કાચી કાયાની કરુણતા – સુંદર સમજવા જેવી વાર્તા

અલ્યા લબાડ, તું હજી અહીંયા જ ઉભો છો? તને જે કામ સોંપ્યું એ કોણ તારો બાપ આવીને કરશે? ગુસ્સાથી ભભૂકતો અવાજ કાને પડતા એક 12 વરસ નો ટાબરીયો વીજળી વેગે ભાગ્યો.

ભાગતા ભાગતાય એક પડઘો હજીય ગુંજી રહ્યો હતો “શ્યામલા, સાંજ સુધીમાં જો એકાદુ બકરું ના લાવ્યો તો હાડકાં ખોખરા કરી નાખીશ”.

ડરતા ડરતા “જી શ્યાબ, જી શ્યાબ” કરતો એ પછવાડે વિરાન ગલીમાં પેઠો.. દુબળી પાતળી નાનીશી કાયા હજી ભયથી ધ્રૂજી રહી હતી..એને કઈ બાજુ જવું એનું દિશા ભાન ભુલાઈ ગયું હતું . કારણકે મનમાં એક પાશવી ભય આકાર લઈ રહ્યો હતો. એનું બાલ માનસ વિચારી રહ્યું હતું કે જો કામ પૂરું નહીં થાય તો સાંજે ચામડા ફાડી નાખે એવો ઢોર માર ખાવાનો છે..

પાછલી વખતે પડેલો માર આ નાનકડો જીવ ભુલ્યો નહોતો.. વજન ટાંગવાની લોઢાની ખૂંટીએ એને ઉંધો બાંધી એવો ભયંકર માર મારવામાં આવેલો કે એના બેય હાથ અને પગ પર લોહીનાં ગઠ્ઠા જામી ગયેલા, બરડો ચીરાઈ એમાંથી લોહી નીકળતું હતું પણ માર તો ચાલુ જ હતો. 27 દિવસનાં ખાટલા બાદ એ સાજો થયો હતો.. મનમાં ફડક પેસી ગઈ હતી કે જો આજે કામ નાં પતાવ્યું તો…???

ગ્રાહક ની શોધમાં નાનકડો શ્યામલો ચોક, ચાર રસ્તા અને માર્કેટમાં ભટકી રહ્યો હતો. જેમ સાંજ પડતી ગઈ એમ એની બીક પણ વધતી ગઈ. આખા દિવસની રઝળપાટ અને હાડમારી બાદ પણ એકેય ગ્રાહક ના મળતાં એનું હૃદય ફફડી રહ્યું હતું. હવે શુ થશે? મને મારી નાખશે? મને કાપી નાખશે?? હું ભાગી જાવ? પણ ભાગીને જાઉં ક્યાં? પોલીસમાં જઈશ તોય એ મને પકડી જ પાડશે અને પછી?? ના ના ભગાય થોડું. વિહવળ બની ગયેલું અને અર્ધપાગલ જેવું મન વિદ્રોહી બની રહ્યું હતું અને સંવાદ સાધી રહ્યું હતું કે ક્યાં સુધી આ બધું સહન કર્યા કરીશ.. તારી જિંદગી તો બગડી ગઈ છે અને હવે તું બીજાની બગાડવા ઉભો થયો છે? ઉઠ અને જીતવા સુધી લડયે રાખ..

વિચાર વમળ માંથી બહાર નિકળતાવેંત એને ભાન થયું કે રાતનાં 2 વાગવા આવ્યા છે. આજેય કોઈ મળ્યું નહીં.. તેથી માર ખાવાની માનસિક તૈયારી સાથે એ ફરી વિરાન ગલી ભણી ઉપડ્યો.. અને પોતાનાં ભૂતકાળનાં જીવનમાં ખોવાયો..

શ્યામલનાં પિતા સરકારી વિભાગમાં બસ ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા.. એની માતા એક આદર્શ ગૃહિણી હતા. શ્યામલ નું આ ત્રણ જણાનું નાનકડું કુટુંબ રુકસણ નામનાં એક ડુંગરાળ ગામમાં રહેતું હતું. 12 એકર જમીન પણ ખરી. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો શ્યામલ ભણવામાં હોશિયાર હતો. પણ એનો જીવ ખૂબ રમતિયાળ.. હંમેશા હસતું ખેલતું કુટુંબ ગામમાં આદર્શ હતું.. પણ એમને ક્યાં ખબર હતી કે ખુશીની એ પળો કાયમ માટે છીનવાઈ જવાની છે.

