ભ્રષ્ટાચાર – આપણા દેશનો સૌથી મોટો દુશ્મન | કેવી રીતે નાબૂદ થશે ભ્રષ્ટાચાર ? વાંચવા અહી ક્લિક કરો

ભ્રષ્ટાચાર એટલે શું ?

ભ્રષ્ટાચાર એટલે પોતાનાં અંગત સ્વાર્થ માટે સાર્વજનિક શક્તિનો દુરુપયોગ.

સરળ શબ્દોમાં કહીએ તો, કોઈપણ સામાન્ય માણસ, સરકારી નોકર કે રાજકીય વ્યક્તિ પોતાના અંગત લાભ માટે પોતાને મળેલ સત્તાનો દુરુપયોગ કરે એ ભ્રષ્ટાચાર. જેમ કે,

  • દુકાનદાર દૂધની થેલી પર છાપેલ કિંમત કરતા એક-બે રૂપિયા વધું લે.
  • રોડનું કામ કરનાર કોન્ટ્રાક્ટર હલકી ગુણવત્તાવાળો માલ-સામાન વાપરે.
  • સરકારી બાબુ લાંચ લીધાં વગર કામ ન કરે.
  • નકલી દવા અને નકલી માલ-સામાન વેચવા.
  • વીજળીની ચોરી અને ટેક્સ ચોરી.
  • સ્કુલમાં પ્રવેશ માટે ડોનેશન લેવું.
  • રાજકીય આગેવાનોનાં મોટા-મોટા આર્થિક ગોટાળા વગેરે…વગેરે..

ટૂંકમાં, ભ્રષ્ટાચાર ફક્ત સરકારી ક્ષેત્ર પુરતો જ સીમિત નથી. ભ્રષ્ટાચાર નામની આ ગંભીર બીમારી સામાન્ય માણસથી લઈ મોટામાં મોટી હસ્તી સુધી બધાંને લાગુ પડે છે. ભ્રષ્ટાચાર એક વૈશ્વિક સમસ્યા છે. કદાચ તમને જાણીને નવાઈ લાગશે કે ટોપ-50 કરપ્ટ કન્ટ્રીમાં ભારતનું નામ સામેલ નથી ! હાં,  જો Transparency International ના રિપોર્ટનું માનીએ તો ચીન અને રશિયામાં આપણાં કરતા પણ વધું ભ્રષ્ટાચાર છે.

ભ્રષ્ટાચારને અટકાવવો કઈ રીતે ?

(1)  માતા-પિતા અને શિક્ષકનાં માધ્યમ દ્રારા : કહેવાય છે કે, બાળકની પહેલી નિશાળ એ બાળકનું ઘર હોય છે. ઘરમાં વડીલો દ્રારા જે આચરણ કરવામાં આવે એ જોઈને જ બાળકો ઘણું શીખતાં હોય છે. ક્યારેક પિતાજી ઘરમાં હોવાં છતા બાળકને કહે કે, પેલા ભાઈ આવે તો કહીં દેજે કે મારા પપ્પા ઘરે નથી. મમ્મી પણ ક્યારેક બાળકની ભૂલ છુપાવવાની કોશિષ કરે છે. અહીંયાથી જ બાળકનાં કુમળા મનમાં ભ્રષ્ટાચારનાં બીજનું વાવેતર થાય છે. ઈચ્છનીય છે કે, દરેક માતા-પિતા અને શિક્ષક બાળકને ઉચ્ચ નૈતિકતાનાં પાઠ ભણાવે અને એવું કોઈપણ પ્રકારનું વર્તન ન કરે કે જેથી બાળકના મન-મગજ ઉપર વિપરીત અસર થાય.

(2) યોગ્ય આયોજન દ્રારા : યોગ્ય દિશામાં યોગ્ય ટેકનોલોજી અને જરૂરી પગલાં લઈ ભ્રષ્ટાચાર થતો અટકાવી શકાય. જેમ કે, મેઈન રોડ, સરકારી ઓફીસમાં અને જાહેર સ્થળો પર હાઈ ટેક્નોલોજી કેમેરા ગોઠવી ગેરરીતિ પર નજર રાખી શકાય અને ભ્રષ્ટાચાર થતો અટકાવી શકાય.

