શિયાળામાં બેસ્ટ એવો ગુંદરપાક બનાવવાની રીત

મારી પાસે ગુંદરપાકની બે રેસીપીઝ છે. એક ઓસડીયાથી ભરપૂર એવી અને બીજી મીઠાઈના સ્વરૂપમાં, કે જે હું બનાવું છું અને મારાં બાળકોને બહુ જ ભાવે છે.

ચાલો, પહેલાં આપું ઓસડીયા વાળો ગુંદરપાક.

ગુંદરપાક બનાવવા જરૂરી સામગ્રી :-

૧૦૦ ગ્રામ ગુંદર

૧૫૦ ગ્રામ રવો

૫૦૦ ગ્રામ માવો

૧૦૦ ગ્રામ કાજુ-બદામ ટુકડા

૫૦૦ ગ્રામ ખાંડ

૩ ચમચી દળેલી ખસખસ

૫૦ ગ્રામ ચારોળી

૨૫ ગ્રામ પિસ્તાની કતરણ

૧૦૦ ગ્રામ સૂકું ટોપરું

૫૦ ગ્રામ સૂંઠ પાઉડર

૫૦૦ ગ્રામ ઘી

૧૦ ગ્રામ ગંઠોડા

૫ ગ્રામ ધોળી મુસળી

૫ ગ્રામ કાળી મુસળી

૧૦ ગ્રામ નાગકેસર

૧૦ ગ્રામ શતાવરી

૧૦ ગ્રામ અશ્વગંધા

ગુંદરપાક બનાવવાની રીત

સૌપ્રથમ કાજુ-બદામને ટુકડા કરી લેવાં.
ખરલમાં તમામ ઔષધિઓને હાથેથી જ બારીક વાટી તેનું ચૂર્ણ તૈયાર કરવું.

માવો જાડી ખમણીથી ખમણી લેવો.

હવે એક નોનસ્ટિક પેનમાં અડધા ભાગનું ઘી ગરમ કરવું. તેમાં કાજુ-બદામના ટુકડા ગુલાબી થાય તેવા તળી લેવાં.

એ જ ઘીમાં ગુંદર એકદમ ડૂબી જાય તેવો તળવો.

હવે તે જ ઘીમાં રવો શેકવો. રવો એકદમ બદામી રંગનો શેકાયા બાદ, કોપરાનું છીણ પણ શેકવું.
એક બીજી નોનસ્ટિક પેનમાં બાકી બચેલું ઘી ગરમ કરી તેમાં ખમણેલો માવો ઊમેરી એકદમ ગુલાબી થાય અને તેમાંથી ઘી છૂટું પડે ત્યાં સુધી શેકવો. માવામાં થોડું રહેવા દઈ વધારાનું ઘી અલગ તારવી લેવું.

અડધા ભાગનાં કાજુ-બદામ, પિસ્તાની કતરણ, ચારોળી અને ગુંદર ઉપરથી સજાવટ માટે અલગ રાખવા.

રવાના મિશ્રણમાં તમામ ઔષધિ ઉમેરીને બરાબર મિક્સ કરી બાકીના કાજુ-બદામ તથા ગુંદરનો ભૂકો ઉમેરીને શેકેલા માવા સાથે ભેળવી તૈયાર કરી લેવું.

જાડા તળીયાવાળી મોટી તપેલીમાં ખાંડ લઈ માત્ર ખાંડ ડૂબે તેટલું જ પાણી ઉમેરી મધ્યમ આંચ પર સતત ચલાવતા રહીને સાત તારની ચાશણી તૈયાર કરવી. આ ચાશણી લેવામાં ખાસ કાળજી રાખવી જરૂરી છે, કેમકે જો તે ઢીલી હશે તો ગુંદરપાકનો લચકો થઈ જશે અને વધારે ઘાટી થશે તો બટકા નહીં પડે. ચાશણી ચેક કરવાનો સરળ ઉપાય, સ્ટીલની એક ડીશ પર એક ટપકું ચાશણી મૂકી બે આંગળીઓ વચ્ચે ફેરવી જોવાથી તરત જ તેની ગોળી વળવી જોઈએ.

ચાશણીમાં શેકેલો માવો તેમજ રવાનું તૈયાર મિશ્રણ ભેળવી બરાબર મિક્સ કરી લેવું.

