ઘરે ઘરે જોવા મળતો દુખાવો એટલે પથરી – પથરીને જડમૂળમાંથી દૂર કરવાનાં સરળ ઘરેલુ ઉપાયો

હાલના સમયમાં આડે-ધડ ખાન-પાન અને દિનચર્યાને લીધે કે અશુદ્ધ પાણી પીવાથી કે અન્ય કારણોથી વર્તમાન સમયમાં પથરીના દર્દીઓની સંખ્યા વધી રહી છે. પથરી એક એવી બીમારી છે જેમાં દર્દીને અસહ્ય દર્દ સહન કરવું પડે છે. સામાન્ય રીતે પથરી દરેક ઉંમરના લોકોમાં જોવા મળે છે પરંતુ તેમ છતાં આ બીમારી મહિલાઓની સરખામણી કરતા પુરુષોમાં વધુ જોવા મળતી હોય છે.

પથરી એટલે શું ?

પેશાબમાંના કેલ્શિયમ ઓક્ષલેટ કે ક્ષારના કણો (Crystals) એકબીજા સાથે ભેગા થઇને લાંબા ગાળે મૂત્રમાર્ગમાં કઠણ પદાર્થ બનાવે છે, જે પથરી તરીકે ઓળખાય છે.

પથરીનાં લક્ષણો :

પથરીનો દુઃખાવો પથરી ક્યાં છે, કેવડી છે અને ક્યાં પ્રકારની છે તેના પર આધાર રાખે છે.
● પીઠમાં અને પેટમાં સતત દુઃખાવો થાય.
● ઊલટી-ઊબકા થાય.
● પેશાબમાં લોહી જાય.
● પેશાબ કરતી વખતે દુઃખાવો અથવા બળતરા થાય
● જો પથરી મુત્રનલીકામાં અટકી જાય તો પેશાબ થવાનું એકાએક બંધ થઈ જાય.
● પેશાબ માં પથરી નીકળવી.

પથરી મટાડવાનાં ઘરેલુ ઈલાજ

પથરીનાં દર્દીઓને પેટમાં અસહ્ય દુખાવો, પેશાબમાં ચેપ અને કિડનીને પણ નુકસાન થઈ શકે છે. તેથી પથરી મટાડવાનાં ઘરેલુ ઈલાજ અને આ રોગથી બચવાના ઉપાયો વિશે જાણવું જરૂરી છે.

આ રહ્યાં પથરીને જડમૂળમાંથી દૂર કરવાનાં સરળ ઘરેલુ ઉપાયો….

(1) કાળી દ્રક્ષનો ઉકાળો પીવાથી પથરી ઓગળી જાય છે. દ્રાક્ષ પ્રાકૃતિક મૂત્રવર્ધક સ્વરૂપે કાર્ય કરે છે કારણ કે, તેમાં પોટેશિયમ, મીઠું અને પાણી ભરપૂર માત્રામાં હોય છે.

(2) તુલસીની ચા પીવાથી કિડની સ્ટોનના દુખાવામાં અને તેને બહાર કાઢવામાં ઉપયોગી થાય છે. તુલસીનો રસ પીવાથી પથરીને મૂત્રના માર્ગે નિકળવામાં મદદ મળે છે. ઓછામાં ઓછો એક મહિનો તુલસીના પાનના રસની સાથે મધ મિક્ષ કરીને તેનું સેવન કરવાથી કિડની સ્ટોનની સમસ્યામાંથી છુટકારો મળે છે.

(3) કળથીનો સુપ બનાવી તેમાં ચપટી સુરોખાર મેળવી પીવાથી પથરી ઓગળી જાય છે અને પથરીને લીધે થતી ભયંકર પીડા મટે છે. કળથીનો બીજો ઉપાય છે જેમાં કળથી 50 ગ્રામ રાત્રે પલાળી રાખી, સવારે મસળી, ગાળી એ પાણી રોજ સવારે પીવાથી પથરી મટે છે.

(4) મૂળાના બી ચાર તોલા લઈ અર્ધો શેર પાણીમાં ઉકાળો, અડધુ પાણી બાકી રહે ત્યારે ઊતારીને તે પાણી પીવાથી પથરી ઓગળી જાય છે.

(5) ચાર ગ્રામ ગોખરુનું ચૂર્ણ મધમાં મેળવીને સવાર-બપોર-સાંજ ચાટવું અને એની ઉપર એકથી દોઢ કપ ઘેટીનું દૂધ પીવાથી એક સપ્તાહમાં પથરી તૂટી જાય છે. આ પ્રયોગ ફક્ત સાત દિવસ કરવાનો હોય છે.

(6) પથરીના રોગમાં દર્દીને પપૈયાના થડની 20 ગ્રામ છાલને 200 ગ્રામ પાણીમાં લસોટી, વાટીને ગાળી લો. દર્દીને જ્યારે-જ્યારે તરસ લાગે ત્યારે આ પાણી આપો. આ પ્રયોગ સતત 21 દિવસ કરવાથી પથરી આપોઆપ ભાંગીને ભૂક્કો થઈ બહાર નિકળી જશે.