(3) કાયદા-કાનૂન સરળ બનાવીને : રોમન ઈતિહાસકાર સીનેટર ટૈકીટસએ કહ્યું છે કે, “જેટલો વધું ભ્રષ્ટ દેશ હશે એટલાં જ વધું કાયદાઓ હશે.” જયારે કાયદા-કાનૂન અઘરા બને ત્યારે સામાન્ય માણસ માટે એ કાયદા-કાનૂન સમજવા અને એનું પાલન કરવું મુશ્કેલ બને છે. સરકારી કર્મચારી અને અધિકારીઓ આ વાતનો ફાયદો ઉઠાવે છે અને લોકોનું શોષણ કરે છે.

દા.ત..તમારી પાસે તમારાં વાહનનાં બધાં જ ડોક્યુમેન્ટ હોય તો પણ ટ્રાફિક પોલીસ તમારૂ ચલણ કાપવા ઈચ્છે તો એમને કોઈ રોકી ના શકે, એટલાં કાયદા-કાનૂન છે કે, એ તમને ખોટા સાબીત કરી જ દેશે.

હાલમાં જ સરકારે અલગ-અલગ ટેક્સ દૂર કરી GST ની વ્યવસ્થા કરી છે એ આ દિશામાં કાબિલે તારીફ કાર્ય છે. આવી રીતે જ ઘણાં બધાં કાયદા-કાનૂન સરળ અને પીપલ ફ્રેન્ડલી બનાવવા જોઈએ ત્યારે જ કરપ્શન ઓછું થશે.

ચૂંટણી પ્રક્રિયામાં, ચૂંટણી પ્રચાર, ઉમેદવારની પસંદગી, રાજકીય પાર્ટીને મળતાં ડોનેશનનાં નિયમો વગેરેમાં સરકારે ચાંપતી નજર અને કાયદાઓનું કડક પાલન થાય એનું પણ ધ્યાન રાખવું જરૂરી છે જેથી કોઈ આરોપી કે બિન-લાયક ઉમેદવાર સંસદ કે વિધાનસભામાં પહોંચે નહીં.

(4) સરકારી કામ-કાજમાં પારદર્શકતા : ઘણી જગ્યાએ ટેન્ડર માટે ઓનલાઈન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જે ખૂબ જ આવકાર્ય પગલું છે. સરકારી કામ-કાજમાં જેટલી પારદર્શિતા આવશે એટલી જ ગેરરીતિ થતી અટકશે. આર.ટી.આઈ નો કાયદો આ દિશામાં એક ઉત્તમ ઉદાહરણ છે.

(5) સરકારી કાર્યની સમય મર્યાદા નક્કી કરવી જોઈએ : ઘણીવાર સામાન્ય માણસ નાનકડા કામ માટે સરકારી કચેરીનાં ધક્કા ખાય-ખાયને કંટાળી જતો હોય છે. એવાં સમયે વચેટીયા લોકો અને કર્મચારીઓ તકનો લાભ ઉઠાવે છે જેથી ગેરરીતિને મોકળું મેદાન મળી જાય છે. સરકારે મોટાભાગની સરકારી ઓફીસમાં દરેક કાર્ય માટે ચોક્કસ સમય મર્યાદા નક્કી કરવી જોઈએ. સામાન્ય માણસની ફાઈલ-પ્રોસેસ ક્યાં સુધી પહોંચી એનું મોનીટરીંગ થવું જોઈએ. જો કાર્ય સમય મર્યાદા કરતા મોડું થાય તો જે-તે કર્મચારી કે ઓફીસને જવાબદાર ઠેરવી એમની સામે કડક પગલાં ભરવા જોઈએ.

