ઇતેફાક – એક અજાણી ડાયરી નું છેલ્લું વાક્ય તમને હચમચાવી દે

બપોરનો સમય, સ્ટેશન રોડ પર એક સાઈડે ટ્રાફિક વધુ હતો. સ્મિતાએ સ્કુટી નજીકમાં પાર્ક કરીને ચાલતા જવાનું વધુ પસંદ કર્યું. એણે સ્કુટી એક સેફ જગ્યાએ કોઈને નડે નહિ તેમ મૂકી અને પગ રેલ્વે પ્લેટફોર્મ તરફ માંડ્યા. આજે એની માસી ઘણા વખતે એમના ઘરે રહેવા આવવાની હતી. સ્મિતા પ્લેટફોર્મ પર પહોંચી અને ટ્રેન આવવાની રાહ જોવા લાગી. સ્મિતાને શાંતિથી બેસવું પહેલેથી પસંદ નહતું. આસપાસ ચાલતા લોકોને જોવા, એમના હાવભાવ કળવા વગેરે જેવા કામોમાં સ્મિતાને ખાસ દિલચસ્પી. કંઈક આવું જ કરવામાં એ વ્યસ્ત હતી અને એની નજર સામેના બાંકડાની નીચે પડેલી એક નવી લાગતી ડાયરી પર પડી. આમ તો એ ડાયરી બાંકડા નીચે પડી રહી હોવાથી કોઈ ભૂલી ગયાનું બનવાજોગ હતું, પણ ડાયરીનો દેખાવ સ્મિતાને સામાન્ય ડાયરીઓ કરતા કંઈક અલગ જ લાગ્યો. એટલે સ્મિતાએ આસપાસ જોયા પછી એ ડાયરી ત્યાંથી ઉઠાવી અને સાફ કરી. એ મુખપૃષ્ઠ ખોલવા જ જતી એવામાં ટ્રેનનું એનાઉન્સમેન્ટ થયું. એટલે એણે ડાયરી ખોલવાનું રહેવા દઈ માસી જે કોચમાંથી ઉતારવાના હતા એ કોચની નિશ્ચિત જગ્યા તરફ પ્રસ્થાન કર્યું.

ટ્રેન આવી. સ્મિતા એની માસીની એક બેગ લઈને સ્કુટી મૂકી હતી ત્યાં સુધી ચાલતી આવી. પછી ડાયરી સ્કુટીની ડીક્કીમાં મૂકી, બેગ પગ પાસે મૂકી અને માસીને લઈને ઘર તરફ રવાના થઇ. હજીયે ડાયરીના પાનાં ઉથલાવવા માટે એના મનમાં ઉત્સુકતા હતી.

ઘરે પહોચીને ફટાફટ માસીને ગેસ્ટ રૂમમાં ફ્રેશ થવાનું કહીને એ ત્વરાથી પોતાના રૂમમાં પહોચી ગઈ. ઓઢણી અને સ્કુટીની ચાવી ચોક્કસ જગ્યાએ મુક્યા પછી ફ્રેશ થઈને તરત ડાયરી લઈને પોતાના બેડમાં બેઠી. ડાયરીનું મુખપૃષ્ઠ ખાસ્સું એવું આકર્ષક હતું. ‘કોઈ આવી ડાયરી કેવી રીતે ભૂલી જઈ શકે?’ આ વિચાર અત્યાર સુધી ચાર વાર એના મનમાં આવી ચુક્યો હતો. ડાયરીના પહેલા પાને મથાળે વચોવચ ગુજરાતીમાં “શ્રી ગણેશાય નમઃ” લખેલું હતું. સ્મિતાએ ઉત્કંઠાવશ બીજું પાનું પલટાવ્યું અને વાંચવાનું શરુ કર્યું,

