રાજ અને વૈદ્યરાજ ગરવા ગુજરાતી ઝંડુ ભટ્ટજી વિશેની આ વાતો જરૂર વાંચવી ગમશે

(નિયંતા પાસે હું અષ્ટસિધ્ધિવાળી પરમ ગતિની કામના કરતો નથી. મારી માત્ર એક જ કામના છે કે પ્રાણીમાત્રના હૃદયમાં હું વાસ કરું ને તેના દુઃખમાં સહભાગી થાઉં, જેથી કોઇ જીવને કદી દુઃખ ન રહે.- શ્રીમદ્ ભાગવત,9-21,12) ભારતીય સંસ્કૃતિમાં આયુર્વેદને વેદનો દરજ્જો મળેલો છે.આયુર્વેદે મહત્વનું પ્રદાન કર્યું છે.

આવી ઉચ્ચ ભાવનાથી પોતાનું સમગ્ર જીવન જીવી જાણનાર ઝંડુ ભટ્ટજીનો જન્મ જામનગરમાં પ્રશ્નોરા જ્ઞાતિમાં વૈદ્ય વિટ્ઠલ ભટંને ત્યાં થયો હતો.તેમનું મૂળ નામ તો હતું કરુણાશંકર. પરંતુ બાળપણમાં એમને માથે વાળનો મોટો એવો ઝુંડ જેવો જથ્થો હતો.તેથી એમનાં માતા એમને ઝંડુ કહેતાં-અને તેથી ઝંડુ એમનું હુલામણું નામ બની ગયું.એટલું જ નહિ , પણ પછીના જીવનમાં વર્ષો દરમ્યાન તેઓ ઝંડુ ભટ્ટજી તરીકે જ ઓળખાયા.બચપણથી જ ઝંડુ ભટ્ટજીમાં ધારણાશક્તિ અને જિજ્ઞાસાવૃત્તિ તીવ્ર હતાં. તેને કારણે તેઓ પોતાના વૈદક ઉપરાંત અન્ય જ્ઞાનની શાખાઓમાં પણ પારંગત હતા. તેમનાં જ્ઞાન અને અનુભવનું પ્રયોજન આયુર્વેદ-વિજ્ઞાનનો ઉત્કર્ષ સાધી અને તે દ્વારા રોગીને સાજો કરી, પ્રજામાં સ્વાસ્થ્ય નિર્માણ કરવાનું હતું. ઝંડુ ભટ્ટજીના પિતાજી વિટ્ઠલ ભટ્ટ વૈદ્ય તો હતા જ પણ એ ઉપરાંત તેઓ કવિ અને કથાકાર પણ હતા. એમણે ભાગવત કવિતામાં ઉતાર્યું હતું. લોકોમાં તેમની ઊંચીપ્રતિષ્ઠા હતી. તેમની પ્રામાણિકતાથી તે સમયના રાજવી જામસાહેબ તેમના પર ખૂબ પ્રસન્ન હતા. ઝંડુ ભટ્ટનાં માતાનું નામ સૂરજકુંવર હતું. ઝંડુ ભટ્ટ વ્યાકરણશાસ્ત્રી મહાધર ભટ્ટ પાસે સંસ્કૃત શીખ્યા અને પિતા પાસે તેમણે આયુર્વેદનો અભ્યાસ કર્યો. વન્ય ઔષધિને કેમ ઓળખવી અને ઔષધ કેમ બનાવવાં તે એમને પિતાએ શીખવ્યું હતું. આયુર્વેદના મુખ્ય ગ્રંથોનો એમણે અભ્યાસ કર્યો હતો. પણ એથી વધુ તો એમણે વગડામાં ફરીને જ્ઞાન મેળવ્યું હતું.

