રંગ લાગ્યો ભોળાને કાઠિયાવાડનો ! પાઘડીમાં જગતનાથ શિવજી અસલ કાઠિયાવાડી જ લાગશે !
આ વખતની કાર્તકી પૂનમ સોમનાથ માટે અલગ નજારો લઇને આવી છે.સામાન્ય જેમ ગીરનારની પરીક્રમા દેવદિવાળીના દિવસે શરૂ થાય છે એ જ પ્રમાણે ભગવાન સોમનાથના સાનિધ્યમાં પણ આ દિવસથી મેળાનો અને ઉત્સવનો પ્રારંભ થાય છે.કારણ કે,ગિરનારની પરિક્રમા કરીને આવતા યાત્રિકો સોમનાથના દર્શન કરવા આવે છે.એમાંયે પૂનમનો દિવસ એટલે પરિક્રમાની પૂર્ણાહુતી !

આ દિવસે અસંખ્ય લોકો પરિક્રમા પૂર્ણ કરીને સોમનાથ આવે છે.સોમનાથમાં મેળો ભરાય છે અને ભગવાન સોમનાથની રાત્રે બાર વાગ્યે મહાઆરતી થાય છે.આ વખતે સોમનાથના દર્શન ખાસ છે.વાંચો કારણ – રાજકોટના ધર્મરાજસિંહ વાઘેલા દ્વારા ૧૨૦ મીટર કાપડમાંથી વિશ્વની સૌથી મોટી આંટીયાળી કાઠિયાવાડી પાઘડી બનાવવામાં આવી છે.જેની લંબાઇ ૩૦ મીટર,પહોળાઇ ૨ મીટર છે,જ્યારે સાત ફૂટનો ઘેરાવો છે.આ ગંજાવર પાઘડી આ વખતે કાર્તિકી પૂર્ણિમાના દિવસે જ્યારે ગિરનારની પરીક્રમા કરીને યાત્રિકો સોમનાથ દર્શને આવશે અને મહા ઉત્સવ યોજાશે ત્યારે ભગવાન સોમનાથને પહેરાવવામાં આવશે ! જગતનાથ શિવજી અસલ કાઠિયાવાડી જ લાગશે……!!!!
આ પ્રસંગ નિમિત્તે એક કાવ્ય –
જગ આખાની જોરાવર પાઘડી પહેરીને જાણે બન્યો છે ગુજરાતી ગુર્જરવાડનો !
રંગ લાગ્યો ભોળાને કાઠિયાવાડનો !
રંગ લાગ્યો ભોળાને કાઠિયાવાડનો !
કંઇક આવેલ ગરજનો છતાં ઊભો છે અડીખમ,
ને લગીરે ડર નથી લૂંટારાની ધાડનો !
રંગ લાગ્યો ભોળાને કાઠિયાવાડનો !
સોમનાથના શરણમાં ગાજે છે સમંદર,
ને છેક ગગને પહોંચ્યો છે નાદ એની ત્રાડનો !
રંગ લાગ્યો ભોળાને કાઠિયાવાડનો !
આંધીઓમાં અડગ છે મહામેરુ પ્રાસાદ,
અરે આ પરિશ્રમ છે ભારતના રગત અને હાડનો !
રંગ લાગ્યો ભોળાને કાઠિયાવાડનો !
લહેરાતી ધજા જાણે રાણી છે સમંદરની,
ને દાદો સોમૈયો તો ભૂખ્યો ભાવિકોના લાડનો !
રંગ લાગ્યો ભોળાને કાઠિયાવાડનો !
જગ આખાની જોરાવર પાઘડી પહેરીને જાણે બન્યો છે ગુજરાતી ગુર્જરવાડનો !
રંગ લાગ્યો ભોળાને કાઠિયાવાડનો !
– Kaushal Barad.
॥જય સોમનાથ॥