1700 વર્ષ જૂના સ્વયંભૂ શિવલિંગના દર્શન કરવા કચ્છ જવું જ રહ્યું

કચ્છના ભદ્રેશ્વર ગામમાં આવેલું છે નાળેશ્વર મહાદેવનું મંદિર. આ મંદિરમાં સ્વયંભૂ શિવલિંગ છે. આ મંદિર અનેક દંતકથાઓના કારણે પ્રસિદ્ધ છે. આ મંદિર વિ.સ. 612 એટલે કે લગભગ 1700 વર્ષ પહેલા બન્યુ હતુ. આ મંદિરમાં પાંડવો પણ આશ્રય લઈ ચુક્યા છે. અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો અહીં આવ્યા હોવાની સાક્ષી અહીં આવેલો પાંડવકૂંડ પૂરે છે. પાંડવોએ આ કુંડના પાણીથી જ ચોખંડાધામના નાળેશ્વર મહાદેવને અભિષેક કર્યો હતો. અહીં પાલી લિપિમાં લખાયેલા શિલાલેખો પણ છે.

અનાદિકાળથી મનુષ્ય પોતાના જીવનમાં અખંડ આનંદ પ્રાપ્ત કરવા, જન્મ, મૃત્યુ, જરા તેમજ અનેક ઉપાધિઓમાંથી મુક્ત થવા, સર્વે પાપોમાંથી મુક્ત થઈ પરમ શાંતિની અનુભુતિ કરવા ચૈતન્ય સ્વરૂપ, પર બ્રહ્મ, તેજ પૂંજ, મહા મંગલ અદા શિવની અર્ચના, પુજા તેમજ ઉપાસના કરતો આવ્યો છે. શ્રી યોગવાસિષ્ઠ રામાયણમાં મહામુની વસિષ્ઠ મહારાજે કહ્યું છે કે સદાશિવ સર્વોત્તમ દેવાધિદેવ છે. એના પુજન, અર્ચન તેમજ ઉપાસનાથી પરમ શાંતિ તેમજ આત્મા સુખની પ્રાપ્તી થાય છે. એ દેવમાં જ સઘળું જગત વિદ્યમાન છે. આરોપિત થયેલા સર્વે જગતમાં જ્ઞાન પ્રકાશની અનુભુતી કરવાની શક્તિ શિવ ઉપાસનામાં છે. એવા જગત નિયંતા, અનંત ચારે દિશામાં વ્યાપ, સઘળા દેવો જેવી ઉપાસના કરે છે એવા સ્વયંભુ તેજોમય શિવલીંગનું પ્રાગટ્ય અનેક જગ્યાએ થયું. એવા સ્વયંભુ પ્રાગટ્ય લિંગમાંનું એક સ્થાન છે શ્રી નાળેશ્વર મહાદેવ (ચોખંડા)નું મંદિર, ભદ્રેશ્વરના સમુદ્રતટે સ્થિત આ મંદિર સર્વે કામનાઓને સિદ્ધ કરનારું છે.

કચ્છમાં આવેલા 6 મુખ્ય મંદિરોમાં પણ આ મંદિરની ગણના થાય છે. તેમાં શ્રી નાળેશ્વર મહાદેવ મંદિરનો સમાવેશ થાય છે. આ મંદિરનો વારંવાર જીણોદ્વાર થતો રહ્યો છે. અને છેલ્લો જીણોદ્વાર 100 વર્ષ પહેલા મહારાવના વખતમાં કરવામાં આવેલો તેવો ત્રાંબાનો લેખ અહીં મળી આવેલ છે. ખાસ વાત કરીએ તો અહીં કાળા સર્પની એક જોડી વર્ષોથી મંદિરના પ્રાંગણમાં વસવાટ કરે છે જે આશરે 10 ફુટ લંબાઈ ધરાવે છે અને ખાસ કરીને તે શ્રાવણ માસમાં જરૂરથી દર્શન દે છે.

વર્ષ 2001માં આવેલા વિનાશક ભૂંકપમાં મંદિર ધરાશાયી થઈ ગયું હતું પરંતુ શિવલિંગને કંઈ જ થયું નહીં. વિ.સ. 1734માં અહીં કમળપૂજા પણ થયેલી છે. વીર સિંહ નામના શિવભક્તે અહીં આ પુજા કરી હોવાનું જાણવા મળે છે. સમગ્ર શ્રાવણમાસ દરમિયાન નાળેશ્વર મહાદેવ મંદિરે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળે છે. જો કે શ્રાવણ માસના દરેક દિવસે અહીં સવારથી જ રુદ્રી, વિવિધ પૂજા-અર્ચના શરૂ થઈ જાય છે.

સાભાર: સંદેશ

Leave a Reply

error: Content is protected !!