વિઠ્ઠલ ભટ્ટ જામનગરના રાજવૈદ હતા. એમને સાઠ કોરીનો પગાર મળતો હતો. (રૂપાનો સિક્કો –કોરી-ચાર કોરીનો એક રૂપિયો થાય).ઝંડુ ભટ્ટ સોળ વર્ષના થયા ત્યારે એમના પિતાશ્રીએ જામસાહેબ સાથે એમનો પરિચય કરાવેલો.જામસાહેબે એમને પણ માસિક પચીસ કોરીનો પગાર નક્કી કર્યો અને તેમને રાજવૈદ્ય તરીકે નીમવામાં આવ્યા. જામ રણમલના અવસાન બાદ જામ વિભાજી ગાદી પર આવ્યા.

વિભા જામ પ્રજાના આરોગ્યના પ્રશ્નોમાં સારો રસ લેતા.પ્રજાને શુધ્ધ ઔષધ મળે એ હેતુથી એમણે એક ઔષધાશ્રમ સ્થાપવા ઝંડુ ભટ્ટને સૂચના આપી. ઝંડુ ભટ્ટે પોતાના ભાઇ મણિશંકરનો સાથ મેળવીને રસશાળા ઔષધાશ્રમની સ્થાપના કરી. અનેક પ્રકારનાં ઔષધો બનાવીને એમણે ઔષધોનો સંગ્રહ એકત્રિત કર્યો. દરમ્યાનમાં એક એવો પ્રસંગ બન્યો કે જેને કારણે તેમનું માન દરબારમાં અનેકગણું વધી ગયું. એક વાર જામ વિભાજીને સતત તાવ ચડ્યો. બીજે દિવસે તો શહેરમાં હાથી પર સવારીએ નીકળવાનું હતું. તાબડતોબ ઝંડુ ભટ્ટને બોલાવવામાં આવ્યા. તાજેતરમાં જ ઔષધશાળામાં ભટ્ટજીએ ખાસ તૈયાર કરેલું રત્નાગિરિ રસ નામનું ઔષધ આપવામાં આવ્યું. બીજે દિવસે જામસાહેબનો તાવ ઊતરી ગયો ને તેઓ સ્વસ્થ થઇને સવારીએ ચડી શક્યા. આ સમયે ભટ્ટજીની ઉંમર માત્ર એકવીસ વર્ષની જ હતી. આ પ્રસંગ બાદ તેમનામાં પણ આત્મવિશ્વાસ પ્રગટ્યો હતો.

આમ તો દરદીને સાજા કરવા, ને લોકો માંદા ન પડે તે માટે લોકોને સ્વાસ્થ્યનું જ્ઞાન આપવા ઉપરાંત સ્વાસ્થ્ય માટે સામાજિક સગવડો ઊભી કરાવવી, એ ઝંડુ ભટ્ટ્જીના એક કર્તવ્યનાં બે પાસાં હતાં.વ્યક્તિગત દરદી પર ધ્યાન આપવા સાથે સમગ્ર પ્રજાના આરોગ્યને જાળવી તેનાં જીવિત વધારવાના પ્રયત્નો તે એટલા જ ખંતથી,નિષ્ઠાથી અને સફળતાથી કરતા. કર્તવ્યનિષ્ઠા અને અનુભવે ઝંડુ ભટ્ટજીની ખ્યાતિ થોડા જ સમયમાં એક સમર્થ વૈદ્ય તરીકે પંકાઇ ગઇ. તેમની નિદાનશક્તિ-ચિકિત્સાશક્તિ એટલી તો પ્રબળ હતી કે જીવવાની આશા છોડી દીધેલાં હજારો દર્દીઓને તેમણે બેઠાં કરીને સશક્ત પણ કરી દીધેલાં, તેઓ માત્ર વૈદ્ય જ નહીં, પણ રસાયણશાસ્ત્રી પણ હતા. તેમનું મહત્વનું પ્રદાન વૈદ્ય હોવા ઉપરાંત વનસ્પતિઓમાંથી શાસ્ત્રોક્ત દવાઓનું નિર્માણ કરવાનું પણ હતું. રસો,ભસ્મો, અવલેહો વગેરે દવાઓની પોતાની મૌલિક રીતે તેમણે પ્રજાનાં સ્વાસ્થ્ય-નિર્માણનું ઉપકારક કાર્ય કર્યું હતું. વૈદ્યોને જોઇતી દવા તત્કાલ મળી શકે તે માટે સામટી દવા તૈયાર કરવા ઇ.સ.1864માં એમણે રસશાળા સ્થાપી, જે હિંદુસ્તાનભરમાં સૌથી પ્રથમ હતી. એ રસશાળામાં દવા તૈયાર કરવા માટે તાજાં દ્રવ્યો તત્કાલ મળી શકે તે માટે, તેમ જ તે સાથે બરડાની વનસ્પતિની સંભાળ રહે તે હેતુ લક્ષમાં રાખી, ઝંડુભટ્ટજીએ બરડો ડુંગર જામસાહેબ પાસે ભારે દરથી ઇજારે માગેલો. આ ઉપરાંત જામનગરની વસતિના સરેરાશ જીવનના આંકડા, રોગોના પ્રમાણના આંકડા વગેરે કઢાવી, લોકોનું જીવિત વધારવાના પ્રયત્નના એક ભાગરૂપે જામનગરની શહેર સુધરાઇના પ્રમુખ તરીકે પણ તેમણે દીર્ઘદૃષ્ટિભરી ઘણી કીમતી સેવા આપેલી. ઇ.સ.1874માં ઝંડુ ભટ્ટે આયુર્વેદના વિકાસ માટેની પ્રવૃત્તિ શરૂ કરી. જામનગર શહેરની બહાર પૂર્વ દિશામાં નદીને કિનારે ઝંડુ ભટ્ટની વાડી હતી.ત્યાં તેમણે મોટા પ્રમાણમાં ઔષધો બનાવવાનું શરૂ કર્યું. સાથે સાથે દર્દીઓને ત્યાં રાખવાની પણ તેમણે સગવડ કરી.