“હું આજથી ડાયરી લખવાનું શરુ કરું છું. ડાયરી એટલા માટે કે આ બધી વાતો હું કોઈને મોઢે કહી શકું એવા સંજોગો ઉભા થયા નથી કે થવાના પણ નથી એ હું ઘણી સારી રીતે જાણું છું. મને કશું જ સારું લાગતું નથી કે નથી તો કોઈ વાતે ચેન પડતું! હું અંદરથી તૂટી ગયો છું. મારી જાતે મને ભણવાના કામ માટે જવાબ આપી દીધો છે. મને ભણવામાં સહેજ પણ રસ નથી રહ્યો. મારી મચડીને મને ચોપડી પકડાવવા બદલ કદાચ હું મારા મમ્મી પપ્પાને માફ કરી પણ દઉં એ શક્ય છે પણ મારા સપનાને અને મારી આવડતને બેકાર ગણવા બદલ એ બંનેમાંથી એકેયને હું ક્યારેય, જીવતો રહીશ ત્યાં સુધી માફ નહિ કરું……”

આ પહેલા પાનાની અંતિમ લાઈન હતી. ડાયરીના પાનાની સાઈઝ સામાન્ય કરતા થોડી નાની હોઈ આટલામાં એનું એક પાનું પૂરું થઇ ચુક્યું હતું. સ્મિતા બીજું પાનું પલટાવીને વાંચવાનું શરુ કરે એ પહેલા એના મનમાં એક અજીબ વિચારાવરણ રચાયું. ‘મમ્મી પપ્પા આવા તો ના જ હોય’ ‘કોઈ આટલું આટલું બધું ફ્રસટ્રેટ હોઈ શકે કે પોતાના મા-બાપ વિષે આવું લખી શકે?’ આવા વિચારો જરાક અમથો ચમકારો કરીને નીકળી ગયા. એણે બીજું પાનું વાંચવાનું શરુ કર્યું,

“આમ તો મને ભણવામાં કોઈ ખાસ વાંધો નથી. પણ મારે મારા જીવન સાથે મને ગમતું હોય એવું કરવું હતું. મારે સ્ટેજ પર માઈક પકડીને ગાવું હતું. મારા અવાજ પર પ્રેક્ષકોને ઓવારી જતા જોવા હતા અને મારા તાલ સાથે તાલ મિલાવીને એ ભરચક ક્રાઉડ પોતાના બંને હાથ ઊંચા કરીને હવામાં હલાવે એ દ્રશ્ય મારે જોવું હતું. પણ હવે એ દ્રશ્ય બિલકુલ કાલ્પનિક અને નહીવત વાસ્તવિક લાગી રહ્યું છે. હું નાનો હતો ત્યારે મમ્મી પપ્પાને ‘અમારે તો એને ડોક્ટર બનાવવો છે’ એવું ઘણાં સગા વ્હાલાને કહેતા સાંભળ્યા છે. પણ એમણે ‘બનાવવો’ હોય અને મારે ‘બનવું’ હોય એ બંનેમાં આસમાન-જમીનનો ફર્ક હોય છે એ વાત તેઓ દસમાં ધોરણ પછી બાયોલોજી ગ્રુપ લેવડાવવાથી માંડીને અત્યાર સુધી ભૂલતા રહ્યા છે. બસ, દસમાં ધોરણમાં સંગીત વિષય છોડ્યો એ છોડ્યો. એ પછી માત્ર ઈયરફોન સિવાય મારા જીવનમાં ક્યાંય સંગીતનું નામનિશાન રહ્યું નથી”

બીજું પાનું પૂરું કરતા સ્મિતાની આંખમાં આંસુનું ટપકું આવું આવું થઇ રહેલું. ડાયરી કોની હતી એનાથી સ્મિતાને કોઈ ફરક નહતો પડતો. અત્યારના મા-બાપ સાથે આજની પેઢીના બાળકોની તકલીફ જ આ શબ્દોમાં વર્ણવેલી હતી. પોતાના અધૂરા રહેલા સપનાઓ બાળકો થકી પુરા કરવાની ઝંખના જ ઘૃણામાં પરિવર્તિત થાય છે. સ્મિતાને હવે આ ડાયરી એક સાર્વજનિક સંપત્તિ લાગી રહી હતી. એણે ત્રીજું પાનું પલટાવ્યું અને વાંચવાનું શરુ કર્યું.

