ઇલોરાની ગુફાઓમાં આવેલું કૈલાસમંદિર – અદ્ભુત ઈતિહાસ અને બાંધણી

અદ્ભુત અને અવર્ણનીય શિલ્પકલા ધરાવતા પ્રાચીન ભારતીય મંદિરોની યાદીમાં જેને સર્વદા આગવો ક્રમ મળે એવું મંદિર એટલે ઇલોરાની ગુફાઓમાં આવેલું કૈલાસમંદિર.કૈલાસમંદિરની પ્રશંસા કરતા કલારસિકો થાકતા નથી.સામાન્ય માણસ પણ જેનો ભવ્ય નજારો જોઇને અભિભૂત થઇ જાય એ કૈલાસમંદિરની શ્રેષ્ઠતા છે.આ અભિભૂત કરી દેનારા મંદિરને ઘણા લોકો “સંગેમરમરમાં કંડારેલું કાવ્ય” તરીકે પણ ઓળખે છે.કૈલાસમંદિર એટલે ભારતીય સંસ્કૃતિના આર્કીટેક્ચરનું શ્રેષ્ઠ ઉદાહરણ!

મહારાષ્ટ્રના ઔરંગાબાદ જીલ્લામાં ઇલોરાની ૩૪ ગુફાઓ આવેલી છે.જેમાંની અમુક ગુફાઓ મહાયાન બૌધ્ધ,કેટલીક દિગમ્બર જૈન તો કેટલીક હિન્દુ સંસ્કૃતિની ધરોહર સમાન છે.પણ ઇલોરાની ગુફાઓની મુલાકાત લેવા પ્રવાસીઓ વધુ પડતાં આકર્ષાય અને જે સૌથી વધારે નોંધનીય છે તે છે : ઇલોરાની ૩૪ ગુફાઓ પૈકીની નંબર ૧૬ની ગુફા!

અને આનું કારણ છે આ ગુફામાં આવેલ ભવ્યાતિભવ્ય કૈલાસમંદિર !હાં,કૈલાસમંદિર પોતાની વિશિષ્ટ કારીગરીથી બેજોડ છે.ભગવાન શિવને મધ્યમાં રાખી બનાવેલા આ મંદિરને હિમાલયની કંદરાઓમાં આવેલા કૈલાસ પર્વત જેવો જ ઘાટ આપવામાં કારીગરોએ તનતોડ મહેનત કરેલી જણાય છે.

આ મંદિર સાડા બારસો વર્ષ કરતા વધુ સમય પહેલાંનુ છે…!ઇલોરાની ગુફાઓનું નિર્માણ રાષ્ટ્રકુટોએ કરેલું હોવાનું કહેવાય છે.કૈલાસમંદિરને રાષ્ટ્રકુટ રાજા કૃષ્ણ પ્રથમે બનાવ્યું હોવાનું કહેવાય છે અથવા તો કૃષ્ણ પ્રથમે ઇ.સ.૭૫૩ થી ૭૬૦ના સમયગાળા દરમિયાન તેને બંધાવવાની શરૂઆત કરી એમ કહેવું વધારે યોગ્ય છે.કેમ કે,આ મંદિરને બનાવતા ૧૫૦ વર્ષ લાગ્યા હતાં…!અને આ માટે ૭,૦૦૦ મજુરોએ લગાતાર કામ કર્યું હતું!

કૈલાસમંદિર બાબતની સૌથી વિશિષ્ટ વાત એ છે કે,આખું મંદિર એક જ પથ્થરમાંથી નિર્મિત થયું છે!કહેવાય છે કે,આ માટે એક પહાડમાંથી વિશાળકાય ખંડ અલગ કરવામાં આવ્યો હતો…!આ મંદિર બનાવવા માટે રાષ્ટ્રકુટોએ વિરુપાક્ષ મંદિરમાંથી પ્રેરણા લીધી હોવાનું પણ કહેવાય છે.ગુપ્તયુગ પછી આવું ભવ્ય બાંધકામ થયું હોવાના દાખલા અત્યંત અલ્પ છે.

ગુપ્તયુગના પતન પછીના સમયમાં રાષ્ટ્રકુટોએ દક્ષિણ ભારતમાં પોતાની સત્તા સ્થાપી હતી.રાષ્ટ્રકુટ વંશનો સ્થાપક દંતિદુર્ગ હતો.તેઓની રાજધાની માન્યખેટ[નાસિક]માં હતી.

કૈલાસમંદિર એ દુનિયાનું સૌથી વિશાળ ગુફામંદિર છે.મંદિરમાં વિશાળ શિવલિંગ પણ છે.મંદિરની દિવાલો પર અદ્ભુત કોતરકામ થયેલા છે.ભગવાન શિવની નટરાજ સ્વરૂપ તાંડવ કરતી વેગમાન પ્રતિમા કલાગીરીનો ઉત્કૃષ્ટ નમુનો છે.શિવ-પાર્વતીની પ્રતિમાઓ પણ મનોહર છે.બે મઝલા ઉંચા આ મંદિરની ઉંચાઈ ૯૦ ફીટ છે.જ્યારે લંબાઇ ૨૭૬ ફીટ અને પહોળાઇ ૧૫૪ ફીટ છે.મંદિરની પરીસર પ્રમાણમાં વિશાળ  છે.ત્રણ બાજુ દિવાલ રહેલી છે.વચ્ચે નંદીનું શિલ્પ છે.અને બીજી બાજુ સ્તંભમાંથી બનાવેલ બે હાથીની પ્રતિમાઓ એ વખતની કારગરી શૈલીનું ઉદાહરણ આપી મંત્રમુગ્ધ કરી દેનારી છે.પરિસરને જોડતો ઉપરનો સેતુ હાલ અસ્તિત્વમાં નથી.કહેવાય છે કે,આ મંદિરના નિર્માણ માટે ૪૦ હજાર ટન પથ્થર કોતરીને કાઢવો પડેલો…!

એક મત મુજબ,આ મંદિરમાં અગાઉ પૂજા થયાના કોઇ પ્રમાણ નથી.શિવના આવા જબરદસ્ત મંદિરમાં પૂજા કરવામાં આવતી નથી !માટે હાલ પણ અહીં કોઇ પૂજા-વિધિ થતી નથી.

દ્રવિડ સ્થાપત્ય શૈલીના વિરલ નમુનારૂપ આ મંદિરને યુનેસ્કો દ્વારા ઇ.સ.૧૯૮૩માં હેરિટેજ સાઇટ ઘોષિત કરવામાં આવેલું.સાડા બારસો વર્ષ પૂર્વેની ભવ્ય લાલિમાને જાળવતું આ મંદિર ઇલોરાની શાન વધારતું દિગગ્જની જેમ ઊભું છે…

Leave a Reply

error: Content is protected !!