જે જમાનામાં હૉસ્પિટલનો ખ્યાલ પણ હજી વિકાસ પામ્યો ન હતો તે જમાનામાં એમણે હૉસ્પિટલ શરૂ કરી હતી. દૂર દૂરથી સંખ્યાબંધી લોકો ભટ્ટજી આ આરોગ્યધામમાં ઉપચાર કરાવવા આવતા. આ લોકોમાં ગરીબ દર્દીઓ વધુ આવતા અને ભટ્ટજી તેમની પાસેથી પૈસાય લેતા નહિ. પરિણામે ઝંડુ ભટ્ટ પર મોટું કરજ થઇ ગયું. ઝંડુ ભટ્ટે પચીસ કોરીથી નોકરી શરૂ કરી હતી. તેઓ મુખ્ય રાજવૈદ્ય નિમાયા બાદ તે પગાર બસો કોરીનો થયો. ધીમે ધીમે જામસાહેબે તેમનો પગાર સાતસો કોરી કરી આપ્યો. એ જમાનામાં આ પગાર ઘણો મોટો ગણાય. આ પગાવધારા પાછળ પણ એક ઇતિહાસ છે.

એકવાર દરબારમાં ઝંડુ ભટ્ટે રાજ્યમાં આવેલા બરડાના ડુંગરના ખૂબ વખાણ કરતાં કહ્યું, જો આ ડુંગર પર થતી વનસ્પતિઓનો યોગ્ય ઉપયોગ અને વ્યવસ્થા થાય તો રાજ્યને ઓછામાં ઓછી વાર્ષિક પચીસ હજાર રૂપિયાની આવક થાય. બીજા દરબારીઓ સંમત ન થયા.પણ જામસાહેબને ભટ્ટજીમાં ભારે વિશ્વાસ હતો. તેથી તેમણે બરડા ડુંગરનો વહીવટ તેમને સોંપી દીધો. ભટ્ટજીએ જંગલખાતું શરૂ કર્યું. પોતાની યોજના મુજબ ધમધોકાર કામ શરૂ કર્યું. પરિણામે જામનગર રાજ્યને વાર્ષિક પચાસ હજાર રૂપિયાથીય વધુ આવક થવા લાગી. જામસાહેબે ખુશ થઇનેતેમનો પગાર પાંચસો કોરીનો કરી આપ્યો. થોડોક વખત બાદ જામસાહેબને એક ગૂમડું થયું. પહેલાં તો તેમણે તાત્કાલિક રાહત માટે દાક્તરી સારવાર લીધી. પરંતુ ફેર ન પડ્તાં ઝંડુ ભટ્ટને બોલાવ્યા. તેમણે પોતે બનાવેલી ખાસ દવા લગાડી.બે ત્રણ દિવસમાં જ જામસાહેબને રાહત થઇ ગઇ. રાજ્યના ખાસ દાક્તર માધવરાવે પણ ઝંડુ ભટ્ટની પ્રશંસા કરી ને ભટ્ટજીનો પગાર સાતસો કોરીનો થઇ ગયો. આમ છતાં ભટ્ટજી દાક્તરી-એલોપથી વિદ્યાનો હંમેશ આદર કરતા હતા. તેમણે કદી એ વિદ્યાને ઉતારી પાડવાનો પ્રયત્ન કર્યો નથી. એ જમાનામાં પ્રજામાં રાજાની ભારે ધાક હતી. રાજાનો ખોફ લેવાની હિંમત કોઇ કરતું નહિ. પરંતુ ઝંડુ ભટ્ટજી જામસાહેબની નોકરી સ્વમાનપૂર્વક કરતા. પોતાના વૈદકના કામમાં જામસાહેબની કૃપા-અવકૃપાની તેઓ પરવા ન કરતા. સાચી વાત તે નીડરતાપૂર્વક કહી દેતા. ભટ્ટજીનું વર્ચસ્વ જેમ જેમ વધતું ગયું, તેમ દર્દી પ્રત્યેની તેમની કરૂણા પણ વધતી ગઇ.