“હવે કદાચ હું નજીકના ભવિષ્યમાં ડોક્ટર બનીશ. ‘કદાચ’ એટલા માટે કે ગઈ પરિક્ષામાં ખાસ ધોળી શક્યો નથી. આમ તો દરેક પરીક્ષામાં એવું જ હોય છે, છતાં પાસ થઇ શકું એટલું કરી લઉં છું. પણ આ વખતે મારી માનસિક સ્થિતિ ખુબ જ ખરાબ હતી અને જો ડાયરી લખવાની શરુ ના કરી હોત તો કદાચ જે એક બે વિષયમાં પાસ થવાશે એ પણ શક્ય ન બન્યું હોત. વારે ઘડીએ મને એક જ વિચાર આવ્યા કરે છે કે હું મારા ભવિષ્યના સંતાનના સપનાની પાંખો તો નહિ જ કાપી લઉં.”

આ પછીના બધા પાનાં કોરા હતા. ત્રણ પાના વાંચીને સ્મિતાના મનમાં આ છોકરા માટે એક કુણી લાગણીએ જન્મ લીધો. સ્મિતા આ છોકરાને મળવા માંગતી કે જેણે આ ડાયરી લખી હશે. કોઈ આટલું બધું લાચાર હોય કે પોતાની વાત કહેવા માટે કોઈ વ્યક્તિ ન મળી શકતા આ નિર્જીવ ડાયરીના પાનાઓ પર પોતાની વ્યથા કંડારી દીધી.

“કદાચ આ છોકરાની ડાયરી ભૂલથી રેલ્વે સ્ટેશન પર પડી ગઈ હશે એટલે જ આગળ કશું લખેલું નથી.”, સ્મિતાએ સ્વગત વિચાર્યું. એણે એક પછી એક પાના ઉથલાવવાનું ચાલુ કર્યું, પણ છેક છેલ્લે સુધીના તમામ પાના કોરા હતા. અંતમાં સ્ટેશનરીનો સિક્કો મારેલો હતો જ્યાંથી આ ડાયરી જેતે સમયે છોકરાએ ખરીદી હશે. સરનામું આણંદ શહેરનું હતું.

સ્મિતાએ મમ્મીને આવતીકાલે આણંદ જવાની વાત કરી.

“હા બેટા, જતી આવ. અને ભયલુને માટે નાસ્તો બનાવી દઉં છું લેતી જજે”

“હા મમ્મી. માસી આવ્યા છે તો એમનીય હેલ્પ મળશે”

સ્મિતાનો ભાઈ આણંદમાં રહીને જ ભણતો હતો એટલે એક કામમાં બે કામ પતે એમ વિચારીને સ્મિતાએ એની મમ્મીને ‘હા’ ભણી.

બીજા દિવસે નાસ્તો અને ડાયરી સાથે લઈને સ્મિતા આણંદ જવા નીકળી. પહેલાં તો એ ડાયરીમાંથી મળેલા સરનામાવાળી સ્ટેશનરીની દુકાને પહોચી અને દુકાનદારને ડાયરી બતાવી,

“અંકલ, આ ડાયરીમાં તમારી જ દુકાનનો સિક્કો મારેલો છે. જુઓને જરા. આ તમે જ આપી હતી કોઈને?”

“લાવો મેડમ”, કહીને એણે ડાયરી હાથમાં લીધી. પોતાનો ભૂરી શાહીવાળો સિક્કો જોયો અને કહ્યું, “હા મેડમ! આ ડાયરી અમારી જ દુકાનેથી વેચાઈ છે”

“તમે જરા કહી શકશો કે કોણે લીધી હતી?”, સ્મિતાએ ઉત્કંઠાવશ પૂછ્યું.

