા એક જ રસોડે સાથે જમવાની વ્યવસ્થા ઊભી કરાઈ છે. ગામના ચંદ્રેશ્વર મહાદેવ મંદિરના પરીસરમાં નિયમીત બંને ટાઈમ ગામ લોકો પોતાના સુખ – દુ:ખની વાતો કરતા-કરતા ભોજન કરે છે.

મહિલા શક્તિનું બેજોડ ઉદાહરણ

ગામનો વહિવટ 55-80 વર્ષની મહિલાઓના હાથમાં છે. આજથી ત્રણ-ચાર વર્ષ અગાઉ જ્યારે વહીવટ સંભાળ્યો ત્યારે ગામના ચોકમાં ભરાતાં વરસાદી પાણીનો પ્રશ્ન સૌથી મોટી સમસ્યા હતી. જે એક જ ઝાટકે ઉકેલી નાંખી. આખા ચોકને આર.સી.સી.થી મઢી નાંખ્યો. આજે ગામના પ્રવેશદ્વારથી લઈને ઘર-ઘર સુધી આર.સી.સી. રોડ છે.

સમરસ ગામ

ચાંદણકી ગામ અને આ ગામના લોકો બધાં કરતાં અનોખા છે. કારણ કે આઝાદી પછી જયારથી પંચાયતી રાજ આવ્યું ત્યારથી લઇ આજ દિન સુધી કયારેય પંચાયતની ચૂંટણી થઇ નથી. અહીં સરપંચ અને પંચાયતના અન્ય સભ્યો માટે ચૂંટણી નહિં પણ પસંદગી થાય છે. વર્ષોથી આ પરંપરા ચાલતી આવી છે. અને વળી, જે ગામ સમરસ બને છે એ ગામને સરકાર પણ પ્રોત્સાહન આપે છે.
ગામની વસતી


ચાંદણકી ગામની કુલ વસતી 1200ની છે પણ ગામના 80% લોકો નોકરી અને ધંધા અર્થે બહાર રહે છે. કોઈ અમદાવાદ કોઈ સુરત તો કોઈ વિદેશમાં વસે છે. હાલ ગામમાં માત્ર 275 જેટલા લોકો જ રહે છે, જે નિવૃત જીવન પસાર કરી રહ્યાં છે.

ગામની વિશેષતા

ગામની એકતા અને વર્ષોથી ચાલતી સમરસ પ્રથાથી આ ગામનો વિકાસ પણ થયો છે. આ ગામ 100% સાક્ષર, 100% શૌચાલય, 24 કલાક વીજળી-પાણી અને 100% સ્વસ્થ છે. પાકા રસ્તા અને ગટર વ્યવસ્થા. બિલકુલ ડસ્ટ ફ્રી વિલેજ. ઘેર-ઘેર નળથી પાણી મળે છે. બાળકો માટે પંચવટી છે. 100 ટકા વરસાદી પાણીનો સંગ્રહ ગામ તળાવમાં કરે છે. તેનો ઉપયોગ ખેતી માટે પણ થાય છે. ગામમાં 20 વર્ષથી એકેય ગુનો નોંધાયો નથી. ચાંદણકી નિર્મળ અને તીર્થગામ સહિતના અનેક એવોર્ડ મેળવી ચૂક્યું છે.

ગામની જરૂરી વિગત

ગામમાં કેટલા લોકો રહે છે ? કેટલા લોકો નોકરી કરે છે ? ગામના કેટલા લોકો કેટલો અભ્યાસ કરેલ છે ? ગામમાં કેટલા ખેડૂત છે? કેટલા લોકો વિદેશ રહે છે? તે બધી જ વિગત કોઈને પૂછવાની જરૂર નથી. ગામના પાદરે આ બધી વિગત મળી જાય છે. ગામના પાદરમાં જ દીવાલ પર ગામની બધી જરૂરી વિગત દર્શવવામાં આવી છે.

ખરેખર ! ચાંદણકી ગામની એકતા અને ગામ લોકોનો સંપ એ બીજા ગામોના લોકો માટે પ્રેરણારૂપ છે.

સંકલન – ઈલ્યાસભાઈ

ગુજરાત ના સૌથી વિશાલ ફેસબુક પરિવાર ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ પોસ્ટ આપને ગમી હોય તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!