ગંગાજળ કેમ ખરાબ નથી થતુ? વૈજ્ઞાનિક તથ્ય જાણવા જેવુ છે

સનાતન ધર્મમાં ગંગાજળનું કેટલું મહત્વ છે એ તો બધાં જાણે છે. પુણ્ય પ્રાપ્તિ માટે સ્નાનથી લઈને દરેક શુભ પ્રસંગોમાં ગંગાજળનો ઉપયોગ થાય છે. બધાં હિન્દુ ભાઇઓનાં ઘરમાં ગંગાજળ અવશ્ય મળશે. પણ તમે ક્યારેય એ વિચાર્યું કે, આખરે સદીઓથી એનું પાણી આટલું પવિત્ર કેમ છે? આપણે ઘરમાં પણ જે ગંગાજળ રાખીએ છીએ એ પણ વર્ષો સુધી એવુંને એવું શુદ્ધ રહે છે જ્યારે સામાન્ય પાણી તો થોડા દિવસોમાં જ બગડી જાય છે.

વળી, આવડી મોટી ગંગા નદીમાં તો ઘણાં મૃત શરીર અને કચરો ઠલવાતો હોય છે એમ છતાં આજે પણ ગંગાજળને પવિત્ર અને ઉત્તમ કેમ માનવામાં આવે છે. એ ખૂબ જ મોટો ચર્ચાનો વિષય છે કે, આખરે ગંગાજળ ક્યારેય ખરાબ કેમ નથી થતુ? અમે તમને આજે એનું વાસ્તવિક કારણ બતાવવા જઈ રહ્યાં છીએ.

હકીકતમાં સનાતન ધર્મ અને વિજ્ઞાન એકબીજા સાથે સંકળાયેલા છે. ગંગાજળની પવિત્રતા અને એનાં અમૃત જેવા ગુણોનું રહસ્ય પણ વિજ્ઞાન સાથે જોડાયેલું છે. ગંગાનું પાણી ક્યારેય ખરાબ ન થવાનું કારણ છે અમુક પ્રકારના વાઇરસ! આ વાઇરસના કારણે પાણી ક્યારેય ખરાબ થતું નથી. આ વાત 150 વર્ષ પહેલાંની એક ઘટના સાથે જોડાયેલ છે.

ઈંગ્લેન્ડનાં જાણીતા વૈજ્ઞાનિક અર્નેસ્ટ હેન્કિન વર્ષ 1890ના દાયકામાં ગંગાનાં પાણી પર સંશોધન કરી રહ્યા હતા. તે દરમિયાન ગંગાકિનારાની આજુ-બાજુના વિસ્તારોમાં કોલેરાના રોગચાળાએ ભરડો લીધો. ઘણાં લોકો રોગચાળામાં મૃત્યુ પામ્યા હતા, આવા લોકોના મૃતદેહને ગંગા નદીમાં ફેંકવામાં આવતા હતા.

અર્નેસ્ટ હેન્કિનને ડર લાગ્યો કે ગંગાનાં પાણીમાં ન્હાતા લોકો પણ ક્યાંક કોલેરાનો ભોગ ન બને, પરંતુ ત્યાં ન્હાતા લોકોને કોલેરાની અસર ના થઈ. અર્નેસ્ટ હેન્કિને યુરોપમાં એવી પરિસ્થિતિ જોઈ હતી કે ગંદુ પાણી પીવાના કારણે લોકો બીમારીનો ભોગ બનતા હતા. ગંગાનાં પાણીની આ જાદુઈ અસર જોઈ તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે ગંગાજળ પર સંશોધન ચાલુ રાખ્યું. ત્યારબાદ એક 20 વર્ષનાં ફ્રેન્ચ વૈજ્ઞાનિકે હેન્કિનનાં આ સંશોધનને આગળ વધાર્યું.

આ વૈજ્ઞાનિકને સંશોધનનાં અંતે જાણવા મળ્યું કે, ગંગાજળમાં રહેલા વાઇરસ કોલેરા ફેલાવનારાં બેક્ટિરિયાને નષ્ટ કરે છે. આ જ વાઇરસ ગંગાજળની શુદ્ધતાને જાળવી રાખવા માટે જવાબદાર હતા. ગંગાજળને તમે ગમે એટલાં દિવસ ઘરમાં રાખો પણ કોઈ દિવસ એનાં રંગ અને સ્વાદમાં ફેર નહીં પડે.  ગંગાજળમાં રહેલ આવા વિશિષ્ટ પ્રકારનાં વાઈરસને “નિન્જા વાઈરસ” કહેવામાં આવે છે, જે નુકશાનકારક બેક્ટિરિયાનો નાશ કરે છે.

કહેવામાં આવે છે કે, ગંગાજળમાં અમુક એવાં વાઈરસ પણ છે કે જેનાથી કેન્સર જેવી બીમારી પણ દૂર થઈ શકે. હાલમાં વૈજ્ઞાનિકો ગંગાજળ પર આવા ઘણા બધાં સંશોધનો કરી રહ્યા છે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર લખેલ આ વિગત નેશનલ ન્યુઝ ચેનલ થી મળેલી વિગતના આધારે રજુ કરેલ છે. આ વિગતની ખરાઈ માટે અમો જવાબદાર નથી.

Leave a Reply

error: Content is protected !!