(6) લાંચ લેનાર અને આપનાર બન્નેને કડક સજાની જોગવાઈ થવી જોઈએ : સરકારી નોકરીને સૌથી સુરક્ષિત ગણવામાં આવે છે, મતલબ એકવાર તમે સરકારી તંત્રમાં ઘુસી ગયાં પછી તમને કોઈ કાઢી ના શકે. અને મોટાભાગે આવું જ થાય છે, કોઈ કરપ્ટ કર્મચારી લાંચ લેતા પકડાઈ ગયો હોય તો વધુમાં વધું એને સસ્પેન્ડ કરવામાં આવે છે. એ જ કર્મચારી થોડા દિવસોમાં કોઇક ઉપલા અધિકારીઓને પૈસા ખવડાવીને પાછો આવી જાય છે. આ વસ્તુંને બદલવાની જરૂર છે. ભ્રષ્ટાચારમાં ગળાડૂબ માણસ પોતાના ફાયદા માટે કરોડો લોકોને નુકશાન પહોંચાડે છે. ખરાબ રસ્તાઓ, નકલી દવા અને બિન-આરોગ્યપ્રદ ખાવા-પીવાની વસ્તુંઓ લોકોનો જીવ પણ લઈ શકે છે, આવા સંજોગોમાં જવાબદાર વ્યક્તિને કડકમાં કડક સજા થવી જોઈએ. નોકરીમાંથી કાઢીને જેલની સજા તેમજ દંડની પણ જોગવાઈ થવી જોઈએ.

લાંચ લેનારની સાથે-સાથે લાંચ આપનાર લોકો વિરૂદ્ધ પણ યોગ્ય કાર્યવાહી અને કઠોર સજા થવી જોઈએ. ભ્રષ્ટાચાર વિરૂદ્ધ જેમ-જેમ કાયદા-કાનૂનની લાકડી ચાલશે તેમ-તેમ ભ્રષ્ટાચારનો ગ્રાફ નીચો આવશે.

(7) ઝડપી ચુકાદા : ભારતમાં અપરાધીઓને ડર ઓછો લાગે છે એનું મુખ્ય કારણ છે, ખૂબ જ ધીમી ન્યાય વ્યવસ્થા. જેનાં માટે આ ફિલ્મી ડાયલોગ ખૂબ પ્રચલિત છે, ” તારીખ પે તારીખ…..તારીખ પે તારીખ…..”

આરોપી જાણે છે કે તે પકડાય જશે તો પણ સજાની સુનાવણી ને વર્ષો વીતી જશે એટલે જ તે નિર્ભય બનીને અપરાધીક પ્રવૃતિઓ કરે છે. ફાસ્ટ ટ્રેક કોર્ટ, નવાં કોર્ટ રૂમ, નવા જજની ભરતી અને ટેકનોલોજીનાં ઉપયોગથી ન્યાય વ્યવસ્થા ઝડપી બનાવવી જોઈએ. We all know- justice delayed is…justice denied!

(8) ભ્રષ્ટાચારીઓની મદદ લઇને : ભ્રષ્ટાચારમાં પકડાયેલ આરોપીની મદદ લઈ અન્ય ભ્રષ્ટ લોકોની જાણકારી અને એમની કાર્ય-પ્રણાલી વિશે માહીતી મેળવી શકાય. જેથી ભ્રષ્ટાચારી લોકોને પકડવામાં સરળતા રહે.

મિત્રો, વકરી ગયેલાં ભ્રષ્ટાચારે પહેલેથી જ કરોડો બાળકોનું બચપણ, યુવાનોની નોકરી અને એમનું જીવન છીનવી લીધું છે. આપણે કોઈપણ સંજોગોમાં આ ભ્રષ્ટાચારનાં કીડાને આગળ વધતો અટકાવવો પડશે. શુભ શરૂઆત આપણે જ કરવાની છે.

જય હિન્દ.

ભાવાનુવાદ – ઈલ્યાસભાઈ

Leave a Reply

error: Content is protected !!