શિયાળામાં ગરમાગરમ, તેલ કે કોઇપણ સુકા મસાલા વગરનું વરાળિયુ (શાકનો ધુંટો)

શિયાળાની ઋતુ એટલે તંદુરસ્તી જાળવવાની ઋતુ. લોકો તંદુરસ્તી જાળવવા અનેક પ્રકારના નુસખા અજમાવે છે. વહેલી સવારે ઉઠીને ચાલવા નિકળી પડે છે. હળવી કસરતો કરીને તન-મનને સ્ફૂર્તિલું બનાવે છે. શિયાળામાં લીલાછમ્મ અને તાજા શાકભાજીનો સ્વાદ સૌ કોઇ માણતા હોય છે. તેમજ અનેક પ્રકારના વ્યંજનોનો આહાર કરતા હોય છે. સુસવાટા મારતી અને શીતગાર સંધ્યાએ અસલ કાઠિયાવાડી સુપ તરીકે ઓળખાતા વરાળિયા શાકના પ્રોગ્રામોએ લોકોમાં જોર પકડ્યું છે. કાતિલ ઠંડી શરૂ થતાની સાથે જ ગોંડલ પંથકમાં નાના માણસથી માંડીને મોટા ઉદ્યોગપતિઓ વાડી કે ફાર્મહાઉસોમાં વરાળિયા શાકની પાર્ટીઓ કરી રહ્યા છે.

વરાળિયા શાકની ખૂબી એ છે કે, તેમાં તેલ કે કોઇપણ સુકા મસાલાનો ઉપયોગ કરવામાં આવતો નથી. માત્ર ભાજી અને લીલા શાકભાજીથી ભરપૂર બનતું આ આરોગ્યવર્ધક વરાળિયું એક વખત પીવાથી તેનો સ્વાદ ડાઢે વળગી જાય છે. અને વારંવાર પીવાનું મન થાય છે. વરાળિયા શાકના પ્રોગ્રામો કાઠિયાવાડ પંથકમાં વધારે થઇ રહ્યા છે. વાડી કે ફાર્મહાઉસમાં મિત્રવર્તુળમાં પ્રોગ્રામો થઇ રહ્યા છે.

ફેસબૂક પર ઘણા મિત્રોએ મારી પાસે વરાળીયાની રેસિપી માંગેલ હતી. અહી આપ સૌની સાથે મારી એ પ્રિય વાનગીની બે વાત આપની સાથે શેર કરવાનું મન થાય છે.

શિયાળાની ટાઢમાં લીલાં શાકભાજી પૂષ્કળ પ્રમાણમાં આવતાં  હોય છે. વરાળીયું એ તમામ લીલા શાકભાજીના વપરાશથી બનતી નેચરલ વાનગી છે. તે બનાવવા માટે એક પણ ટીપું તેલ નથી વપરાતું કે નથી એમાં નમકને બાદ કરતા એક પણ ચપટી સૂકો મસાલો વપરાતો. વરાળીયું આમ જોઈતા એક જાતનું ઘાટું સૂપ પણ કહી શકાય. સાથે તમામ લીલા મસાલાથી બનતી ચટણી વરાળીયામાં ટેસ્ટમેકર તરીકે પણ વપરાય છે અને છૂટી પણ ખાવામાં આવે છે. વરાળીયું જુવાર-બાજરી-મકાઈના લીલા લસણ અને જરા કોથમરી નાંખેલા રોટલા, સાદા રોટલા કે પછી ગરમાગરમ ભાખરી સાથે ખાઈ શકાય છે. સાથે સલાડમાં લીલી ડુંગરી, મોગરી, શેકેલા મરચાં અને એક્મ્પનીમેન્ટમાં પાપડ, ચટણી, ગોળ, માખણ, છાશ વગેરે લઈ શકાય. વરાળીયું એ રાજકોટ જીલ્લાના ગોંડલ પંથકમાં વાડી ખેતરોમાં યોજાતા કાર્યક્રમોમાં બનતી વાનગી છે. ધ્રોલ-જોડિયા તરફ આ જ પ્રકાર ની એક વાનગી બને છે. ધુટો જો કે ધૂટામાં શાકની સાથે કઠોળ અને તમામ પ્રકારના દળવાળા ફૂટ પણ વપરાય છે. અને હા, તેમાં સૂકા મસાલાઓ પણ ઉમેરાયમાં આવે છે. જો કે તેમાં પણ ઘી-તેલનો વપરાશ થતો નથી, મતલબ કે તેને પણ વધારવામાં આવતો નથી. અને તેને બનાવવાની રીત પણ થોડી અલગ હોય છે. મને તો તે પણ બનાવતાં આવડે જ છે, પણ એની વાત ફરી ક્યારેક.

