વિષકન્યા : એક એવું બ્રહ્માસ્ત્ર કે જેની જાળમાંથી લગભગ કોઇ બચી ના શકે

વિષકન્યા…! માત્ર નામ પડતાં જ શરીરમાં કંપારી છૂટે એવો ભયાનક વિષય…! આજ સુધી વિષકન્યાઓ વિશે કેટલીય વાર્તાઓ અને નવલકથાઓ લખાય ચુકી છે.કારણ આ ટોપિક જ એવો છે જેના વિશે કોઇ વિચારે એટલે ઠંડીનું એક લખલખું પસાર થઇ જાય….!

છેક પ્રાચીનકાળથી ભારતમાં વિષકન્યાઓનો ઉપયોગ થતો આવ્યો છે.અને એમાંયે મૌર્યયુગમાં તો ઘણો જ વધારે.શત્રુઓને અત્યંત ધારદાર મોતથી મારવા માટે એનો ઉપયોગ થતો.વાર્તાઓ અને ફિલ્મોમાં દર્શાવાય છે એમ વિષકન્યા એટલે અડધી માનવ અને અડધી નાગણ નહિ પણ વિષકન્યા એટલે જેને જોતાં જ ભલભલાં એના અદ્ભુત સ્વરૂપના પ્રકાશમાં અંજાઇને એના રૂપના વ્યસની બની જાય એવી અનુપમ લાવણ્યમયી સુંદરી…!

વિષકન્યા એટલે એક એવું બ્રહ્માસ્ત્ર કે જેની જાળમાંથી લગભગ કોઇ બચી ના શકે અને જે બચી જાય એ આ સંસારનો મહાન વૈરાગી જ હોય કે જેને પોતાની તમામ ઇન્દ્રિયોને વશમાં રાખતા આવડતું હોય….!વિષકન્યા માટે નાનકડી એવી નિર્દોષ અને સ્વરૂપવાન બાલિકાઓને પસંદ કરવામાં આવતી.પછી તેમને ધીમે ધીમે સોંયની અણી જેટલું દારૂણ ઝેર પાવામાં આવતું.ધીમે-ધીમે ઝેરનું પ્રમાણ વધારવામાં આવતું.અને પછી તો દરરોજ પાણીની જેમ ઝેર પીવે તો પણ અસર ના થતી….! મતલબ કે ધીમે-ધીમે કરીને એને એક પ્રકારની આદત પાડી દેવામાં આવતી,એનું પાચનતંત્ર કેળવાયા પછી ગમે તેવા હળાહળને પચાવવામાં સક્ષમ બનતું.રાજનાગ જેવા ભયાનક ઝહેરીલા સર્પરાજો સાથે તેમનો સંપર્ક કેળવવામાં આવતો.

આમ થતાં એ પરિપક્વ બને ત્યારે કોઇ પણ માણસ એના સંપર્ક માત્રથી મૃત્યુ પામતો.એના મુખમાં સાક્ષાત્ હળાહળ વિષનો વાસ થઇ જતો.એના ઉચ્છવાસો પણ હવામાં ઝેરનું લખલખું પસાર કરી દેતાં….! આ વિષકન્યાને નૃત્ય અને સંગીતની તાલિમ આપવામાં આવતી.

એકદમ પરિપક્વ થયાં પછી આ વિષકન્યાનો ઉપયોગ શત્રુરાજાનો અંત કરવા માટે થતો.અત્યંત ચતુરતાપૂર્વક તેને દુશ્મનના રાજમહેલમાં મોકલવામાં આવતી.નૃત્ય અને સંગીતમાં પારંગત આ નર્તકીને જોઇને જ શત્રુરાજાની આસપાસ જાણે કામદેવ ભરડો લઇ લેતાં.એના અભુતપૂર્વ સ્વરૂપમાં આંધળો બની તે એની સાથે સંભોગ કરવા તે અધિર બનતો.અને પછી શયનગૃહમાં વિષકન્યાના ચુંબનથી કે એના માત્ર સ્પર્શથી,અરે કહોને કે એકદમ નજીકની હાજરીથી તે રાજાને એવો ભયંકર વિષનો સંસર્ગ લાગે કે એ શત્રુ રીબાઇ રીબાઇને મરે….!

પ્રાચીનકાળમાં આ વિષકન્યાઓરૂપી બ્રહ્માસ્ત્રથી ભલભલાં શત્રુઓ માત થતાં.આ વિષકન્યાઓનો ઉપયોગ એક ખુફિયા જાસુસ તરીકે પણ થતો.શત્રુને પોતાના રૂપમાં અંધ બનાવીને એની પાસેથી બાતમી કઢાવી પછી ઉપયોગ ન રહેતાં એનું કાસળ કાઢી નાખતી….!સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય અને ચાણ્કય સાથે સંકળાયેલ વિષકન્યાનો એક રસપ્રદ અને પ્રચલિત કિસ્સો છે કે – મગધસમ્રાટ ધનનંદે ચંદ્રગુપ્તનું કાસળ કાઢી નાખવા વિષકન્યાને મોકલી હતી.ચંદ્રગુપ્ત યુવાન હોઇ એની ભાવનાઓના ઘોડા તો “અણદિઠેલી ભોમકા પર યોવન વીંઝે પાંખ”ની જેમ છૂટી પડત પણ વિષ્ણુગુપ્ત ચાણ્કય જેનું નામ….!નંદના ભર્યા દરબારમાં પોતાની શિખા ઝાટકીને નંદવંશનું નિકંદન કાઢી નાખવાની “ઓપન ચેલેન્જ” આપનાર આ માણસ સહેજે જેવોતેવો તો હોય જ નહિ….!એણે વિષકન્યાને પકડી પાડી અને પછી એ જ વિષકન્યાનો ઉપયોગ કરી ચંદ્રગુપ્તના એક અન્ય દુશ્મન પ્રવર્તકનું કાસળ કાઢી નાખ્યું….!