(7) આપણા આયુર્વેદમાં કેળાનો ઉપયોગ અનેક ઔષધિઓમાં કરવામાં આવે છે. કેળાનો કિડની સ્ટોનની સમસ્યાથી છુટકારો મેળવવા માટે કેળાનું સેવન કરવું જોઇએ. કેળામાં વિટામિન બી-6 હોય છે. વિટામિન બી-6 શરીરમાં ઓક્ઝેલેટ ક્રિસ્ટલ બનવાથી રોકે છે અને તેને તોડે છે. માટે વિટામિન બી-6નું સેવન કરવાથી કિડની સ્ટોનના ઇલાજમાં સારી મદદ મળી રહે છે.

(8) મકાઈના દાણા કાઢી લીધા પછી ખાલી ડોડાને બાળી, તેનું ભસ્મ બનાવી, ચાળીને આ ભસ્મ 1 ગ્રામ જેટલુ સવાર-સાંજ પાણી સાથે લેવાથી પથરીનું દર્દ અને પેશાબની અટકાયત દૂર થાય છે.

(9) લીંબુના રસમાં સિંધવ-મીઠું મેળવીને ઊભા-ઊભા પીવાથી પથરી ઓગળી જાય છે. ગાયના દૂધની છાશમાં સિંધવ-મીઠું નાખીને રોજ ઊભા-ઊભા સવારે 12 દિવસ સુધી પીવાથી પથરી પેશાબ વાટે બહાર નિકળી જાય છે અને આરામ થાય છે.

(10) ઘઉં અને ચણાને સાથે ઉકાળીને આ ઉકાળામાં ચપટી સૂરોખાર નાખી ઉકાળીને પીવાથી પથરી ભાંગીને ભૂક્કો થઈ જાય છે અને પેશાબ વાટે બહાર નિકળી જાય છે.

(11) નારિયેળના પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવાથી પથરીની તકલીફમાં રાહત થાય છે. રિંગણાનું શાક ખાવાથી પેશાબની છૂટ થાય છે. શરૂઆતની નાની પથરી ઓગળી જાય છે.

(12) કારેલાંનો રસ છાશ સાથે પીવાથી પથરી મટી જાય છે. કારેલામાં મેગ્નેશિયમ અને ફોસ્ફરસ ભરપૂર માત્રામાં હોય છે, જે પથરીનાશક માનવામાં આવે છે

(13) ડુંગળીના રસમાં ખાંડ મેળવીને શરબત બનાવો અને પથરીના દર્દીને પીવડાવો. આ રસ ખાલી પેટે જ પીવો. મૂત્રાશય વાટે પથરી નાના-નાના કણ રૂપે બહાર નિકળી જશે. પરંતુ એક વાતનું ધ્યાન રાખવું કે આ રસનું સેવન વધુ ન કરવું.

(14) દાડમનો રસ કિડની સ્ટોનની સમસ્યા માટે ખૂબ જ અદભૂત અને સરળ ઘરેલૂ ઉપચાર છે. દાડમના અનેક સ્વાસ્થ્ય લાભ સિવાય તેના બીયા અને રસમાં ખાટ્ટા ગુણોથી ભરપૂર હોવાથી તે કિડની સ્ટોનની સમસ્યા માટે એક પ્રાકૃતિક ઉપાય માનવામાં આવે છે

(15) દૂધીના બી પેશાબ સાફ લાવે છે અને પથરી તોડવામાં મદદ કરે છે.

(16) કિડનીમાં સ્ટોનને બનતા અટકાવવા માટે અજમાનો ઉપયોગ મસાલાના સ્વરૂપે અથવા ચામાં નિયમિતપણે કરવામાં આવે તો અજમો કિડની સ્ટોનની સમસ્યાને દૂર કરવામાં કારગર બને છે.

પથરીથી બચવાના ઉપાયો

એક વખત પથરી થઈ હોય તો ફરી વખત આ બીમારી ન થાય એનાં માટે નીચેની બાબતોનું ખાસ ધ્યાન રાખવું.

★ વધુ પાણી પીવો.
★ જરૂરિયાત કરતા વધુ કોલ્ડડ્રિન્ક્સ પણ નુકસાન પહોંચાડે છે.
★ નારંગી વગેરેનો રસ(જ્યૂસ) લેવાથી પથરીનું દર્દ ઓછું થાય છે.
★ ખોરાકમાં પ્રોટીન, નાઈટ્રોજન અને સોડિયમની માત્રા ઓછી રાખવી.
★ ચોકલેટ, સોયાબીન, મગફળી, પાલક વગેરેનું સેવન ઓછું કરવું.
★ ટમેટાનું સેવન ઓછું કરવું.
★ બેઠાડું જીવન જીવવું નહીં.
★ નિયમિત કસરત-યોગ કરવા.
★ સમયસર યોગ્ય આહાર લેવો.

સંકલન – ઈલ્યાસભાઈ

(આયુર્વેદિક નિષ્ણાંતના માર્ગદર્શન હેઠળ તમારી તાસીર મુજબ ઉપચાર થાય એ ઈચ્છનીય છે.)

Leave a Reply

error: Content is protected !!