“મેડમ આવી ડાયરી તો ઘણા લોકો લઇ ગયા છે. પણ હા, આ લીમીટેડ એડીશન ડાયરી હતી. અત્યારે તો અમારી પાસે આ છે પણ નહિ સ્ટોકમાં”

“પણ આ પર્ટીક્યુલર ડાયરી કોણે લીધી હતી એ જાણવા મળશે?”

“એ તો કહેવું મુશ્કેલ છે મેડમ”

“કોઈ આઈડિયા પણ નથી ખબર પડે એમ?”

“ના મેડમ, સોરી. તમે બીજા ઘરાકને નડો છો જરા સાઈડમાં જશો પ્લીઝ?”, કહીને એણે સ્મિતાની રહીસહી આશા પર પાણી ફેરવી દીધું.

‘પહેલા ભયલુંને નાસ્તો આપી આવું અને પછી આ છોકરાને શોધું’, એમ વિચારીને સ્મિતા પોતાના ભાઈની હોસ્ટેલ તરફ જવાનું નક્કી કર્યું.

સ્મિતા ભાઈની હોસ્ટેલમાં એન્ટ્રી લઈને એના રૂમ પર ગઈ. એનો ભાઈ સ્મિતાને આમ અચાનક ત્યાં આવેલી જોઇને ખુશ થઇ ગયો.

“કેમ અચાનક?”, એણે પૂછ્યું.

“બસ, થોડું કામ હતું તો મમ્મીએ કહ્યું ભયલુંને નાસ્તો આપતી આવજે એટલે આવી ગઈ. બોલ કેવું ચાલે છે?”, સ્મિતાએ પૂછ્યું.

“બસ, ચાલે છે”, એણે કહ્યું.

“અને તારે આગળ બે રજાઓ લેવાની છે એ માટે વાત કરી?”

“હા, કરી. અમારા વોર્ડનને અંગ્રેજીમાં ખ્યાલ નથી આવતો એટલે એ બધાને ગુજરાતીમાં રજાચિઠ્ઠી આપવાનું કહે છે. પછી રજાનું એ કન્ફોર્મ કરાવી આપશે”

“બરાબર”, સ્મિતાએ કહ્યું, “તો ગુજરાતીમાં ફાવશે લખવાનું કે પછી?”, એ છેલ્લા પાંચ સાત વર્ષથી અંગ્રેજી માધ્યમમાં જ ભણતો હોવાથી સ્મિતાએ પૂછ્યું.

“આમ તો ફાવી જશે. હું લખી દઉં છું હમણાં જ, એટલે તમે સુશ્રી સ્મિતાદેવી, એમએબીએડ વિથ ગુજરાતી મને કહેજો કે એ બરાબર છે કે નહિ”

“જી, હા”

થોડીવારમાં અક્ષય ચિઠ્ઠી લખીને લઈ આવ્યો અને સ્મિતાને બતાવી.

સ્મિતાએ વાંચવાનું શરુ કર્યું.

“પ્રિય વોર્ડન સર,

મારે અંગત કારણોસર…….”

સ્મિતા વાંચતા વાંચતા અટકી ગઈ.

“કેમ શું થયું સુશ્રી સ્મિતાદેવી? અટકી ગયા?”

સ્મિતાએ કશું જોયા વગર પહેલા ડાયરી કાઢી અને એમાં ગુજરાતીમાં લખેલા અક્ષરો મેચ કરી જોયા. અક્ષરો ડીટ્ટો મેચ થતા હતા.

“અક્ષય? આ ડાયરી તારી છે?”, સ્મિતાએ પૂછ્યું.

અક્ષયનું થોડા સમય પહેલા ચહેરા પર લાવેલું નકલી નુર તરત જ ગાયબ થઇ ગયું અને ડૂમો ગળામાં જ અટકેલો હતો એટલે એ કશું બોલી પણ ન શક્યો…

– ભાર્ગવ પટેલ

Leave a Reply

error: Content is protected !!