જ્યાં વિદેશથી પણ અભ્યાસ માટે આવે છે વિદ્યાર્થી – ગુજરાતના ગૌરવ સમાન છે આ યુનિવર્સીટી

ભારત દેશને ખેતી પ્રધાન દેશ ગણવામાં આવે છે. પણ હાલના સમયમાં ભારત પણ દુનિયામાં ગુંજતો થઈ ગયો છે. ગુજરાતની પ્રકૃતિ અને સંસ્કૃતિ જાણવા માટે વિદેશીઓ પણ ગુજરાતમાં આવી ચડે છે. ગુજરાતની સંસ્કૃતિ અને પ્રકૃતિથી પ્રેરાઈને ગુજરાતમાં આવતા વિદેશીઓ અંત્યત ઉંડો અભ્યાસ કરે છે. ગુજરાતનાં લોકો અને ખાસ કરીને યુવાનોને વિદેશમાં અભ્યાસ કરવા જવાનો જાણે ચસ્કો લાગ્યો હોય તેમ વર્ષ દરમ્યાન મોટા ભાગના વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસની સાથે ત્યાંજ સેટલ થઈ જતા હોય છે. પરંતુ હવે ગુજરાતે પણ એવી દીશા પકડી છે કે વિદેશના લોકોને ગુજરાતમાં આવીને અભ્યાસ કરવાની ફરજ પડે છે.

ગુજરાત પણ હવે શિક્ષણ ક્ષેત્રે આગવું નામ ધરાવતું રાજ્ય થયું છે. ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાતમાં મોટી યુનિવર્સિટી સ્થાપવામાં આવી છે. ગુજરાતની અમુક યુનિવર્સિટીનો ડંકો તો ભારત સહિત વિદેશના દેશોમાં પણ વાંગ્યો છે. ગુજરાતમાં જ આવી એક યુનિવર્સિટી આલેવી છે જામનગર જિલ્લામાં.

જામનગરની આ યુનિવર્સિટીમાં ગુજરાતના યુવાનો સહિત ઉચ્ચ અભ્યાસ માટે વિદેશથી પણ વિદ્યાર્થી સરનામું શોધતા આવે છે. ભારતના જુદા જુદા રાજ્યો ઉપરાંત કોરિયા, નેપાળ, ઈટાલી, ફ્રાન્સ, શ્રીલંકા સહિતના દેશોના વિદ્યાર્થી ગુજરાતની આ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે લાઈનો લગાવે છે.

ગુજરાતનાં જામનગર જિલ્લામાં આઝાદી પહેલા રાજવી દિગ્વિજયસિંહજીએ મંદિરની ભવ્ય ઈમારત બનાવી હતી. થોડા સમય બાદ રાજવીએ ધન્વંતરિ મંદિરની આ ભવ્ય ઈમારતમાં જુલાઈ-1946માં આયુર્વેદ કોલેજની સ્થાપના કરી હતી. રાજએ આ કોલેજને રાજમાતા ગુલાબકુવરબાની યાદીમાં ‘ગુલાબ કુંવર મહાવિદ્યાલય’ નામ આપ્યું હતું. 1946માં દિગ્વિજયસિંહજી દ્વારા સ્થપાયેલી આ કોલેજનું નામ આજે ભારત નહિ વિદેશમાં પણ ગુંજતું થયું છે. જામનગર જિલ્લાની આ મહત્વની કોલેજને આયુર્વેદના ક્ષેત્રમાં ઓળખ આપવા વિધાનસભા ઠરાવ રજૂ કરી યુનિવર્સિટી સ્થાપવાનું નક્કી કરવામાં આવ્યું. વિધાનસભામાં ઠરાવ રજૂ કર્યા પછી જાન્યુઆરી-1967માં વિશ્વની પહેલી આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી.

આયુર્વેદનો લાભ મોડે મોડે વિશ્વને સમજાયો હોય તેમ હવે વિદેશના વિદ્યાર્થીઓ પણ ભારતમાં આવીને ગુજરાતની આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યાં છે. જામનગરની આ યુનિવર્સિટી કેમ્પસમાં વિદેશી વિદ્યાર્થીઓ જોઇને સમજાઈ જાય કે આયુર્વેદની વિદેશમાં કેવી માનતા છે. આજની રહેણીકરણીના કારણે વકરી રહેલા કેન્સર, કિડની, હાર્ટ, લિવર અને ત્વચાના હઠીલા રોગોમાં જ્યારે એલોપથી દવાઓથી યોગ્ય રિઝલ્ટ મળતું નથી ત્યારે આયુર્વેદ ચિકિત્સાના સારા પરિણામો સાબિત થતા હોવાથી વિશ્વમાં આયુર્વેદની માંગ વધતી જાય છે. ગુજરાતમાં હાલમાં 11 જેટલી આયુર્વેદ કોલેજો આ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. જ્યારે ભારતના આયુર્વેદ શિક્ષણના મુખ્ય ત્રણ કેન્દ્રમા જામનગર નો સમાવેશ થાય છે.

