ગઇ સાલ એકસાથે ૧૦૪ ઉપગ્રહને બ્રહ્માંડમાં પહોંચાડનાર આ ‘રોકેટમેન’ બન્યા ઇસરોના નવા ચેરમેન

ગત વર્ષે એટલે કે ફેબ્રુઆરી,૨૦૧૭માં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા “ઇસરો”એ શ્રીહરીકોટા મથકેથી એક સાથે ૧૦૪ સેટેલાઇટને અવકાશમાં પહોંચાડીને વિશ્વ રેકોર્ડ સ્થાપી દીધો હતો.હજી સુધી વિશ્વનો કોઇ પણ દેશ આટલી મોટી સંખ્યામાં એકસાથે ઉપગ્રહોને અવકાશમાં મોકલી શક્યો નથી.એ નાતે ઇસરોના કર્મશીલ વૈજ્ઞાનિકોએ ભારતને આ ભવ્ય કહી શકાય એવી સફળતા અપાવી હતી.આ સાથે જ ભારતે અવકાશી ક્ષેત્રમાં પોતાની હરણફાળ પ્રગતિની સમગ્ર જગતને નોંધ લેવડાવી હતી.

ઉલ્લેખનીય છે કે,આ સેટેલાઇટ્સ PSLV-37 નામના સેટેલાઇટ લોન્ચર રોકેટ દ્વારા છોડવામાં આવેલા જેમાં ઉપગ્રહ કાર્ટોસેટ-૨ શ્રેણીનો હતો.અન્ય દેશોના ઉપગ્રહોનો પણ તેમાં સમાવેશ થતો હતો.

હમણાં કે.સિવન કે જે ઇસરોના નવા ચેરમેન નિયુક્ત થયાં છે તેઓએ ભારતે છોડેલા ૧૦૪ ઉપગ્રહના મિશન વખતે મહત્વની ભુમિકા ભજવી હતી.અને આથી ઇસરોએ જે સફળતા હાંસલ કરેલી તેમાં કે.સિવનનો પણ મહત્વપૂર્ણ ફાળો હતો.

કે.સિવન ઇસરોના નવા ચેરમેન તરીકે નિયુક્ત થયાં છે.તેઓ ત્રણ વર્ષ સુધી ઇસરોના ચેરમેન પદે રહેવાના છે.તેમણે ઇસરોના ભુતપૂર્વ ચેરમેન એ.એસ.કિરણકુમારનું સ્થાન લીધું છે.કિરણકુમાર ૧૨ જાન્યુઆરી,૨૦૧૫થી ઇસરોના ચેરમેન પદે હતાં.૧૪ જાન્યુઆરી,૨૦૧૮ના રોજ તેઓ નિવૃત્ત થશે ત્યારે ઇસરોના નવા ચેરમેનની જાહેરાત થઇ ચુકી છે.હવે કે.સિવન ઇસરોની કમાન સંભાળશે કે જેઓ ૧૯૮૨થી ઇસરો સાથે સંકળાયેલા છે.

કે.સિવન આ પહેલાં વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટરના નિર્દેશક હતા.ગયા વર્ષે ઇસરોએ ૧૦૪ સેટેલાઇટ એક સાથે લોન્ચ કરીને મેળવેલી મહત્વની સિધ્ધીમાં કે.સિવનની ભુમિકા મહત્વની હતી.

કે.સિવને વર્ષ ૧૯૮૦માં મદ્રાસ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નલોજીમાંથી એરોનોટીકલ એન્જીનિયરીંગમાં સ્નાતક અને બાદમાં ૧૯૮૨માં બેંગલોરની I.I.S.C.માંથી અનુસ્નાતકની ડીગ્રી મેળવેલી છે.IIT મુંબઇમાંથી તેમણે ૨૦૦૬માં એરોસ્પેસ એન્જીનિયરીંગમાં પીએચ.ડી પૂર્ણ કરેલું.

કે.સિવન નેશનલ એકેડેમી ઓફ એન્જીનિયરીંગ,એરોનોટિકલ સોસાયટી ઓફ ઇન્ડીયા અને સિસ્ટમ સોસાયટી ઓફ ઇન્ડીયામાં ફેલોની ભુમિકા પણ ભજવે છે.વળી,અનેક જર્નલોમાં તેમના સંશોધનાત્મક લખાણો પણ પ્રગટ થઇ ચુક્યા છે.

સિવનને તેમની એરોનોટિકલ સાયન્સ ક્ષેત્રની ઉત્કૃષ્ટ નોંધપાત્રતા બદલ અનેક એવોર્ડ પણ મળેલા છે.જેમાં સત્યભામા યુનીવર્સિટી,ચેન્નઇમાંથી મળેલ “ડોક્ટર ઓફ સાયન્સ” અને શ્રી હરીઓમ આશ્રમ પ્રેરીત “વિક્રમ સારાભાઇ રીસર્ચ એવોર્ડ” પણ મળી ચુકેલ છે.

સેવન જણાવે છે કે,તેઓ આ કાર્યકાળમાં દેશની સેવા કરી અને દેશને પ્રસિધ્ધી સહિતની સફળતાના નવતર સોપાનો સર કરાવવા મહેનત કરશે.તેઓ જાણે છે કે,આ પદ ઉપર ભુતકાળમાં ઘણાં દેશપ્રેમી ધુરંધર વૈજ્ઞાનિકો બેસી ચુક્યા છે.

સિવન ક્રાયોજેનિક એન્જીન માટેના વિજ્ઞાનમાં ઇસરો સાથે કામ કરતા હતાં.ક્રાયોજેનિક એન્જીનમાં વાયુ સ્વરૂપે રહેલા બળતણને નીચા તાપમાને પ્રવાહી ફ્યુલના સ્વરૂપે લાવવાનો સિધ્ધાંત કાર્ય કરતો હોય છે.

કે.સિવનના કાર્યકાળ દરમિયાન ઇસરો ઉત્તરોત્તર પ્રગતિ કરીને વિશ્વ ફલક પર અવકાશ સંશોધન ક્ષત્રમાં ભારતનું નામ પ્રજ્વલિત કરે એવી શુભેચ્છાઓ અને આશાઓ !એક જર્જરીત ચર્ચમાં જેનો પાયો નંખાયેલો અને જેના કર્મીલા વૈજ્ઞાનિકો કોઇ યોગ્ય સુવિધા વિના સાઇકલના કેરીયર પર રોકેટના મહત્વના પુરજા ઢસડીને લાવતા એ ઇસરો આજે વિશ્વના તખ્ત પર ચમકે છે એ જોઇને પ્રત્યેક દેશવાસીને ગર્વની અનુભુતિ થવી જોઇએ સાથે શરમની પણ!દુનિયાના બીજા દેશોની અવકાશ સંશોધન સંસ્થાઓના વૈજ્ઞાનિકોને જે પ્રતિષ્ઠા અને વેતન મળે છે એનાથી બહુ ઓછું આપણા વૈજ્ઞાનિકોને મળે છે.છતાં પણ જાગી જાય છે કોઇક વિક્રમસારા ભાઇ,હોમીભાભા કે કલામ સાહેબ જેવા જે દેશદાઝને જ સર્વપ્રથમ ગણે છે !

સંકલન – Kaushal Barad

નોંધ: આ પોસ્ટ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના એડમીનની પરવાનગી વગર કોપી-પેસ્ટ કરવી નહિ

Leave a Reply

error: Content is protected !!