કાળજી પણ વધતી ગઇ. ગંભીર દર્દીને તેઓ આપમેળે જોઇ આવતા. દર્દીને દૂધ પર રાખતા અને દૂધનો ખર્ચ પોતે આપતા. ક્યારેક જરૂર પડે તો દર્દીને પોતાને ત્યાં તેડી લાવીને રાખતા. મફત સારવાર ઉપરાંત તેને જમાડતા પણ ખરા ! ઇ.સ. 1898માં પ્રભાશંકર પટ્ટણી બિમાર હતા,તેથી ભાવનગરના મહારાજાસાહેબે તેમને તેડાવેલા. તે વખતે ભટ્ટજી બંગલાની બહાર તંબૂ નખાવીને તેમાં રહેતા. કારણ કે અન્ય દર્દીઓ વિના સંકોચે તેમની પાસે આવી શકે. પ્રભાશંકર પટ્ટણીની સારવાર કરતાં બાકીના સમયમાં બેસી ન રહેતાં બની શકે તેટલા વધુ ને વધુ લોકોને પોતાનો લાભ આપતા. ઝંડુ ભટ્ટજીએ તેમના આયુષ્યકાળ દરમ્યાન સેંકડો-હજારો લોકોને સાજા કર્યા. પ્રજાની ખૂબ સેવા કરી. રાજ્યની અને રાજકુટુંબની પણ ખૂબ સેવા કરી. તેમણે જે ચિરસ્મરણીય કામ કર્યું તે રસશાળાની સ્થાપનાનું છે. જે જમાનામાં ઔષધ બનાવવા માટેની ફાર્મસીઓ હતી જ નહિ તે સમયે તેમણે આવી પહેલ કરી. વ્યાપારી ધોરણે દવાઓને બજારમાં મૂકીને તેનો પ્રજાને વ્યાપક લાભ આપ્યો. તેમની એ રસશાળા વિકસીને આગળ જતાં ઝંડુ ફાર્માસ્યુટિકલ વર્કસ બન્યું, જે માત્ર દેશમાં જ નહિ પણ પરદેશમાં પણ આયુરવિજ્ઞાનના પ્રતિનિધિ તરીકે પહોંચ્યું,તેમની પાસે તૈયાર થયેલા અનેક વિદ્યાર્થીઓ અને તેમના પણ વિદ્યાર્થીઓ તૈયાર થતાં સમગ્ર ગુજરાતમાં ફેલાયા અને આયુર્વેદ વિજ્ઞાનનો પ્રચાર થતો રહ્યો. ઝંડુ ભટ્ટજી જામનગર સુધરાઇ ના પ્રમુખપદે રહ્યા હતા. શહેરની સ્વચ્છતા, લોકોના આરોગ્યનાં અનેક કાર્યો કરતાં. જન્મમરણની નોંધનો રિવાજ દાખલ કર્યો. પોતે શુધ્ધ ભાર્તીય પ્રણાલિકાના આગ્રહી હોવા છતાં પશ્ચિમની સંસ્કૃતિનાં શુભતત્વોને વૈજ્ઞાનિક દૃષ્ટિએ સ્વીકારવાની એમની તૈયારી હતી. આયુરવેદની પરંપરા જાળવવામાં તેમનું પ્રદાન ચિરસ્મરણીય રહેશે.