એક ગોઝારી રાત્રે એનાં પિતાને હૃદય રોગનો હુમલો આવ્યો અને આ એટેકમાં શ્યામલ બાપ વિહોણો થઈ ગયો.. જીરવી ના શકાય એવું દુઃખ માઁ-દીકરાને વળગી ગયું.. એકજ ક્ષણમાં હર્યો ભર્યો પંખીનો માળો જાણેકે કોઈ શિકારીનાં તીરથી વીંધાઈ ગયો.. ઘર તૂટ્યું અને દારૂણતાં પ્રવેશી.. વધારાની કચાશ શ્યામલનાં કાકા અને કાકી એ ઉતારી દીધી. એની માઁ ને જ પોતાના પતિને ભરખી જનારી ડાકણ ચીતરી ગામમાં બદનામ કરી દીધી અને 12 એકર જમીન પણ પચાવી પાડી.. દાઝ્યા ઉપર ડામ દીધો.. ગામે જાકારો આપી વહેવાર તોડી નાખ્યો.. કાલ સુધી સાથે ફરનારી બાઈયો આજે એને પોતાનો ધણી ખાનારી અપશુકનિયાળ માની ફિટકાર વરસાવી રહી હતી અને પોતપોતાની સાસુ માટે કકળાટ કરવા સંઘરેલા રૂઢિગત શબ્દોનાં ઠીકરા આ નિર્દોષ સ્ત્રી ઉપર ફોડી રહી હતી…એ લાચાર અને ધણી વિહોણી અભણ સ્ત્રી નાછૂટકે ગામ છોડી પોતાનાં પેટ જણ્યાં શ્યામલાને લઈને શહેરમાં આવી..

સૂરસા ની ચાલીમાં એક નાનકડી ખોલી ભાડે રાખી રૂપિયા વાળાનાં ઘરનો કચરો કાબડો, કપડાં લત્તા, વાસણ વખરી વગેરે સાફ કરી જીવન ગુજારવા લાગી.. એક સમયનું સ્વમાની જીવન જીવતી પોતાની માઁ ને આ હાલતમાં જોઈ શ્યામલો આખી રાત રડતો.. માં ને મદદ કરવા પોતે પણ કંઈક કામ કરવું જોઈએ એવું સમજી એ કામની તલાશમાં ભટકતો.. ઉમર નાની એટલે કામ કોઈ આપે નહિ….

હાઇ-વે બાજુની એક નાનકડી ચા ની ઠપલી પર એને કામે રાખી લેવામાં આવ્યો.. “જો છોકરાં, કસ્ટમરને ચા પીવડાવ્યા પછી ટેબલ ની સાફ સફાઈ તારે કરવાની, કોઈ કાંઈ બબડે તો સામો જવાબ નહીં આપવાનો. ચૂપ ચાપ નીકળી આવવાનું.. રોજનાં પચાસ રૂપિયા આપીશ.. જો કોઈ કપ રકાબી તારાથી તૂટશે તો એના પૈસા કાપી લઈશ. રકાબી ધોતા ધોતા બહાર નહીં આવવાનું. હું બોલાવું તોજ બહાર નીકળવાનું નહીતો વાડામાં પડ્યું રહેવાનું. મંજુર હોય તો કાલથી આવી જાજે…

કામ મળવાની હોંશમાં એ ભણવાનું છોડી ઠપલી પર લાગ્યો..દિવસો વીતતાં ચાલ્યાં અને શ્યામલો છોટુ તરીકે પંકાતો ચાલ્યો.. કંઈક નાનું મોટું તૂટે ફૂટે તોય એના શેઠ એને માનવતા ખાતર માફ કરી દેતા. એ પણ સમજતાં કે આટલી ઉંમરમાં કામ કરે છે તો નક્કી મજબૂર પણ ખુમારી વાળો માણસ જ હોય.. બાકી આવડા છોકરાઓને ભીખ માંગતા ક્યાં નથી આવડતું.. કોઈ પણ એનું દયામણું મોઢું જોઈ પાંચ-પચ્ચીસ રૂપિયા આપતું જાય..

એક દિવસ ઠપલી પર એક ગંભીર જણાતો કરડાકી ભર્યો નવો ચહેરો દેખાણો. એણે શ્યામલાને બોલાવીને કીધું મારી સાથે કામ કરીશ? તને રોજનાં 500 રૂપિયા આપીશ.. અવઢવમાં મુકાયેલ શ્યામલો તો એને જોતો જ રહી ગયો.. રોજનાં 500? બે ઘડી તો એને વિશ્વાસ જ ના બેઠો…

“ના, ના હું અહીંયા જ બરાબર છું. મને બીજું કાંઈ નથી આવડતું.” શ્યામલાએ દબાતા સ્વરે જવાબ વાળ્યો..

