સાવર-કુંડલાની વિશેષ વાનગી – કાજુ ગાંઠીયા નું શાક

આજે સૌ ગ્રુપ મિત્રો માટે લાવ્યા છીએ એક વિશિષ્ટ વાનગી. કાજુ ગાંઠીયાનું શાક સાવર-કુંડલા ની ખાસ ભેટ છે. શિયાળામાં આ શાક ખાવાની બહુ જ મજા આવે છે.

તો આવો સૌ માણીયે….

કાજુ_ગાંઠીયાનું_શાક

સામગ્રી :
૧૦૦ ગ્રામ કાજુ
૧૫૦ ગ્રામ આખા મરીનાં કડક વણેલા ગાંઠીયા
૫ નંગ મોટા ટામેટાની પ્યૂરી
૨ મધ્યમ ડુંગળી, બારીક સમારેલી
૧૨ મોટી કળી લસણ, બારીક સમારેલું
૨ મોટા ચમચા આદુ-મરચાં-કોથમરી ની પેસ્ટ
૧/૨ ચમચી હળદર
૧ ૧/૨ ચમચી લાલ મરચું પાવડર
૧/૨ ચમચી ધાણાજીરું પાવડર
૧ ચપટી હિંગ, પાણીમાં ઘોળેલી
૩ મોટા ચમચા તેલ
૧ ચમચી ઘી
મીઠું સ્વાદ અનુસાર

રીત :

નોનસ્ટિક પેનમાં ૧ચમચી ઘી ગરમ કરી, બિલકુલ ધીમી આંચ પર કાજુ આછા ગુલાબી થાય ત્યાં સુધી શેકી લેવા.

એ જ પેનમાં તેલ ગરમ કરવું. તેમાં બારીક સમારેલી ડુંગળી ગુલાબી થાય ત્યાં સુધી સાંતાળવી. પછી તેમાં લસણ ઉમેરી તેને થોડું સાંતળી લેવું. હવે તેમાં આદુ-મરચા-કોથમરીની પેસ્ટ ઉમેરી ફરી થોડીવાર સાંતળી લેવું. તેમાં હિંગ ઉમેરી બે મિનીટ ચલાવતાં રહેવું. છેલ્લે મસાલાઓ ઉમેરી બરાબર ચડી રહે અને મસાલાની સુગંધ આવે ત્યાં સુધી ચલાવતાં રહેવું.
હવે આ મિશ્રણમાં ટામેટાની પ્યૂરી ઉમેરી જરૂર પુરતું પાણી ઉમેરી મીઠું ભેળવી દેવું. ગ્રેવી બરાબર ખદખદવા દેવી.

આ ગ્રેવીમાં પોણા ભાગનાં કાજુ ઉમેરી એક જ મિનીટ સુધી ચડવા દેવા. તેમાં વણેલા ગાંઠીયા ઉમેરી બીજી એકાદ-બે મિનીટ સુધી ચડવા દેવું.
સર્વિંગ બાઉલમાં શાક કાઢી ઉપર કાજુ વડે સજાવી રોટલા, પરોઠા કે ભાખરી સાથે પીરસવું.
આ જ રેસિપીમાં મૂળ સાવર-કુંડલાના મિત્ર મેહુલ પટેલ ભાઈએ જે સુધારાઓ સૂચવ્યા છે, તે પણ અહીં એમના જ શબ્દોમાં, સાભાર…

સવારકુંડલાના કાજુ ગાંઠિયાની કવોલેટીમાં ઘણું ઘટે છે…જો તમારે હજુ પણ ટેસ્ટી બનાવું હોય તો…વણેલા ગાંઠિયાની જગ્યાએ આપે આખા મરીનાં ગાંઠિયા વાપરવા જોઈએ જે ગાંઠિયા સાવરકુંડલામાં જ મળે છે…અને હા…ગ્રેવી કરવા માટે પહેલા તેલ ઉકળે ત્યાર બાદ પ્રથમ ડુંગળીની પેષ્ટ નાખો એ ડુંગળી લાલ થાય ત્યાર બાદ લસણની પેષ્ટ ઉમેરો..બંને સરખું આવી ગયા પછી…આદુ,લીલા મરચાની પેષ્ટ ઉમેરો….અને હા થોડો ટેસ્ટ બદલાવ થોડી કિસમિસ (દ્રાક્ષ) ઉમેરો અને થોડો ખાવાનો ગોળ પણ અને પછી મેળવો સવારકુંડલાનું ઓરિજિનલ કાજુ ગાંઠિયા…..

આભાર – પ્રદીપભાઈ નગદિયા (રાજકોટ)

Leave a Reply

error: Content is protected !!