હળવો પણ મજેદાર લંચ એટલે નાચો/ચિપ્સ-ચીઝ અને ગ્વાકામૉલી

એ વાતનું હવે કોઈ રહસ્ય નથી રહ્યું કે શનિવારે હું લંચ બનાવું. જો કે અહીં યુએસએમાં અમે ભારે લંચ લેતા નથી, જેમ કે, શાક-રોટલી, દાળ-ભાત.. વગેરે વગેરે.. !
મોટે ભાગે હલકા ફૂલકાં (સેલડ) ખાઈએ વિક ડેઈઝમાં, પણ વિકએન્ડમાં ક્યારેક અલગ…!પણ શાક-રોટલી, દાળ-ભાતતો મોટે ભાગે નહીં. એવું નથી કે, શાક-રોટલી, દાળ-ભાત નથી જમતા. પણ ઓછું !!

તો આજે બંદાએ હાથ અજમાવ્યો નાચો, ચિઝ, અને ગ્વાકામૉલી… પર.
તો આમ તો આ સહેલી અને સરળ ડિશ છે. પણ સમય તો લાગે..મને ૨૦ થી ૨૫ મિનિટ થઈ.
ગ્વાકામૉલી (Guacamole):
સામાગ્રીઃ બે મધ્યમ પરિપકવ એવોકાડો, અડધી મધ્યમ કદની ડુંગળી(ઓર્ગેનિક સ્વિટ ઓનિયન હોય તો બલ્લે બલ્લે), બે મરચાંની પેસ્ટ તીખાસ મુજબ વધ-ઘટ કરી શકાય, એક પરિપક્વ ટામેટું, એક લીંબું-રસ માટે,બે ચમચી પીસેલ તાજું લસણ(હું ક્યારેક સુકા લસણનો પાવડર પણ વાપરું છું એ જાણ ખાતર, અડધું કે આખ્ખું હેલેપિનિયો મરચું, અને કોથમીરનાં પર્ણ. જરૂર મુજબ સ્વાદાનુસાર નમક(સી સોલ્ટ).

રીતઃ
1. ડુંગળી, હેલોપિનિયો મરચાં, ટામેટાનાં નાના ઝીણાં ટુકડાઓમાં સમારી એક વાડકીમાં અલગ રાખો.
2. છાલ/બીજ અલગ કરી એક મધ્યમ કદના કાચનાં/પોર્સેલિનના ચલાણામાં એવોકાડોનાં પરિપકવ મીંજને પીસી પેસ્ટ બનાવો એમાં ઉપર ૧ મુજબ તૈયાર કરેલ ડુંગળી, મરચાં, ટામેટાનાં નાના ઝીણાં ટુકડાઓ ઉમેરી મિશ્ર કરો. અને એમાં જરૂર મુજબ સ્વાદાનુસાર નમક(સી સોલ્ટ) ઉમેરી સહન કરી શકાય એટલી તીખાશ માટે લીલાં મરચાં, લસણની પેસ્ટ ઉમેરી બરાબર મિશ્ર કરો. ચાખો. (જે હું વારંવાર કરતો આવ્યો છું, નહિંતર શ્રીમતીજીની ડાંટ પડે!!) અહીં લસણનાં વધુ ઉપયોગની હું ભલામણ કરું છું. આદુ કદી ન વાપરશો. અંતે એમાં લીંબુનો રસ અને સમારેલ કોથમીર ઉમેરી મિશ્ર કરો. ગ્વાકામૉલી તૈયાર. ગ્વાકામૉલી બહુ જલ્દી ઓક્સિડાઇઝ્ડ થઈ જાય અને કાળી પડી જાય છે, એટલે એ બનાવી એને હવાના સત્સંગથી દૂર રાખવા બરાબર ચૂસ્ત ઢાંકવી જરૂરી છે. ઉપરાંત એમાં એવોકાડોનું એક મોટું બીજ રહેવા દેવાથી ઓક્સીડેશન પ્રક્રિયા ધીમી થાય છે, એવું મારું માનવું છે.


સોસઃ
એક નાની વાડકીમાં ઝીણાં સમારેલ અડધાં ટામેટાં, ડૂંગળી, લસણ અને પટીક સૂકાં ધાણાની ભૂકી મીશ્ર કરી એમાં ટામેટાનો કેચઅપ ઉમેરો. એમાં કેપરિકા મરચાની ભૂકી,પીસેલ લસણ, અને પરમેઝાન ચીઝ અડધી ચમચી ઉમેરી મીશ્ર કરી ૪૫ સેકન્ડ માઈક્રોવેવમાં ગરમ કરો. તાજો માજો સોસ તૈયાર.

ચીપ્સઃ
અહીં તો ચીપ્સ તૈયાર મળે, અરે! સ્કૂપ સાઈઝ મળે. એટલે સીધું એક બૂકડાંમાં મોઢાંમાં. (પાણી પૂરી યાદ આવી ગઈને???)તો ચીપ્સને એક પોર્સલેઈન ડિસમાં ગોઠવી એમાં ઉપર મુજબ તૈયાર કરેલ સોસ નાની ચમચીથી પાથરી, એના પર છીણેલ ચીઝ ભભરાવી માઇક્રોવૅવ ઓવનમાં ૪૫ સૅકન્ડ, ચીઝ ઓગળવાની શરૂઆત થાય ત્યાં શુધી ગરમ કરો.

ચીપ્સ અને ગ્વાકામૉલી તૈયાર, તો ઊઠાવો અને માણો મજા.. ચીપ્સના સ્કૂપમાં ગ્વાકામૉલી ભરી એક જ બૂકડાંમાં ખાવાની અલગ મજા છે.

હું તો આ ડિશ સાથે ક્યારેક ઓર્ગેનિક આઈસ્ડ ટી કે ક્યારેક આઈપીએ બીયરની મજા માણું. શ્રીમતીજી નાળિયેર પાણી પીએ. જેવી જેની મરજી

રેસીપી મોકલનાર – નટવર મહેતા (યુ.એસ.એ)

Leave a Reply

error: Content is protected !!