રાજકોટમાં અમારા માલવીયા કૉલેજના વોકીગ ગ્રુપમાં અમે દર શિયાળામાં પરિવાર મિલનના કાર્યક્રમમાં આ વરાળીયાની મઝા માણતા હોઈએ છીએ. સમગ્ર ગ્રુપના તમામ સભ્યો, બહેનો-દિકરીઓ, ભાભીઓ, મહેમાનો વગેરે સૌ સાથે મળીને એય ને ગપાટા હાંકતા જાય, મજા માણતા જાય અને શાકભાજી સમારી સૌ સાથે આનંદપૂર્વક સમય સાથે વિતાવતા હોઈએ છીએ. સાંજના ત્રણેક વાગે આદરેલી તેયારીઓને અંતે લગભગ આઠ-સાડા આઠ વાગતા વરાળીયું તેયાર થઈ રહે છે. મિત્રો, અત્યારની આપણા સૌની વ્યસ્ત જીદગીમાં એક સાથે સૌ પરિવાર બેસીને પાંચ થી છ કલાક હસી મજાક કરી શકીએ એવી તક એ આ વરાળીયાના પ્રોગ્રામની ખાસ ઉપલબ્ધી બની રહે છે.

વરાળીયાનો અસલી ટેસ્ટ મેળવવા માટે અમે તેને ઈંટનો મંગાળો કરી, બળતણમાં લાકડાનો ઊપયોગ કરીએ છીએ. જાડા તપેલામાં એક જ વખત જરૂર મુજબનું પાણી લઈ તેમાં વારાફરતી શાક ઉમેરતાં જઈ ધીમા તાપે પોતાની જ વરાળથી બનતું જતું વરાળીયું બનતા લગભગ અઢી થી ત્રણેક કલાક જેવો સમય લાગતો હોય એક જાતનું ‘સ્લોફૂડ’ કહી શકાય !

આવો આપ સૌને જ મસ્ત વાનગીની રીત બતાવું

ચટણી બનાવવા માટે

કોથમરી-૨૦૦ ગ્રામ, ફોદીનો ૫૦, આદુ ૫૦, લીલી હળદર અને આંબા હળદર ૫૦, લીલા મરચાં ૧૦૦, લાલ(સૂકા નહી,લીલા) મરચાં ૧૦૦, ૩ લીબુંનો રસ, લીલું લસણ ૫૦, સૂકું લસણ ૨૫, ગોળ ૧૦૦, શીગદાણા ૧૦૦.

આ બધી સામગ્રીને ખાંડણીમાં વાટી ચટણી બનાવવી. જો તેટલી મહેનત ન કરવી હોય તો મિક્સરમાં પણ બનાવી શકાય. ખાંળણીમાં વાટીને બનાવેલી ચટણીનો સ્વાદ અદભુત આવશે. આ ચટણીનો મોટો ભાગ વરાળીયામાં ટેસ્ટમેકર તરીકે વપરાશે. તથા બાકીની ચટણી જમવામાં પણ લઈ શકાશે. તીખાશ અને તમારા ટેસ્ટ પ્રમાણે મસાલામાં વધઘટ કરી શકાય. ગળપણ માટે ડબાનો દેશી ગોળ વધારે સારો રહેશે, અથવા ઓંગેનીક ગોળ વાપરી શકાય.

