શિયાળા માં માણવા જેવું તીખું મસાલેદાર લીલા ચણા એટલે કે જીંજરા નું શાક

આમ તો જીંજરાનું શાક બનાવવાની અને ખાવાની મજા ખરેખર તો વાડી-ખેતરમાં જ આવે. એય ને ઠંડી શિયાળુ હવા સાંય સાંય કરતી વાતી હોય, ચુલાની આગ તેની સામે બથોડા લેતી હોય, પડખેની વાડીએથી લાવેલાં કે પછી પોતાને ત્યાં જ અલગ ચૂલા પર ‘પાલી નાં બે, ને ફાવે તો લે’ માયલ રોટલા તૈયાર થતાં હોય, ચૂલાની દિવાલે અઢેલીને બેઠેલા રોટલા જાણે હોળીના તાપમાં કો’ક ભાભો પોતાનો વાંહો શેકતા પયડા હોય,

સરખે સરખા મિત્રો સૌ વાતોનાં તડાકા મારતા પોતાને ભાગે આવેલું કામ કરતાં જતા હોય ને મોજુના તો જાણે ફુવારા જ ઉડતા હોય….

આ…હા..હા..

અને હા, આ તો એમ જ લખાય ગ્યું છે, તો કોઈએ મને શાબાશી આપવી હોય તો ય આપણને બૌ વાંધો નથી, હોઁ.

હવે ખાલી વાતું જ કરશું કે, જીંજરાનું શાક પણ બનાવશું? લખી લ્યો એની રીત.

જીંજરા નું શાક બનાવવા જોઈતી સામગ્રી :-

ફોલેલા જીંજરા ૧ કિલો
દેશી ટમેટાં ૫૦૦ ગ્રામ
સૂકું લસણ ૫૦ ગ્રામ
લસણની ચટણી ૫૦ ગ્રામ
લીલું લસણ ૫૦ ગ્રામ
સૂકી ડુંગળી ૫૦૦ ગ્રામ
હળદર ૨ ચમચી
હિંગ ૧ ચમચી
કાશ્મીરી લાલ મરચું પાવડર ૫ ચમચી
ખડા મસાલા (તેજપત્તા, તજ, લવિંગ, કાળામરી, બાદીયાન, સૂકા લાલ મરચાં) ૨૦ ગ્રામ
આદુ મરચાંની પેસ્ટ ૫૦ ગ્રામ
તેલ ૨ કપ
ગરમ મસાલો ૧ ચમચી
કોથમરીનાં પાન ૧ કપ

જીંજરા નું શાક બનાવવાની રીત:-

જાડા કૂકરમાં તેલ ગરમ કરવું. આંચ મધ્યમ જ રાખવી. તેલમાં ખડા મસાલા શેકવા. મસાલા બરાબર શેકાઈ જાય ત્યારે તેમાં બારીક સમારેલી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળવી. હવે બારીક સમારેલું સૂકું લસણ સોનેરી થાય ત્યાં સુધી સાંતળવું. હવે તેમાં આદુ-મરચાંની પેસ્ટ, લસણની ચટણી, બારીક સમારેલું લીલું લસણ તેમજ પાણીમાં ઘોળેલી હિંગ ઊમેરી બે-પાંચ મિનિટ સુધી સાંતળવું.

હવે તેમાં બારીક સમારેલાં ટામેટાં, બધાં જ સૂકા મસાલા, ગરમ મસાલો અને સ્વાદાનુસાર મીઠું ઊમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી, શાકને કડછી વડે સતત ચલાવતાં રહી સાંતળવું.

ટામેટાં નરમ પડી જાય ત્યારે બાફેલાં જીંજરા ઊમેરી બે-પાંચ મિનિટ સુધી પકાવવું. એકાદ કપ પાણી ઉમેરી, કુકરને છીબું ઢાંકી, આંચ ધીમી કરી દસેક મિનિટ સુધી, વચ્ચે વચ્ચે કડછી વડે શાકને ચલાવતાં રહો.

જીંજરાનું શાક તૈયાર.

તેના પર કોથમરીનાં પાન છાંટી દો.

રોટલાને જીંજરાના શાક સાથે ચોળીને હાથેથી જ ખાવાથી તેની અનેરી મજા આવશે. સાથે જોઈએ

ડુંગળી-ટામેટાં-કોથમરીનું સલાડ અને છાશ.બસ.

હા, ચમચીથી ખાવ તો હું કાંઈ નાં નથી પાડવાનો!

રેસીપી માટે આભાર : પ્રદીપભાઈ નગદિયા Photos : કૌશલ શાહ

Leave a Reply

error: Content is protected !!