GST માં આવશે મોટો સુધારો – આટલી વસ્તુઓના ભાગ ઘણા ઘટશે

GSTમાં આવશે મોટા સુધારા

GST લાગુ થયાના ચાર મહિના બાદ ટેક્સના માળખામાં ધરખમ ફેરફાર આવે તેવી શક્યતા જોવાઈ રહી છે. GST અંગેની નિર્ણાયક બોડી GST કાઉન્સિલ દ્વારા ટેક્સના ચોથા અને હાઈએસ્ટ ટેક્સ સ્લેબમાંથી 150-200 જેટલી રોજબરોજની જરુરી વસ્તુઓને લોઅર ટેક્સ સ્લેબમાં ટ્રાન્સફર કરવામાં આવશે. તેમજ દરેક કંપનીને ત્રિમાસિક રિટર્ન ફાઇલ કરવાની પણ છૂટ આપવામાં આવશે.

આ વસ્તુઓ થશે સસ્તી

એક ઉચ્ચ સરકારી અધિકારીએ અમારા સહયોગી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, ‘કઈ પ્રોડક્ટને ક્યા ટેક્સ સ્લેબમાં રાખવી તે અંગેનો નિર્ણય લેતી ફિટમેન્ટ કમિટી રોજબરોજના વપરાશની અનેક વસ્તુઓ, તેમજ સેનેટરી પ્રોડક્ટ્સ, ઈલેક્ટ્રિકલ ફિટિંગ્સ, કંસ્ટ્રક્શન મટેરિયલ, ફર્નિચર અને એવી પ્રોડક્ટ જે નાના અને લઘુ કદના ઉદ્યોગો દ્વારા બનાવાઈ હોય તેના પર ટેક્સ રાહત આપી શકે છે. આ વસ્તુઓને 28% GTSના સ્લેબમાંથી 18%ના સ્લેબમાં લાવી શકે છે.’

સરકાર સામે ટેક્સ ઘટાડવા સાથે આ ચેલેન્જ

આ પહેલા ગત મહિને અહેવાલ આવ્યા હતા કે અનેક રાજ્યો દ્વારા ટેક્સ સ્લેબમાં રીડક્શનની માગણી કરાઈ હતી. જેના આધારે ગૌહાટી ખાતે શુક્રવારે મળનારી GST કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય આવી શકે છે. જ્યારે કેન્દ્ર માટે મુખ્ય ચિંતા રાજ્યોની નાણાંકીય ખાધ પૂરી કરવાની છે. કેમ કે રાજ્યોની આવક ભરપાઈ કરવાની સાથે તેણે દેશનું રાજકોષીય ફંડ ભેગુ કરવાના પ્લાન પર પણ આગળ વધવું પડે છે.

ધીમે ધીમે સિંગલ સ્ટાન્ડર્ડ ટેક્સ તરફ

હાઈઅર ટેક્સ સ્લેબમાંથી ઘણી બધી આઇટમ્સને 18%ના સ્લેબમાં લાવવાની કેન્દ્રની આ કવાયતથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા GST લાગુ કરતી વખતે જે થ્રી ટાયર ટેક્સ સ્ટ્રક્ચરને દૂર કરવાની વાત કરવામાં આવી હતી તે દિશામાં GST ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય નાણાંમંત્રી અરુણ જેટલીએ પણ તાજેતરમાં સિંગલ સ્ટાન્ડર્ડ રેટની વાત કરી હતી. એક અંદાજ મુજબ આ સિંગલ રેટ 12%થી 18%ની વચ્ચે રહી શકે છે.

સિન ગુડ્સ અને લક્ઝરી ગુડ્સ પર વધુ ભારણ

સરકારે અનેક એવી આઇટમ્સ કે જે 14%ના ટેક્સ શિડ્યુલમાં પણ નહોતી તેને 28%ના ટેક્સ બકેટમાં લાવી હતી. તેની પાછળ સિન ગુડ્સ અને લક્ઝરી ગુડ્સ પર વધુ ટેક્સ નાખવાનો ઈરોદો હતો. તેવું GSTની પ્રક્રિયા સાથે જોડાયેલા એક ઉચ્ચ અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું. જ્યારે વેપારીઓએ ઈલેક્ટ્રોનિકની જગ્યાએ કેશ પેમેન્ટ માટે પણ આગ્રહ કર્યો છે.

કંપનીઓને  ત્રિમાસીક રિટર્નની સુવિધા

આ માટે પાંચ રાજ્યોના નાણાં પ્રધાનની બનેલી ટીમે સજેશન આપ્યું છે કે બિલિંગ સીસ્ટમમાં પહેલાની જેમ ઇન્ક્લુઝિવ ઓલ ટેક્સ આપવાની જરુર છે. કેમ કે કેન્દ્ર અને રાજ્યના જીએસટીને સ્પ્લિટ કરીને બિલમાં દર્શાવવાથી લોકો પર એવી ઇમ્પ્રેશન પડી રહી છે કે ટેક્સ રેટ વધી ગયા છે. તેમજ પેનલે બધી જ કંપનીઓને ત્રિમાસિક રિટર્ન ભરવા દેવાનું પણ સજેશન આપવામાં આવ્યું છે. જે હાલ વાર્ષિક 1.5 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતી કંપનીઓને જ અલાઉ કરવામાં આવ્યું છે.

વડાપ્રધાને પણ GSTને હજુ સરળ બનાવવાની કરી જાહેરાત

આ ઉપરાંત જે લોકો નિશ્ચિત મર્યાદામાં રિટર્ન નથી ભરતા તેમને કરવામાં આવતી પેનલ્ટીની રમકને ₹200થી ઘટાડીને ₹50 કરવાની પણ ભલામણ કરવામાં આવી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આમાની મોટાભાગની ભલામણોને સરકાર દ્વારા સ્વીકારી લેવામાં આવશે. કેમ કે તાજેતરમાં જ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે GSTને હજુ પણ વધુ સરળ બનાવવા માટે સરકાર વિવિધ પગલાઓ લેવા માટે તૈયાર છે.

સાભાર: આઈ એમ ગુજરાત

Leave a Reply

error: Content is protected !!