વરાળીયા માટે

અડદની ૨૫૦ગ્રામ. જે વરાળીયાને ઘાટુ બનાવવા માટે મદદ કરશે. બે-ત્રણ કલાક પલાળવી.

બધાં જ પ્રકારના કંદ : બટેટા ૪ નંગ, ગાજર ૧૫૦, સૂરણ ૧૦૦, બીટ ૧ મોટું, શક્કરીયા ૧૦૦, બધા જ કંદને છાલ ઉતારી લઈ એકસરખી સાઈઝમાં સમારી લેવા.

દાણા : લીલાચણા ૧૫૦, લીલાવટાણા ૨૦૦, લીલીતુવેર ૨૦૦, લીલાવાલ ૧૦૦, ચોળાના બી ૧૦૦.

શીગ : ચોળી ૧૦૦, ગુવાર ૧૦૦, વાલોડ ૧૦૦, પાપડી ૧૦૦, એક સરખું સમારેલું.

શાક : નાના ગુલાબી રીગણા ૧૫૦, ટીડોળા ૧૦૦, દુધી ૧૦૦, ગલકા ૧૦૦, તુરીયા ૧૦૦, એક સરખું સમારી લેવું.

પતેદાર શાક : કોબી ૧૫૦, ફ્લાવર ૧૦૦.

ભાજી : પાલક ૧૦૦, તાજીયાની ભાજી ૧૦૦, મેથીની ભાજી ૧૦૦, બધી જ ભાજીને સમારી લેવી.

લીલો મસાલો : કોથમરી ૧૦૦, લીલું લસણ ૧૫૦, લીલી ડુંગરી ૧૫૦, સૂકી ડુંગરી ૧૫૦. બધું જીણું સમારી લેવું.

ઉપરાંત દેશી ટમેટાં ૨૦૦ગ્રામ. જીણા સમારેલા.

બનાવવા ની રીત :

સૌ પ્રથમ બે બે ઈટોના ત્રણ મૂકી મંગાડો કરવો. (કામચલાઉ ચૂલો, કે જેના પર તપેલું મૂકી શકાય.) લોઢાનો તેયાર ચૂલો પણ વાપરી શકાય. તેમાં નીચે બળતણનાં લાકડા(મગબાફણા) અને છાણા મૂકી તેને પેટાવવા. તેના પર જાડું તપેલું મૂકી તેમાં આશરે પાંચ લીટર પાણી લેવું. આ પાણી ગરમ થાય ત્યારે તેમાં પલાળેલી અડદની દાળ ઓરવી. આશરે ૧૦ મિનીટ પછી એક ઝારાની મદદથી પાણી ઉપર આવેલી દાળની આછને કાઢી લેવી. મિત્રો, એક વાતનો ખાસ ખ્યાલ રાખજો કે વરાળીયામાં પાણી શરૂવાતમાં લીધું તે જ. પછીથી તેમાં જરા પણ પાણી ઉમેરશો નહી, નહિતર તેના સ્વાદમાં અસલી ટેસ્ટ નહી આવે. થોડું વધારે પાણી હશે તો તેને થોડું વધારે સમય ઉકાળીને ઘાટુ કરી જ શકાશે. અને સમગ્ર પ્રક્રિયા દરમ્યાન તપેલા પર કિનારી વાળું છીબુ ઢાંકી રાખવું. આ છીબામાં પાણી રેડી રાખવું. આમ પોતાની જ વરાળથી જ ધીરે ધીરે પાકતા જતા શાકોને જ વરાળીયું કહેવાય. વરાળથી બન્યું એટલે વરાળીયું!!!

વરાળીયુ કઈ રીતે બને એનો વિડીયો :

શાક આપને ત્યાં મળતા હોય તે જ વાપરવા. કદાચ કોઈ એકાદ-બે શાકની વધઘટ હોય તો પણ ચાલે. હા, ભીંડા અને સરગવાનો વપરાશ કરવો નહી. સરગવાના છોતરાં મો માં આવે અને ભીંડો ચીકાશ કરે એટલે તેનો વપરાશ ટાળીએ છીએ.