થાળીમાં ઘી લગાવીને ગુંદરપાકનું મિશ્રણ પાથરવું. તેને બાકી બચેલા ગુંદર, કાજુ-બદામ અને

પિસ્તાની કતરણ, ચારોળી અને ખસખસથી ગાર્નિશ કરવું.

થોડું ઠંડુ પડ્યા બાદ તેમાં ચાસ પાડી લેવા.

અને હવે જોઈએ, હું જે રેસિપીનો ઉપયોગ કરું છું એ.

ગુંદરપાક બનાવવા જરૂરી સામગ્રી :-

મોળો માવો ૧ કિલો

ખાંડ ૭૫૦ ગ્રામ

હીરાકણી ગુંદ ૧૫૦ ગ્રામ

દેશી ઘી ૪૦૦ ગ્રામ

કાજુ-બદામ ૨૦૦ ગ્રામ

ગુંદરપાક બનાવવાની રીત :-

માવાને ખમણી લેવો.

એક કડાઈમાં એક ચમચો ઘી ગરમ કરી તેમાં પહેલાં બદામ અને તે હલ્કી ગુલાબી શેકાય ત્યારે કાજુ ફાડા ઉમેરી બન્ને ગોલ્ડન થાય ત્યાં સુધી ધીમા તાપે રોસ્ટ કરવા.

હવે એ જ કડાઈમાં ૨૦૦ ગ્રામ ઘી ગરમ કરવું. ઘી ગરમ થાય ત્યારે તેમાં થોડો થોડો કરીને બધો જ ગુંદ ગુલાબી થાય તેમ મધ્યમ તાપે તળી લેવો.

ફરી, એ જ કડાઈમાં ૧૦૦ ગ્રામ ઘી મૂકી ઘી ગરમ થાય ત્યારે મધ્યમ આંચ પર ખમણેલો માવો ગુલાબી થાય ત્યાં સુધી શેકી લેવો. આમ કરવાથી માવામાંથી પણ ઘી છૂટું પડશે.

માવો એકદમ સરસ શેકાવો જોઈએ, પણ આકરો નહીં જ. અને બહુ વધારે ઘી છૂટું પડ્યું હોય તો થોડું કાઢી લેવું, નહીંતર પાક જામશે નહીં (ઢીલો રહી જશે.)

ગુંદરપાક જેમાં ઠારવો હોય તે થાળીને ઘી વડે ગ્રીઝિંગ કરી લેવું.

હવે એક જાડા તળીયાવાળી તપેલી કે નોનસ્ટિક સોસપેનમાં ખાંડ લઈ, માત્ર ખાંડ ડૂબે તેટલું જ પાણી લઈ, સાત તારની ચાસણી તૈયાર કરવી.

ચાસણી ચેક કરવા માટે ખાસ ટીપ :-

ચાસણીનું એક ટીપું સ્ટીલની ડીશ પર મૂકી આંગળી અને અંગુઠા વચ્ચે ગોળ ફેરવી જોવાથી તેની ગોળી વળી જશે. હા, ચાસણી ખૂબ જ ગરમ હશે, તો તે વાતનું ધ્યાન રાખશો પણ, ચાસણી ગરમ જ ચેક કરવી.

ચાસણી તૈયાર થાય ત્યારે તેમાં અડધા ભાગનો ગુંદ અને કાજુ-બદામ ગાર્નિશીંગ માટે બચાવી રાખી,

શેકેલો માવો (ઘી સાથે જ) ગુંદ અને કાજુ-બદામ ભેળવી બરાબર મિક્સ કરી લેવું.

આ મિશ્રણને થાળીમાં એકસમાન પાથરી લઈ તેની ઊપર બચેલો ગુંદ અને કાજુ-બદામ ભભરાવી લેવાં.

થોડું ઠરે એટલે તેમાં ચાસ પાડી લેવાં.

તૈયાર ગુંદરપાક સરસ મજાના કન્ટેનરમાં ભરી તુરંત જ મને પાર્સલ કરી દેવું.

રેસીપી મોકલનાર: પ્રદીપભાઈ નગદિયા (રાજકોટ)

 

Leave a Reply

error: Content is protected !!