બોલીવુડના ચાર્મિંગ બોય શશી કપુરે 79 વર્ષની ઉંમરે વિદાય લીધી – ફોટો સફર માણો

જાણીતા ફિલ્મ અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક શશી કપૂરનું અવસાન થયું છે. તેઓ 79 વર્ષના હતા. થોડા સમયથી તેઓ બિમાર હતા.

4 ડિસેમ્બરનાં રોજ મુંબઈની કોકિલાબહેન હોસ્પિટલમાં સોમવારે સાંજે પાંચ વાગીને 20 મિનિટે તેમનું અવસાન થયું હતું.

તેમણે હિંદી અને અંગ્રેજી ફિલ્મોમાં કામ કર્યું હતું. જોકે, શશી કપૂર ફિલ્મ ઉદ્યોગમાં લાંબા સમય સુધી સક્રિય રહ્યા ન હતા. પરંતુ જબ જબ ફૂલ ખિલે, વક્ત, અભિનેત્રી, સત્યમ શિવમ સુંદરમ, દીવાર, ત્રિશૂલ, હસીના માન જાયેગી જેવી ફિલ્મોને આજે પણ યાદ કરવામાં આવે છે. નેશનલ એવોર્ડ મેળવનાર શ્રી શશી કપૂરે 160 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું.

નિર્માતા તરીકે શશી કપૂરે બોલવુડની કેટલીક શ્રેષ્ઠ ફિલ્મોનું નિર્માણ કર્યુ હતુ. તેમાં ઝુનૂન, કલિયુગ, 36 ચૌરંગી લેન, વિજેતા, ઉત્સવ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

18 માર્ચ, 1938 ના રોજ કોલકાતામાં શશી કપૂરનો જન્મ થયો હતો. તેમનુ અસલી નામ બલબીરરાજ કપૂર હતુ. એક જમાનાના નંબર વન એવા કપૂર પરિવારના તેઓ શાહજાદા હતા. શશી કપૂર, શ્રી રાજ કપૂર અને શમ્મી કપૂરના નાના ભાઈ હતાં. તેમનાં પત્ની શ્રીમતી જેનીફર રંગમંચના વિખ્યાત અભિનેત્રી હતાં. શશી કપૂરનાં ત્રણ બાળકો કરણ, કુનાલ અને પુત્રી સંજના છે.

ચાર વર્ષની ઉંમરથી શશી પિતાજીના નાટકોમાં કામ કરતા. ફિલ્મ ‘ધર્મપુત્ર’ (1961)થી શશી કપૂર હીરો રૂપે દેખાયા હતાં. સાંઈઠ અને સિત્તેરના દાયકામાંથી માંડી 80 ના દાયકાની મધ્ય સુધી શશી કપૂર ખુબ લોકપ્રિય હતા. તેમણે ‘ધ હાઉસહોલ્ડર’, ‘શેક્સપિયરવાલા’, ‘બોમ્બે ટોકી’, ‘હીટ એન્ડ રન’, ‘પ્રેટી પોલી’ જેવી અંગ્રેજી ફિલ્મો પણ કરી હતી. આવી આંતરરાષ્ટ્રીય ફિલ્મો કરનારા દેશના પહેલાં કલાકારોમાંના શશી હતા.

શશી કપૂર, ડોન બોસ્કો હાઈસ્કૂલ, માટુંગામાં ભણ્યા હતાં. અંગ્રેજ અભિનેત્રી જેનીફર કેન્ડલને કોલકાતામાં 1956માં નાટક દરમિયાન મળ્યાં. શશી ત્યારે પૃથ્વી થિયેટરના સ્ટેજ મેનેજર અને અભિનેતા હતા. જેનીફર તેમના પિતા જયોફરી કેન્ડલના ડ્રામા ગ્રુપમાં હતાં. તેઓ પ્રેમમાં પડી ગયાં. જેનીફરના પિતાએ શરૂઆતમાં વિરોધ કર્યો હતો તો શશીના ભાભી ગીતા બાલીએ તેમને સહાય કરી હતી. તેઓ જુલાઈ, 1958માં લગ્નગ્રંથી થી જોડાયાં. મર્ચન્ટ આઇવરી પ્રોડક્શનની ઘણી ફિલ્મો તેમણે સાથે કરી. તે બંનેએ મળીને મુંબઈમાં જુહુ પર 5 નવેમ્બર, 1978ના રોજ પૃથ્વી થિયેટર શરૂ કર્યું, જે આજે દેશનું મહાન નાટ્ય તીર્થ બન્યું છે. 1984 માં જેનીફરનું કેન્સરથી નિધન થયું અને શશીજી ભાંગી પડ્યા હતાં.

સિને જગતમાં આપેલ યોગદાન બદલ 2011માં શશી કપૂરને પદ્મભૂષણથી અને તે પહેલાં 2015 માં સિનેમાના સર્વોચ્ચ એવા દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાયા હતા. પિતા પૃથ્વીરાજ અને ભાઈ રાજ કપૂર બાદ આ સર્વોચ્ચ સન્માન પામનારા કપૂર પરિવારના તેઓ ત્રીજા કપૂર છે.

આજે પણ શશી કપૂરનો આ ડાયલોગ ઘરે-ઘરે જાણીતો છે : ‘મેરે પાસ મા હૈ’ (દીવાર)

શશી કપૂરના કેટલાંક યાદગાર ગીતો:
– દિન હૈ બહાર કે (વક્ત)
– પરદેસીઓ સે ના અખિયાં મિલાના
– બેખુદી મેં સનમ (હસીના માન જાયેગી)
– લીખે જો ખત તુઝે (કન્યાદાન)
– તુમ બિન જાઉં કહાં (પ્યાર કા મોસમ)
– વાદા કરો નહીં છોડોગે (આ ગલે લગ જા)
– બાહો મેં તેરી મસ્તી કે ઘેરે (કાલા પથ્થર)
– યમ્મા યમ્મા (શાન)

ઘણી હીરોઇનો શ્રી શશી કપૂરની સ્માઈલની દિવાની હતી. સ્મિત અને જોરદાર અભિનયથી હંમેશા લોકોના હ્ર્દય જીતનાર શ્રી શશી કપૂરને હ્રદયના ઉંડાણથી શ્રદ્ધાંજલી અર્પણ કરીએ…ઈશ્વર એમની આત્માને શાંતી આપે એ જ પ્રાર્થના..ૐ શાંતી..

સંકલન – ઈલ્યાસભાઈ

Leave a Reply

error: Content is protected !!