વિજેતાઓ કોઇ જુદુ કામ નથી કરતા, એ કામને જુદી રીતે કરે છે – સુંદર બોધકથા

એક જાહેર રસ્તા પર એક અંધ માણસ મદદ માંગવા માટે બેઠો હતો. આ રસ્તા પરથી અનેક લોકો પસાર થતા હતા આથી એ માણસને વધુ મદદ મળશે એવી અપેક્ષા હતી. એક સામાન્ય પાથરણું પાથરીને બાજુમાં એક ખાલી વાસણ રાખેલુ જેથી લોકો મદદ માટેની રકમ એ વાસણમાં મુકી શકે. મદદ માટે એમણે એક બોર્ડ લખીને બાજુમાં મુકેલુ. બોર્ડમાં લખ્યુ હતુ ” હું અંધ છું. મને મદદ કરો. ”

સવારથી સાંજ પડવા આવી પણ એમના વાસણમાં માંડ માંડ થોડા લોકોએ મદદ માટે રકમ નાંખી હતી. એક માણસે ત્યાં આવીને બોર્ડ વાંચ્યુ. એણે અંધ માણસને કહ્યુ , ” ભાઇ બોર્ડમાં તે લખેલું લખાણ બરાબર નથી તારી મંજૂરી હોય તો હું એ સુધારી આપુ ? ” અંધ માણસે આ માટે અનુમતિ આપતા જ પેલા સજ્જને બોર્ડનું લખાણ બદલાવીને એ બોર્ડ ફરીથી એ જગ્યા પર મુકી દીધુ અને થોડી રકમ વાસણમાં મુકીને જતા રહ્યા.

પોતે લખેલા લખાણની કેવી અસર છે એ જોવા માટે થોડા સમય પછી પેલા સજ્જન પાછા આવ્યા. સવારથી જે વાસણમાં માત્ર થોડી રકમ ભેગી થયેલી એ વાસણ આખે આખુ ભરાઇ ગયુ હતુ. અંધ માણસ પણ બોર્ડ બદલાવનાર સજ્જનના પગનો અવાજ ઓળખી ગયો.

એમણે પેલા સજ્જનને પુછ્યુ , ” તમે એવું તે શું લખાણ લખ્યુ કે લોકો આટલી બધી મદદ કરવા લાગ્યા ? ”
બોર્ડ બદલનાર સજ્જને કહ્યુ , ” ભાઇ , મેં તો જે સત્ય હતુ તે જ કહ્યુ છે. બોર્ડમાં તે જે લખેલુ હતુ મેં પણ એ જ લખેલુ હતુ બસ જરા લખવાની રીત બદલી હતી. મેં તારા લખાણને છેકીને ત્યાં નવુ લખાણ લખ્યુ ‘ આજે કેટલો સરસ દિવસ છે પણ હું આપની જેમ એ જોઇ શકતો નથી.’ તારા અને મારા લખાણની અસરો બદલાઇ ગઇ ”

મિત્રો , વાત એક જ હોય પણ જો કહેવાની રીત બદલાઇ તો એનો અર્થ પણ બદલાઇ જાય અને અસર પણ બદલાઇ જાય ! શિવખેરા કહે છે , ” વિજેતાઓ કોઇ જુદુ કામ નથી કરતા, એ કામને જુદી રીતે કરે છે. “

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ સુંદર વાર્તા જો તમને ગમી હોય તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરો.

Leave a Reply

error: Content is protected !!