ગરમ પાણીના તપેલામાં સૌ પ્રથમ બધાં જ પ્રકારના કંદ ઉમેરવા. આ બધાં કંદને ચઢવામાં વધારે સમય લાગતો હોવાથી તે પહેલાં ઉમેરવામાં આવે છે. આશરે પંદર મિનીટ ચઢવા દઈ પછી તેમાં શીગ ના શાકો ઉમેરવા. દરેક જાતના શાકો પહેલેથી જ સમારી રાખેલા હોઈ માત્ર ઉમેરતાં જવાના જ રહે છે. વચ્ચે વચ્ચે તપેલાનું ઢાકંણ ખોલી શાકને મોટા હાથાવાળા તાવીથાની મદદથી હલાવતા રહેવા. પાણી ઉમેરવાનું નહી જ. શીગો ચઢવા આવે ત્યારે તેમાં બધા દાણા ઉમેરવા. બીજી પંદરેક મિનીટ રહીને તેમાં દળવાળા શાકો ઉમેરવા. વરાળીયાને તાવિયાની મદદથી હલાવતા રહેવું. હવે તેમાં કોબી અને ફ્લાવર ઉમેરવા. તે ચઢવા આવે એટલે તેમાં ભાજીઓ ઉમેરવી. સાથે જ લીલા મસાલાની તમામ સામગ્રી પણ ઉમેરી દઈ શકાય. વરાળનો મહતમ વપરાશ થઈ રહે તે માટે તપેલા પરના ઢાકણમાં જરૂર પ્રમાણે પાણી પણ ઉમેરતાં જવું અને વરાળીયાને તાવીયા વડે હલાવતા રહેવું કે જેથી તે તળીયે બેસી ન જાય. રસોઈ બનાવતા સમયે બળતણનો તાપ મધ્યમ રહે તેનું ખાસ દયાન રાખવું. તાપ બહુ વધારે હશે તો શાક બેસવા માંડશે અને સાવ ધીમો હશે તો બનતા વધારે સમય લાગશે.

આપે એ નોધ્યું જ હશે કે આપણે હજુ સૂધી મીઠું એટલે કે નમક નાખેલું નથી. ભાજી વગેરે આશરે દસેક મિનીટમાં ચઢવા આવે ત્યારે છેલ્લે તેમાં ટમેટાં ઉમેરી મીઠું નાખવું. ટમેટા નાખતાં બીજા શાકો ચઢવાના બંધ થઈ જાય છે માટે તે છેલ્લે ઉમેરવા. તેમાં સ્વાદકારક ચટણી ઉમેરવી. ચટણીનું પ્રમાણ તમારા ટેસ્ટ મુજબ રાખી શકાય. સાથે નમક ઉમેરી દો. આશરે દસેક મિનીટમાં બધાં જ શાકો બરાબર ચઢી જશે. આ તકે શાકમાં બ્લેન્ડર ફેરવી શાકને સાવ એકરસ ન કરી દેતાં થોડું આખાભાગું રહેવા દેવું.

તેયાર છે આપનું વરાળીયું.

મિત્રો ખૂબ લાંબી રેસિપી છે. બનાવવામાં મેહનત પણ ઘણી જ છે. પરંતુ આ મહેનતનું ફળ આપને અપ્રતિમ મળશે એવો મારો વિશ્વાસ છે. આપે ખૂબ મહેનત કરી છે. હવે તો બસ ડીશલો, બાઉલ ભરો, રોટલા લો, ચટણી લો, સલાડ લો અને તૂટી પડો.

રેસીપી મોકલનાર – પ્રદીપભાઈ નગદિયા (રાજકોટ)

નોંધ: આ રેસીપી પરવાનગી વગર કોપી-પેસ્ટ કરવી નહિ

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!