વાડી ખેતરમાં ઓછી સામગ્રીથી બનતી અને તીખી તમતમતી ભાજી એટલે “મધપુડો”

મધપૂડો એ વાડી ખેતરમાં ઓછી સામગ્રીથી બનતી અને તીખી તમતમતી ભાજી જ છે. જે મૂળ તો તેલ માસલાઓથી ભરપૂર હોય છે. વળી, આને લાકડાનાં ઉપયોગથી ચૂલા પર બનાવવાથી ઓરીજીનલ ટેસ્ટ આવે છે. આપણને તેલ મસાલાઓ આટલાં ન ફાવે તો તીખાશ, મસાલાઓ અને તેલનાં પ્રમાણમાં આપણી રીતે વધઘટ કરી શકાય.

મધપુડો બનાવવા જરૂરી સામગ્રી :
૧ કીલો દેશી ટમેટાં
૫૦૦ ગ્રામ ટમેટાં
૫૦૦ ગ્રામ લીલા વટાણા
૫૦૦ ગ્રામ બટેટા
૫૦૦ ગ્રામ સૂકી ડુંગળી
૧ મોટો ગાંઠિયો સૂકું લસણ
૫૦ ગ્રામ આદુ
૫૦ ગ્રામ લીલા મરચાં
૧ મોટી ઝૂડી કોથમરી
૨ સૂકાં લાલ મરચાં
ખડા મસાલામાં તેજ પત્તા, કાળા મરી, તજ, લવિંગ, એલચી અને બાદીયાન
૧ ચમચી હળદર
૧ ચમચી ધાણાજીરું
૧ ચમચી લાલ મરચું પાવડર તીખું
૨ ચમચી કાશ્મીરી મરચું પાવડર
૧ નાની ચમચી હિંગ
૧ મોટા લીંબુનો રસ
૧ મોટો ચમચો બારીક સમારેલી કોથમરી
૧/૨ નાની ચમચી ગરમ મસાલો
મીઠું સ્વાદ અનુસાર
૫૦ ગ્રામ સીંગ તેલ.
૧ મોટો ચમચો બારીક સમારેલું લીલું લસણ, ગાર્નીશિંગ માટે.

મધપુડો બનાવવાની સાચી રીત :

– બન્ને જાતનાં ટમેટાંને એક ચીરો મારી બાફી લેવાં. ત્યારબાદ તેનો રસ કાઢી ગરણીથી ગાળી લેવો.
(થોડો રસ બચાવીને રાખવો, જરૂર પડે તો પાણી ભેળવી ઉમેરી શકાય.)
– વટાણાને બાફી લઈ અધકચરા વાટી લેવા.
– બટેટા બાફી તેનો છૂંદો કરી લેવો.
– ડુંગળીને બાફી તેની પેસ્ટ કરી લેવી.
– આદુ, મરચા, કોથમરી અને લસણ વાટી તેની પેસ્ટ બનાવી લેવી.
– જાડા તળિયાવાળા તપેલામાં તેલ ગરમ કરવું. તેલ ગરમ થાય ત્યારે તેમાં બધાં ખડામસાલા ઉમેરી સુગંધ આવે ત્યાં સુધી સાંતળી લેવાં.
– હવે તેમાં ડુંગળીની પેસ્ટ ઉમેરી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળવી.
– તેમાં આદુ મરચાની પેસ્ટ ઉમેરી ફરીથી પાંચેક મિનીટ સાંતળી સૂકા લાલ મરચા હાથેથી તોડીને ઉમેરવા. એકાદ મિનીટ સુધી સાંતળ્યા બાદ બધા સૂકા મસાલાઓ ઉમેરવા અને બારીક સમારેલી કોથમરી ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળી લેવાં. છેલ્લે, પાણીમાં ઘોળેલી હિંગ ઉમેરી દેવી.
– હવે આ મસાલામાં સૌ પ્રથમ ટમેટાંનો રસ ભેળવી દેવો. થોડી વાર સતત ચલાવતાં રહી ક્રશ કરેલાં વટાણા અને બટેટાનો છૂંદો ઉમેરી દઈ સ્વાદ અનુસાર મીઠું ઉમેરવું. છેલ્લે લીંબુનો રસ અને ગરમ મસાલો ભેળવી દેવો.
(મધપૂડો પાઉંભાજી ની ભાજીથી થોડો વધારે ઢીલો જ રહેવો જોઈએ, એ માટે જરૂર પડે તો થોડું ટામેટાનું પાણી પણ ઉમેરી શકાય.)
– પાંચેક મિનીટ સુધી ધીમા તાપે ખદખદવા દેવું.

ગરમાગરમ મધપૂડાની મજા બાજરીના રોટલા, પાઉં કે બ્રેડ, તમારી પસંદનું કચુંબર, તળેલાં કે ભાઠામાં શેકેલા મરચા, પાપડ અને છાશ સાથે માણો.

આભાર: પ્રદીપભાઈ નગદિયા (રાજકોટ)

લોકપ્રિય ગુજરાતી ફેસબુક કોમ્યુનીટી ‘જ્ઞાન સાથે ગમ્મત’ પર આપ આ રેસીપી નિહાળી રહ્યા છો. પસંદ પડે તો બીજા મિત્રો સાથે પણ શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!