“ચડતીમાં દૂર અને પડતીમાં પાસે”

ભટ્ટજી જામસાહેબની કૃપા-અવકૃપાની પરવા ન કરતા. એ સમયમાં રાજાની પ્રજા પર ભારે ધાક રહેતી.રાજાની વિરુધ્ધમાં જવાની કોઇ હિંમત ન કરતું.

એક વખત જામનગરના મુખ્ય દીવાન ભગવાનજી શેઠ પર જામસાહેબની અવકૃપા થઇ, ને તેમને ગામ છોડીને જવાનો હુકમ થયો. ત્યારે એ ખૂબ માંદા હતા. તેથી તેમની સાથે કોઇ વૈદ્યે જવું જરૂરી હતું. ભટ્ટજીએ પોતાના સૌથી નાનાભાઇ વિશ્વનાથ વૈદ્યને દીવાન સાથે મોકલવાનું નક્કી કર્યું.

વળી, એ વખતે ભગવાનજીભાઇની દીકરી બાપીબાઇને પણ સખત તાવ આવતો હતો.રાજાના કોપને કારણે એની કોઇ ખબર કાઢવાય જતું નહીં. પણ ભટ્ટ્જી અચૂક જતા. મંદવાડમાં બાઇને દાડમ ખાવાની ઇચ્છા થઇ. તેને માટે દાડમ પથ્ય હતું. તેથી ભટ્ટજીએ તપાસ કરાવી પણ અ ક્યાંયથી દાડમ મળ્યું નહીં. એટલામાં એમને ખબર પડી, પરગામથી જામસાહેબ માટે દાડમનો કરંડિયો આવ્યો છે.

ભટ્ટજી જામસાહેબ પાસે ગયા. દીવાન ભગવાનજીભાઇ સાથે પોતાના ભાઇને મોકલવા સંમતિ આપવા વિનંતી કરીઅને બીજી વિનંતી કરી: આપની પર આવેલા દાડમના કરંડિયામાંથી મને એક દાડમ આપો. ”આપો” શબ્દ ભટ્ટજીને મુખેથી જામસાહેબે કદી સાંભળ્યો ન હતો. તે જોઇ રહ્યા: “ભટ્ટ, આ શું?” ભટ્ટજી એ સાચી વાત કરી.આ સાંભળતાં ત્યાં બેઠેલા સૌને થયું, જામસાહેબ હમણાં જ ખુદ ભટ્ટજીને જ ગામ છોડવાનો હુકમ કરશે. ત્યાં તો હસીને એમણે કહ્યું,”ભટ્ટ,ભટ્ટ, તમે તો એક ખરા છો !માણસની ચડતીમાં તેનાથી દૂર રહો છો ને પડતીમાં પાસે આવો છો. ખરા દયાળુ છો ! જાવ, આખો કરંડિયો લઇ જાઓ.”

લેખન – ગોપાલભાઈ પારેખ

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર રજુ થયેલ આ પોસ્ટ પસંદ આવે તો બીજીએ મિત્રો સાથે જરૂર શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!