શિયાળાનો સર્વશ્રેષ્ઠ ખોરાક : ઘણા રોગોને દુર કરનાર મેથીની ભાજી

ગુજરાતમાં ફુલગુલાબી શિયાળો ડોકા દે ખેતરોમાં ગૃહિણીઓ બીજા પાકની સાથે મેથીનો એક ક્યારો પણ કરી જ દે ! મેથીની ભાજીનું ચલણ ખાસ્સું વધું છે,ખાસ કરીને ગામડાંમાં તો ઘણું જ.મેથીની ભાજીનું શાક હોય એટલે બસ બીજું કાંઇ ના જોઇએ ! એનું કારણ છે કે,મેથીની ભાજી સરળતાથી ઉપલબ્ધ થતી હોય છે,ફટાફટ રંધાય જાય છે અને ગુણકારી તો છે જ !આવો જાણીએ આજે મેથીની ભાજી અને તેમના અનેક ફાયદાઓ વિશે –

પહેલાં તો એ જાણી લો કે,મેથીના પાંદડાની ભાજી અને મેથીના બીજ અર્થાત્ દાણા બંને સ્વાસ્થય માટે ખુબ જ ઉપયોગી છે.માટે બંનેનું પોષણ કરવું હિતાવહ છે.મેથીના દાણાને અમુક શાક ભેગાં નાખીને ખાઇ શકાય,અથવા બાફીને તેમનું અલગ જ શાક પણ બનાવી શકાય.ડુંગળી અને બટાટાં સાથે એની રેસિપી બહુ સારી છે.

મેથીની ભાજીના ફાયદાઓ –

શરીર માટે અનેક રીતે હિતકારી એવી મેથીની ભાજી ખોરાક તરીકે ઉપયોગમાં લેવી જોઇએ એવું આયુર્વેદિક ગ્રંથો પણ કહે છે.મેથીની ભાજી શરીરને ઘણી રીતે ફાયદાકારક છે.

હ્રદયના રોગોમાંથી મુક્તિ મેળવવા મેથીનું સેવન કરવું ખુબ ફાયદાકારક છે.શરીરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ વધી જાય તો એ રૂધિરવાહિનીઓ માટે ઘાતક સાબિત થાય છે.અને એનાથી હાર્ટ એટેકનો ભય રહે છે.કોલેસ્ટેરોલ પિત્ઝા,બર્ગર જેવા ફાસ્ટ ફુડને લીધે જ કાબુ બહાર જાય છે.આથી,અમેરિકામાં સૌથી વધારે લોકો હાર્ટ એટેકથી મૃત્યુ પામે છે ! માટે આવા ફાસ્ટ ફુડથી દુર રહેવામાં જ ભલાઇ છે.એને બદલે મેથીની ભાજી જેવા દેશી ખોરાકોનું સેવન કરવું જોઇએ.મેથી કોલેસ્ટેરોલના પ્રમાણને ઘટાડી અને હાર્ટ પર તોળાતા ભયને ઓછો કરે છે.મેથી પોતે વિજભારિત પોટેશિયમ ધરાવીને રૂધિર પરિવહનને પણ સરળ બનાવે છે.

મધુપ્રમેહ [ ડાયાબિટિસ ]ના રોગમાં મેથી લાભદાયી છે.તેની કડવાશ શરીરમાં રહેલા સુગરના પ્રમાણને ઘટાડે છે.માટે,ડાયાબિટિસના દર્દીઓ પણ તેમનું સેવન કરે છે.

મેથીની ભાજી આહારના પાચનમાં મદદરૂપ થાય છે. ગરમ તાસીરને કારણે પિત્ત, સોજો, રક્તપિત્ત, બ્લડ-પ્રેશર, ચક્કર આવવા, લોહી પડવાની તકલીફ, દૂઝતા હરસની તકલીફ હોય ત્યારે મેથીની ભાજી કે દાણાનું સેવન સંભાળીને કરવું જોઈએ. શરીરને સ્વસ્થ રાખવા માટે કડવા રસની પણ એટલી જ જરૂર હોય છે.

