વુમન એમ્પાવરમેન્ટ નું આદર્શ ઉદાહરણ – બે મહિલાઓ બની સ્કૂલ બસ ડ્રાઈવર

મહિલા સ્કૂલ બસ ડ્રાઈવર

હરિતા દવે, અમદાવાદ: અમદાવાદ શહેરમાં કદાચ પહેલીવાર એક સ્કૂલ દ્વારા બે મહિલા સ્કૂલ બસ ડ્રાઈવરને હાયર કરવામાં આવ્યા છે. 21 વર્ષીય શબાના શેખ અને 29 વર્ષીય રેખા કહર માટે આ એક પેશન છે. ઘણાં લોકોએ આ સાંભળીને મોઢું બગાડ્યુ હશે, પરંતુ આ લોકોને તેનાથી કોઈ ફરક નથી પડતો. આ મહિલાઓ પોતાનું કામ અને તેની સાથે આવતી જવાબદારીને ઘણી સારી રીતે સમજે છે.

સ્કૂલને હતી મહિલા ડ્રાઈવર્સની શોધ

શબાના શેખ 18 વર્ષની ઉંમરથી કાર ચલાવતી હતી. તે સાબિત કરવા માંગે છે કે મહિલાઓ માત્ર કાર જ નહીં, બસ પણ ચલાવી શકે છે. માટે જ્યારે તેને આ સાબિત કરવાની તક મળી, તેણે તકનો લાભ લીધો. એક પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટ સર્વિસ પ્રોવાઈડર તરફથી અમદાવાદની ઉદ્દગમ સ્કૂલને શબાના અને રેખાના નામની ભલામણ કરી. સ્કૂલને પોતાની સ્કૂલ બસ માટે મહિલા ડ્રાઈવર્સની શોધ હતી.

પરિવારનો સપોર્ટ

લગભગ એક મહિનાથી શબાના સ્કૂલ બસ ચલાવે છે. શબના કહે છે કે, મારા પરિવાર તરફથી મને પૂરતો સપોર્ટ મળ્યો છે. અમારો પરિવાર રૂઢિચુસ્ત પરિવાર હોવા છતાં મારા પેરેન્ટ્સ તરફથી મને હંમેશા પ્રોત્સાહન મળ્યું છે. જો કે સમાજના અન્ય લોકો મારી માતાને પ્રશ્નો પુછતા રહે છે કે, છોકરી બસ ડ્રાઈવર બનીને ક્યાં જશે અને વગેરે. પરંતુ હું આવી વાતો ધ્યાનમાં નથી લેતી.

રેખાને છે બાળકોની જવાબદારી

શબાનાના માતા વ્યવસાયે દરજી છે અને પિતા રિક્ષા ડ્રાઈવર છે. તેની બે બહેનો છે અને એક ભાઈ છે, જે હજી ભણે છે. શબાના પોતાની ઈનકમથી પરિવારને સપોર્ટ કરે છે. જો કે રેખા કહરનું આ કામ કરવા પાછળનું કારણ થોડું અલગ છે. તેમના પતિ 3 વર્ષ પહેલા મૃત્યુ પામ્યા. તેમના માથે બે બાળકોના ઉછેરની જવાબદારી આવી પડી. તે પાછલા એક વર્ષથી કાર ડ્રાઈવ કરતા હતા, અને હવે ટુંક સમયમાં BRTSમાં જોબ કરવાની ઈચ્છા ધરાવે છે.

પેરેન્ટ્સ પણ ખુશ

ઉદ્દગમ સ્કૂલના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર મનન ચોકસી જણાવે છે કે, અમે સમાનતામાં વિશ્વાસ રાખીએ છીએ. આ બન્ને મહિલાઓને ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી. આ સિવાય પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ પણ આ પહેલથી ખુશ છે. તેમનું માનવું છે કે મહિલા ડ્રાઈવર હોવાથી તેમની પણ સેફ્ટીને લગતી ચિંતાઓ ઓછી થઈ ગઈ છે.

સાભાર: આઈ એમ ગુજરાત

Leave a Reply

error: Content is protected !!