“શ્યામલ, બેટા આવો મોકો તો તને ફરી ક્યારેય નહીં મળે. હું આખો દિવસ આ ઠપલી ચલાવું ત્યારે માંડ 400- 500 કમાવ છું. તારે જવું હોય તો જા. મારી ના નથી.” ઠપલી માલિકે શ્યામલાને સમજાવતા કહ્યું.

” મારે કામ શુ કરવાનું શ્યાબ? શ્યામલને જિજ્ઞાસા હતી કે ક્યાં કામનાં મને આટલાં બધા પૈસા મળવાનાં છે?

” કાંઈ જ નહીં.. તારે માર્કેટિંગ કરવાનું . હું જે વસ્તુ આપું એના માટે તારે ગ્રાહક શોધી લાવવાનો. બસ પૂરું..” અજાણ્યો માણસ એવી રીતે બોલ્યો જાણે કે આ કામ તો બાળક પણ કરી શકે..

શ્યામલા એ તરત હા કરી દીધી અને ઘરે જઈને માઁને બધી વાત કરી. “માઁ તું આખા મહિનામાં 6 કે 7 હજાર કમાય છેને? હવે તારે કામે જવાનું બન્ધ. કાલથી મને 15 હજાર મળવાનાં છે.” પછી શ્યામલાએ માંડીને બધી વાત કરી..

એની માઁ થોડી કચવાણી પણ એ કાઈ બોલી નહિ..બીજે દિવસથી તે નવી જગ્યાએ કામે લાગ્યો.. નવું શહેર હતું. પેલો અજાણ્યો માણસ આવ્યો અને હાથમાં એક નાનકડી પડીકી પકડાવીને સમજાવી રહ્યો હતો “જો આ પડીકી..આ વેચવાની તારે.. ગ્રાહક શોધી લાવવાનાં.. રોજે તને હું પૈસા આપીશ..”

એ પડીકી ગાંજાની હતી. અને એ અજાણ્યો માણસ એ શહેરનો નામચીન ગુંડો હતો એની છાપ હતી “હન્ટર”. આ હન્ટર આખા શહેરમાં ગાંજો અને હેરોઇન,કોકેઇન, ડ્રગ્સ વગેરે સપ્લાય કરતો.

વેચવા માટે આવા નાનાં બાળકોને રાખતો હતો જેથી પોલીસને હાથતાળી આપીને છટકી શકાય..

શ્યામલાને ખબર પડીકે આ તો ભયંકર વસ્તુ છે એનાથી છેટા રેવામાં જ ભલાઈ છે. તેથી એણે વેચવાની ના પાડી દીધેલી અને હન્ટરે એને પોતાનાં અડ્ડા પર લઈ જઈ ખૂબ મારેલો.. અને એની માઁને પકડી લાવી શ્યામલની નજર સામે જ એને છરીનાં 10-12 ઘા ઝીંકી મારી નાખેલી.. ભયંકર રુદન કરતો શ્યામલો ત્યાંજ ફસડાઈ પડેલો… પછી કોઈપણ આનાકાની વગર એ ગાંજો વેચતો.. જ્યારે ગ્રાહક ના મળે ત્યારે એને ખૂબ મારવામાં આવતો..આખી ઝલક એનાં સ્મૃતિ પટ પર સદ્રશ્ય થઈ આવેલી..

વિચારો માંથી બહાર નીકળી એણે જોયું તો પેલી જર્જરિત ગલી આવી ગઈ હતી અને અડ્ડામાં પેલો કાળ મુખી હન્ટર આખો ફાડીને બેઠો હતો.. શ્યામલાને આવતા જોઈને પણ એનામાં કોઈ જ હલન ચલન ના જણાયું. ડરનો માર્યો શ્યામલો રડતો રડતો ગ્રાહક નહી મળવાનાં હજારો વણમાંગ્યા કારણો ગણાવી રહ્યો હતો. સામેથી કોઈજ પ્રતિક્રિયા ના મળતાં શ્યામલો નજીક ગયો અને ખુરશીમાં બેઠેલા હન્ટરને ધારીને જોયું તો 8-10 બન્દુકની ગોળીયોથી એનું શરીર ચાળણી થઈ ગયું હતું… ગેંગવોરમાં અંગત અદાવત ધરાવનાર અન્ય ગુંડાઓએ એનું ઢીમ ઢાળી દીધું હતું.. શ્યામલો સ્વર્ગ જીત્યાંનો આનંદ પામ્યો અને હર્ષની ચિચિયારીઓ પાડતો ગલીમાં ભાગ્યો.. હવે એ હમેશ માટે આઝાદ હતો..

લી:- હસમુખ ગોયાણી

Leave a Reply

error: Content is protected !!