પ્રાચીન સાહિત્યમાં ઘણા ઠેકાણે વિષકન્યાનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે.”કલ્કિપુરાણ”માં વિષકન્યા સુલોચનાની વાત આવે છે.જે એની કાતિલ-ઝહેરીલી નજરમાત્રથી સામેની વ્યક્તિના પ્રાણ હરી શકતી…!આ ઉપરાંત બારમી સદીમાં કાશ્મીરના સોમદેવે લખેલ “કથાસરિત્સાગર”માં પણ વિષકન્યાનો ઉલ્લેખ જોવા મળે છે.અને સાતમી સદીમાં વિશાખાદત્તે રચેલ “મુદ્રારાક્ષસ”માં પણ વિષકન્યાનું વર્ણન છે.તદ્દોપરાંત,”શુભવાહુઉત્તરી કથા”નામક સંસ્કૃત ગ્રંથમાં રાજકન્યાનારૂપમાં આવતી કામસુંદરી પણ વિષકન્યા હતી.

આમ,પ્રાચીનકાળથી જ વિષકન્યાનો એક દારૂણ દમનકારી હથિયાર તરીકે ઉપયોગ થતો આવ્યો છે.અખંડ ભારતના શિલ્પી અને મહાબુધ્ધિમાન ચાણ્કયએ વિષકન્યાના ઉપયોગની વાત કરી છે.તેમણે એકત્ર આર્યાવર્તના નિર્માણ અર્થે અને ધર્મની સ્થાપના અર્થે વિષકન્યાઓનો બખુબી ઉપયોગ કર્યો હતો.કહેવાય છે કે,આજે આતંકવાદી સંસ્થા ISIS પણ વિષકન્યાનો ઉપયોગ કરે છે.અલબત્ત,એને વિષકન્યા કદાચ ના કહી શકાય પણ ખુફિયા બાતમી કઢાવનાર એક કામુક અને કાતિક સુંદરી જરૂર કહી શકાય….! એમ જ શ્રીલંકાની ધરતી ફળદ્રુપ થયેલ આંતકવાદી સંગઠન “તમિલ ટાઇગર્સ”નું પણ છે.આજે પણ અગણિત આવી કાતિલ કન્યાઓનો ઉપયોગ થતો જ હશે,પોતાનો સ્વાર્થ સાધવા માટે….!

અહિં એક મુદ્દો એ ઉમેરવાનો થાય કે,વિષકન્યાઓની જેમ “વિષપુરુષો” પણ હતાં….! જો કે એ વિષકન્યાઓની જેમ પ્રચલિત ના થયા કારણ કે એનો ઉપયોગ હથિયાર તરીકે નહોતો થતો.આમેય પુરુષને દેખતાં સામેનાને ઘૃણા ઉપજે,આકર્ષણ ન થાય….! અને થાય તો એ માથાનો ફરેલ હોય એ ચોક્કસ ! વિષપુરુષનું એક જાણીતું ઉદાહરણ લેવું હોય તો એ છે ગુજરાતનો ૧૬મી સદીમાં થઇ ગયેલો સુલતાન મહંમદ બેગડો ! એને બાળપણથી ધીમેધીમે વિષ સેવન કરાવવામાં આવેલું જેથી કદાચ તેની માથે ઝેર પિવરાવવાનું ષડ્યંત્ર રચાય તો અને ઝેરની લેશમાત્ર અસર ન થાય….! અને બેગડો એવો જ બન્યો હતો.ગમે તેવું વિષ ગટગટાવવું એ એને મન રમત વાત હતી.તે સામે ઉભેલ માણસ પર પાન ચાવીને પછી થુંકની પિચકારી મારે તો એ દુર્ભાગી માણસના ચોક્કસ રામ રમી જાય….! કહેવાય છે કે,એની સાથે સહશયન કરતી કન્યા પછી બચી ન શકતી ! આમ તો એણે કેટલી સ્ત્રીઓને યમને દ્વાર પહોંચાડી હશે એ કોણ જાણે….!નાલાયકતાની શરમ સીમા આનાથી મોટી હોય પણ કઇ શકે ? પોતાને એક રાતનો આનંદ અને હતભાગી કન્યાની તો જીંદગી જ ખતમ ! ક્રુર હમલાવર અને ઇરાનથી આવેલ આક્રમણખોર નાદિરશાહ પણ એવો જ ઝહેરીલો “વિષપુરુષ” હતો.

બાય ધ વે,વિષકન્યાઓ એક એવો ટ્રેંડ હતો જેમાં દુશ્મનનો “ચારો ખાને ચીત” કરી દેવાતો જો કે,બાળપણમાં ટ્રેનીંગ આપતા સમયે વિષનો પ્રભાવ સહન ન કરી શકનાર બાળા આ ફાની દુનિયા છોડીને ચાલી પણ જતી….! આજે પણ વિષકન્યા એક સદાબહાર રસપ્રદ અને ભયાનક ટોપિક છે એટલું તો ચોક્કસ….!

સંકલન: Kaushal Barad

Leave a Reply

error: Content is protected !!