પોષણક્ષમ ખોરાકના અભાવને કારણે અપચો,કબજિયાત,પેટમાં ચુંક ઉપડવી,ઉલ્ટી જેવાં રોગો થાય છે.આ બધામાં પણ મેથી ખુબ જ ઉપયોગી છે.અને દરેકે આવા પ્રશ્નો ઉભા ન થાય તે માટે મેથીનું નિયમિત સેવન કરવું જોઇએ.

મેથીદાણામાં પ્રોટીન, પોટેશિયમ, આયર્ન, આલ્કોલોઇડસ, ફાયબર, નીયાસીન, અલ્બ્યુમિન, વિટામીન-સી હોવાને કારણે તે અત્યંત ઉપયોગી છે. તેમાં ફોલીક એસિડ, મેગેશિયમ, સોડીયમ, ઝીંક કોપર વગેરે પદાર્થો હોય છે. તેમ જ તેમાં પ્રોટીનની માત્રા વધારે હોય છે.

મેથી શરીરની આંતરિક સંદરતાને બરકરાક રાખે છે એટલું જ નહિ,બાહ્ય સુંદરતાને પણ દિપાવી શકે છે ! મેથીના પાન અને હળદરની પેસ્ટ બનાવીને ત્વચા પર લગાડવાથી ત્વચા ચમકી ઉઠે છે અને ખીલ,ફોલ્લી જેવા ડાઘ દુર થાય છે.આ ઉપરાંત વાળ માથે પણ મેથીની પેસ્ટ ખુબ લાભદાયી છે.વાળને ચમકતા,કાળા,લાંબા અને મજબુત બનાવવા માટે મેથીની ભાજીની પેસ્ટ ખુબ ગુણકારી છે.

મેથીની ભાજી બનાવવાની રેસિપી –

જો અત્યંત ગુણદાયી રેસિપી જોતી હોય તો જાઓ ખેતરમાં અને મેથીના કુણા પાંદડાં સીધા મોંમા પધરાવવા માંડો ! હાં,મેથીને એકલી ખાવી અત્યંત ગુણદાયી છે.આ ઉપરાંત મેથીની ભાજીને માત્ર ગરમ પાણીમાં બાફીને ખાવાનો રીવાજ કાઠિયાવાડના પ્રાંતોમાં અત્યંત પ્રચલિત છે.મેથીની આ ઉકાળેલી ભાજી અને ટાઢો રોટલો ! અનેક વાનગીઓને ઠોકર મારે તેવું ભોજન ! આજે તો એ રીત અદશ્ય થતી જાય છે પણ હમણાં સુધી – મેથીની બાફેલી ભાજીમાં ટાઢો રોટલો ચોળીને ખવાતો.એના જેવી મજા બીજી કોઇ નહોતી.એટલે સુધી કે,લોકો બસ આટલું મળી જાય તો વિવાહના જમણવારને બાજુએ મુકી દેતાં !

આ ઉપરાંત,મેથીની ભાજીનું વઘારીને શાક બનાવવાની પ્રથા પણ છે.અને ખાસ તો ચણાના લોટ સાથેનું શાક પણ પ્રચલિત છે.જે ખરેખર સ્વાદિષ્ટ હોય છે.બીજી અનેક રીતે મેથીનો ઉપયોગ કરી શકાય.ઉપરની બતાવેલી રીતો સૌથી સરળ અને સૌથી પોષણસક્ષ છે.કારણ કે,મેથીની ભાજી જ એવી હિતકારી છે કે એમાં વધુ કાંઇ કરવાની જરૂર રહેતી નથી.અને બીજા મસાલા ભેળવવા જાઓ તો સ્વાદ આવે,પણ ગુણ જતાં રહે !

આમ,શિયાળામાં અનેક રીતે હિતકારી અને શરીરની બિમારીઓ માટેના રામબાણ ઇલાજ જેવી મેથીનું સેવન શિયાળામાં બની શકે તો નિયમિત કરવું.ઘણા પ્રોબ્લેમ દુર થઇ જશે એની ખાતરી સાથે ! મેથી ખરેખર હિતકારી જ એવી છે…

રેસીપી મોકલનાર – Kaushal Barad

Leave a Reply

error: Content is protected !!