આયુર્વેદ કોલેજની ખાસિયત

જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીમાં ત્રણ મહિનાથી માંડીને સાડા પાંચ વર્ષના બીએ એમએસ, એમડી(આયુર્વેદ) જેવા અનેક સર્ટીફિકેટ અને ડિગ્રી કોર્સ ચાલી રહ્યાં છે. વિદેશથી આવતા અનેક વિદ્યાર્થીઓ માટે રહેલા જમવાની સગવડ સાથે કેમ્પસમાં હોસ્ટેલ રાખવામાં આવી છે. સાથે જ સ્થાનિક લોકો સાથે વ્યવહાર કરવામાં યુનિવર્સિટીનાં સંચાલકો વિદેશી વિદ્યાર્થીઓની સતત મદદરૂપ બને છે.

જામનગરની ‘ગુલાબ કુંવર મહાવિદ્યાલય’માં નેપાળ, શ્રીલંકા અને કોરીયા જેવા દેશોમાંથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે.

કોલેજના ક્લાસરૂમમાં પણ કો-એજ્યુકેશન દ્વારા મહત્વનો માહોલ ઉભો કરવામાં આવે છે.

વિદેશથી ડોક્ટરની ડીગ્રી લઈને આવેલા અનેક વિદ્યાર્થીઓ અહિં એમડીની ડીગ્રી મેળવી રહ્યાં છે. ઉપરાંત ઘણા વિદ્યાર્થીઓ આયુર્વેદમાં પીએચડી કરી દેશી દવાઓના પાઠ સમજી રહ્યાં છે.

યુનિવર્સિટીના સત્તાધિશો દ્વારા વિદેશની સંસ્થા સાથે જોડાવા માટે સતત પ્રયાસો કરવામાં આવે છે.

આયુર્વેદના શિક્ષણને વૈશ્વિક ફલક પર લઈ દવા માટે યુનિવર્સિટી દ્વારા ફોરેન, ઈઝરાયેલ, કોરીયા, કેનેડા અને ફ્રાન્સ જેવા દેશોની સંસ્થાઓ સાથે એમઓયુ કરી સેતુ બનાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ગુજરાતની આ યુનિવર્સિટીમાં અભ્યાસ પૂરો કરીને આગળ વધેલા અનેક વિદ્યાર્થીઓ સારી પોસ્ટ પર આવ્યા છે. બાગ્લાદેશ સરકારના આયુર્વેદ વિભાગના હેડ પણ આ સંસ્થાના વિદ્યાર્થી હતા. ઉપરાંત ઈટલીમાં એક આયુર્વેદ ઈન્સ્ટીટ્યુટ ચલાવી રહેલા પણ આ કોલેજમાં અભ્યાસ કરેલા વિદ્યાર્થી છે.

જામનગરની આયુર્વેદ યુનિવર્સિટી ‘વિશ્વ આરોગ્ય સંસ્થા’ (ડબલ્યુએચઓ) ની આયુર્વેદ શિક્ષણ માટે નોડલ એજન્સી તરીકે કામ કરે છે. તેથી અહી. આયુર્વેદનુ શિક્ષણ લેવા આવનાર વિદ્યાર્થીઓની વધી રહેલી સંખ્યાને ધ્યાનમાં રાખી યુનિવર્સિટી દ્વારા ‘ઇન્ટરનેશનલ સેન્ટર ફોર આયુર્વેદ સ્ટડીઝ ’ નામનું એક કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું. હાલ યુએસએ, ફ્રાન્સ, બ્રાઝીલ, કોરીયા, શ્રીલંકા, જર્મની અને નેપાળ સહીત 15 દેશોના 35 વિદ્યાર્થી અહીં આયુર્વેદના પાઠ ભણી રહ્યાં છે.

વિદેશથી ગુજરાતની ધરતી પર આયુર્વેદના પાઠ ભણવા આવતા વિદ્યાર્થીઓ પણ જામનગરની યુનિવર્સિટીનું ગૌરવ  લે છે.

ફ્રાન્સથી જામનગરની યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આવેલી એક લેડીએ જણાવે છે કે આયુર્વેદના અભ્યાસમાં જિજ્ઞાસા જાગતા બીએએમએસની ડિગ્રી માટે શિક્ષણ મેળવી રહી છે. તેઓ કહે છે કે આયુર્વેદ એ સૌથી ઉત્તમ ઉપચાર છે અને તે હવે માત્ર મને જ નહીં, સમગ્ર વિશ્વને સમજાવા લાગ્યુ છે. આ ઉપરાંત વિદેશથી આવતા ઘણા વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી પોતાના દેશમાં પણ આયુર્વેદનો પ્રચાર કરવાની નેમ લઈ જાય છે.

આમ, ગુજરાતમાંથી વિદેશમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને પણ હવે ગર્વ લેવા જેવું છે કે તેમના રાજ્યમાં પણ વિદેશથી આયુર્વેદના પાઠ શીખવા ગુજરાતમાં લાઈનો લગાવવી પડે છે.

સાભાર: ગ્લોબલ ગુજરાત સમાચાર

Leave a Reply

error: Content is protected !!