કડવા વાળનું ઉંબાડીયું – ઉંધા માટલાનું ઊંધિયું – શિયાળા માટેની બેસ્ટ રેસીપી

ઉંબાડીયું એ વાપી-વલસાડ તરફની શિયાળામાં બનાવાતી ખાસ વાનગી છે. નવસારી થી છેક વાપી સુધી હાઈવે ઉપર આનાં સ્ટોલ લાગેલાં હોય છે, જ્યાં લોકો મનભર ઉંબાડીયું આરોગતાં જોવાં મળે છે. વાડી-ખેતરોમાં પણ પ્રોગ્રામ ગોઠવાય છે, તો ઘણાં શોખીનો ઘેરે પણ બનાવે. ઉંબાડીયું બનાવવા માટે જમીનમાં એકાદ ફૂટનો ખાડો ગાળી તેમાં છાણાં અને કરગઠિયા બળતણ તરીકે ગોઠવવામાં આવે છે.

તેનાં પર શાક ભરેલું માટલું ઊંધું મૂકી, તે માટલાં પર ફરીથી બળતણ પાથરી આશરે ૩૦ થી ૪૦ મિનિટ સુધી મધ્યમ આંચ પર પકાવતાં ઉંબાડીયું તૈયાર થઈ જાય છે. જેને સ્વાદનાં અસલી શોકીનો તો એમ ને એમ, લુખુ જ ખાવું પસંદ કરે છે, બસ, સાથે આદુ-મરચાં-કોથમીરની દહીંવાળી ચટણી અને મસાલેદાર છાશ હોય!

ઉંબાડીયું બનાવવા જોઈતી જરૂરી સામગ્રી :-

  • ત્રણદાણા વાળી પાપડી (કતારગામ પાપડી)
  • ૧ કિલો શક્કરિયા
  • ૫૦૦ ગ્રામ સુરતી કંદ
  • ૫૦૦ ગ્રામ મિડિયમ સાઈઝના બટાકા
  • ૫૦૦ ગ્રામ સૂરણ
  • ૫૦૦ ગ્રામ આદુ-મરચાં-લીલી મરચી-કોથમરી-ફુદીનો-લીલી હળદર અને આંબા હળદરની બનેલી ચટણી
  • ૩૦૦ ગ્રામ અજમો
  • ૫૦ ગ્રામ મીઠું સ્વાદાનુસાર

ઉંબાડીયું બનાવવાની રીત:-

બટેટાની સાઈઝમાં જ બાકીનાં બધાં શાકને ટુકડા કરી લેવાં. (લગભગ દોઢ થી બે ઈંચ)

દરેક શાકને કાપા પાડી તેમાં ચટણી ભરવી.

પાપડીને થોડીવાર ભીનાં ટુવાલમાં પોટલી બાંધવી, કે જેથી તેને થોડો ભેજ મળી રહે.

હવે આ પાપડીમાં પણ ચટણી ભેળવવી.

બધાં જ શાક બરાબર ભેળવી લઈ તેમાં હથેળીમાં સમાય તેટલું જ તેલ, અજમો અને મીઠું ભભરાવી એકસમાન ભેળવી લેવાં.

એક માટલું લઈ તેના પર બહારની સાઈડ પર ગાર-માટીનું લીપણ કરવું.

માટલામાં અંદર તળીયે ક્લાર નામની વનસ્પતિ ભરપૂર માત્રામાં પાથરવી. (આ ક્લાર ઉંબાડીયાને તેની ખાસ સુવાસ આપે છે. ક્લારને ખાવાનાં ઉપયોગમાં લેવાની નથી.)

માટલાની અંદરની દિવાલે ક્લાર પાથરતા જઈ વચ્ચે બધાં શાક પાથરી દેવાં.

ઉંબાડીયું બધા શાકમાં રહેલ ભેજને કારણે જ બફાઈ રહેશે.

વળી તેલ, નમક અને અજમાનું મિશ્રણ શાકનો ભેજ છોડાવવામાં મદદરૂપ પણ થાય.

ઊપર થોડી વધારે ક્લાર પાથરી દઈ માટલું બળતણ ભરેલાં ખાડામાં ઊંધું મૂકવું.

માટલાની ઊપર પણ છાણાં અને કરગઠિયા ગોઠવી દેવતા ચેતાવવો.

તાપ શરૂઆતમાં થોડો તેજ રાખી દસેક મિનિટ પછી મધ્યમ કરી લેવો.

આશરે ૪૦ મિનિટમાં ઉંબાડીયું તૈયાર થઈ જશે.

માટલું ખૂબ જ ગરમ હશે, તેથી તેને થોડું ઠરવા દેવું અને ત્યારબાદ સાવધાની પૂર્વક બહાર કાઢી,

ઉંબાડીયું મોટાં તપેલામાં લઈ ગરમ ગરમ પીરસવું

ઉપર આપેલ માહિતી જો હજુ આપને સમજાઈ ના હોય તો નીચે આપેલ વિડીયો જરૂર માણજો.

આભાર: પ્રદીપભાઈ નગદિયા (રાજકોટ)

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર વાંચેલી આ રેસીપી જો પસંદ આવી હોય તો બીજા મિત્રો સાથે શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!