તો આ પ્રયોગ કરવા જેવો છે – દરેક વડીલ મિત્રો ને એક વડીલની પ્રેક્ટિકલ સલાહ

તમે અમદાવાદ/ વડોદરા / રાજકોટ કે સૂરતમાં વસો છો ?
૫૫ / ૫૭ વરસના છો ?
સારી નોકરી કરો છો ?
જીંદગી નિયમિતતાના પાટા પર છે ? મનમાં એનાં આનંદ , સંતોષ ને ગૌરવ છે ?

તો તમારે આ પ્રયોગ કરવા જેવો છે.

એક વાર તમારા નગરના કોફી હાઉસમાં જઇને આરામથી બેસો. મૂંઝાશો નહીં . આ નવી વ્યવસ્થામાં કોઇ તમને તમારી ઇચ્છા વગર ઉઠાડશે નહીં. એકાદ રેગ્યુલર કોફી મંગાવીને બેસો. હા, ટેવવશ એના ભાવ સામે ન જોતાં. કદાચ ઘેર પંદર દિવસ ચાલે એટલાની ય હોય , પણ આ પ્રયોગ અમૂલ્ય છે એટલે એના મૂલ્ય સામે ન જોતાં.

આ કોફી હાઉસમાં ત્રણ ચાર કલાક એક કોફી પર ગાળો. વાસ્તવમાં જે સમાજમાં તમારાં સંતાનો જીવે છે અને તમે જેનાથી અજ્ઞાત છો એનો પરિચય મળશે. આ એવા સમાજનો sample study છે જે હાલમાં તમે જે સમાજમાં જીવો છો એને સમાંતરે જ અસ્તિત્વમાં છે. તમને એની જાણ જ નથી એટલે તમને એની નવાઇ લાગે છે. બાકી તો અહીં આવતાં સહુએ એને અપનાવી લીધો છેને પોતે એના ભાગ હોવાનું અનુભવવામાં આનંદ માને છે.

અહીં નાના બાળકો યુવાન મમ્મીઓની આંગળીએ આવે છે . એમને પણ આ menu card ની ઓળખ છે. અહીં બાળકોને ઘેર મૂકીને kitty party કરવા આવતી આધેડ ઉંમરની મહિલાઓ છે જેમણે વધતી વયને રોકી છે અથવા તો એ પ્રયત્નમાં મળેલી હારને સ્વીકારી નથી. તો વળી એથી ય મોટી વયની સ્ત્રીઓ પણ આવે છે જે વય સાથેની લડાઇમાં પડતી જ નથી.

અહીં સ્વાભાવિક જ જે કિશોરવય જોવા મળે છે એ uniform બદલીને આવ્યાં છે. ઘેરથી સ્કુલબેગમાં લાવેલા રંગીન કપડાં, બદલવાના સ્થળે પૈસા ચૂકવીને બદલીને આવ્યાં છે.

અહીં જે યૌવન છલકે છે , જે અહીંના વાતાવરણને ભરપૂર આનંદે છે એ યુવક યુવતીઓને જોવા તમારે અહીં જ આવવું પડે. એમનું વૈવિધ્ય જોતાં એને વર્ણવવું શક્ય નથી. એમની પ્રવૃત્તિનો વ્યાપ વાચન , શ્રવણ , computer પર સતત કામ , સિગરેટ, વાતો, હાસ્ય, રુદન , tissue paper થી આંસુ લૂછવા સુધીનો હોય છે. ને આ બધું જ યુવક ને યુવતી બંને કરે છે.

જે કોફીનો ભાવ વાંચીને તમે મૂંઝાયા હતા એ જ કોફી મંગાવતા આ સહુ soldiery પણ કરે છે ને impress કરવા ખેંચાય પણ છે.

જૂદી જૂદી વયની બાળાઓ, કિશોરીઓ, યુવતીઓ, મહિલાઓ , સ્ત્રીઓ ( ને એ વયજૂથના બાળકો, કિશોરો, યુવાનો અને પુરુષો ) નાં કેશકલાપ ને વસ્ત્રપરિધાન ને પગરખાં પણ ધ્યાન ખેંચે તેવાં હોય છે. તદ્ન બેપરવાથી માંડીને સુસજ્જ . From rags to casual to formal to corporate look ની range ! એ ઉપરાંતનાં રંગરોગાન ને લટકણિયાં તો જૂદાં.

આ બધું જ તમે જે સમયમાં , જે સમાજમાં , જે શ્હેરમાં નાકની દાંડીએ જીવ્યે જાવ છો એમાં જ તમારાથી અજાણ્યું સમાંતરે ધબકે છે , સાવ સાચ્ચેસાચ્ચું .

તમને થશે કે એમાં અમારે શું ?

જે ગામ જવું નહીં એનું નામ શું લેવું ? સાચી વાત છે. પણ તમે સ્હેજ શાંત મને વિચારો કે આમાંની જ કોઇ ઉંમરનાં તમારાં જ સંતાનો , પ્રિયજનો આ જ શ્હેરમાં જીવે છે ! કદાચ એમણે હજી આ સ્વાદ ચાખ્યો નથી પણ એની સુગંધ તો એમના સુધી પહોંચી જ છે. આ હવામાં જ એ ઉછરી રહ્યા છે. આજે જે નથી માણ્યું એનો અભાવ અંદર ક્યાંક ઉછરતો ય હોય . પોસાતું નથી એ પસંદ પણ નથી એવો ભ્રમ ન રાખવો.

આ વિચારીને તમારે અજંપ નથી થવાનું . ચિંતિત પણ નથી થવાનું. તમારે માત્ર આ વતાવરણથી અવગત રહેવાનું છે.એ છે એને સ્વીકારવાનું છે.

કોફીમાં ઓગાળીને આ કડવી સચ્ચાઇનો ઘૂંટ ભરી લ્યો,બસ. કાલે કદાચ

આ જીવનશૈલીની અસરનો સામનો કરવાનો આવે તો આંચકો ન લાગે.

– તુષાર શુક્લ

Leave a Reply

error: Content is protected !!