અહી રામજી કે હનુમાનજી ની નહિ – કુતરાની પૂજા થાય છે – આ મંદિર વિષે વાંચવા અહી ક્લિક કરો

ભારત ધર્મ ઉપર વિશ્વાસ કરનારો દેશ છે.પુરાણકાળથી જ ભારતીય હિન્દુ પ્રજાનો પૂજા-પાઠ,હોમ-હવન પ્રત્યે વિશ્વાસ રહ્યો છે.માટે કહી શકાય કે ભારતની પ્રજા એ ધર્મપ્રેમી પ્રજા છે.અને માટે જ તો અહીં આપણને થોડા-થોડા અંતરે અવશ્ય મંદિરો જોવા મળે જ છે.એમ પણ કહી શકાય કે,અહીંની પ્રત્યેક ગલીમાં મંદિરો છે!

આ મંદિરોમાં બાંધકામની સાથે આરાધ્યદેવોમાં પણ ભિન્નતા જોવા મળે છે.કોઇ મંદિરમાં વિષ્ણુ,કોઇમાં હનુમાન,શંકર,બ્રહ્મા,રામ,કૃષ્ણ તો કોઇમાં વિવિધ દેવીઓની મૂર્તિઓ જોવા મળે છે.

પણ આજે અમે તમને એક એવા મંદિર વિશે કહેવા જઇ રહ્યાં છીએ જેના વિશે ના તો તમે અગાઉ સાંભળ્યું હશે કે ના જોયું હશે!

વાત છે છત્તીસગઢ રાજ્યના દુર્ગ જીલ્લામાં આવેલ ખાપરી ગામના “કુકુરદેવ” મંદિરની.આ મંદિર વિશેની અજીબો-ગરીબ વાત એ છે કે,અહીં કોઇ દેવી-દેવતાની નહી પણ એક કુતરાની પૂજા થાય છે ! ( કુકુર = કુતરો,શ્વાન ).

હાં,અહીં એક કુતરાની મૂર્તિની આરાધના થાય છે.અને આ અજીબ બાબતને લીધે જ તો મંદિરના પરીસરની બહાર મારેલા બોર્ડને વાંચીને જ ઘણા ખરા ઉત્સુકો અહીં દોડ્યા આવે છે !

જો કે,અહીં મંદિરમાં શિવલિંગની સાથે અન્ય ઘણી પ્રતિમાઓ પણ સ્થાપિત છે પણ આ મંદિરનું મુખ્ય આકર્ષણ તો કુતરાંની પ્રતિમા જ છે!

આ મંદિરના ગર્ભગૃહમાં એક કુતરાની મૂર્તિ સ્થાપિત થયેલી છે.અને બાજુમાં જ એક શિવલિંગ પણ છે.મંદિર અંદાજે ૨૦૦ મીટરના ઘેરાવામાં ફેલાયેલું છે.મંદિરના પ્રવેશદ્વારની ઉપર બંને બાજુ કુતરાના શિલ્પો લગાવવામાં આવ્યા છે.લોકો શિવલિંગની સાથે સાથે કુકુરદેવની પણ પૂજા કરે છે.મંદિરના ગુંબજ પર ચારેય દિશાઓમાં નાગના શિલ્પો કોતરવામાં આવેલા છે.જેના પરથી સાબિત થાય છે કે,આ મંદિરનું નિર્માણ ફણી નાગવંશી શાસકો દ્વારા ૧૪મી થી ૧૫મી સદીના સમયગાળા દરમિયાન કરવામાં આવેલું છે.ઉલ્લેખનીય છે કે,નાગને પોતાના દેવતા માની એની આરાધના કરતો સમુહ સમય જતાં નાગવંશી કહેવાયો.મહાભારત કાળથી તેમનો ઉલ્લેખ મળે છે.

કુકુરદેવના દર્શનથી દુર થાય છે આ બિમારીઓ –

લોકો માને છે કે,અહીં દર્શન કરવાથી ઘણી સમસ્યાઓ દુર થઇ જાય છે.કહેવાય છે કે,કુતરું કરડ્યું હોય તો અહીં આવવાથી સારું થઇ જાય છે.આ ઉપરાંત,મુખ્યત્વે ૨ વર્ષ સુધીના બાળકોને થતી ગંભીર ઉધરસ કે જેને “કુકુર ખાંસી” અથવા તો “કાળી ઉધરસ” કહેવાય છે તે દુર થઇ જાય છે.

આખરે શું કારણ છે કે અહીં એક શ્વાનની પૂજા થાય છે –

કોઇ એક સમયે અહીંના વિસ્તારમાં વણઝારાઓની ગિસ્ત વસવાટ કરતી હતી.કુકુરમંદિરમાંથી પ્રાપ્ત થયેલ શિલાલેખ પર જોવા મળેલાં વણઝારાના ચિત્રોથી આ વાતને આધાર સાંપડે છે.અહીં બાજુમાં જ માલીધોરી નામનું ગામ છે.કહેવાય છે કે ગામનું નામ “માલીધોરી”નામના એક વણઝારાના નામ પરથી પડ્યું છે,જે કોઇ એક કાળે અહીં વસવાટ કરતો હતો.

એક વખત આ વિસ્તારમાં ગાયો મંકોડા ચરે એવો દુકાળ પડ્યો.વણઝારાઓના માથે કસોટીના ભાર લદાયા.માલીધોરી નામના વણઝારા પાસે એક વફાદાર કુતરો હતો,જે તેને બહુ વ્હાલો પણ હતો.પણ કપરા કાળને લીધે તેણે એ કુતરાને શાહુકારને ત્યાં ગીરવી રાખ્યો.

હવે બન્યું એવું કે,એક અંધારી રાતે તસ્કરોએ શાહુકારના ઘરમાં ખાતર પાડ્યું.સારો એવો માલ એકઠો કરીને ચોરો જવા લાગ્યાં.ચાલાક કુતરાએ આ જોયું.તે ભસ્યો નહી.ચોરોની પાછળ જવા લાગ્યો.ચોરો આવ્યા તળાવની પાળે.એક યોગ્ય ઠેકાણું ગોતી ખજાનો દાટી દીધો.ચોરો ચાલ્યા ગયાં,કુતરો પણ ઘરે ગયો.

સવારે શાહુકારની ધોતી પકડીને કુતરો એને સરોવરને કાંઠે દોરી લાવ્યો.જે ઠેકાણે ચોરોએ લૂંટનો માલ દાટેલો એ જગ્યા શાહુકારને બતાવી.શાહુકારને એનો ચોરાયેલો માલ મળી ગયો.

“જા,આ ઉત્તમ કામ બદલ હું તને આઝાદ કરું છું!જા જઇને રહે તારા માલિક પાસે.”શાહુકાર ખુશ થયો.એણે કુતરાના પ્રશંસનીય કાર્યને વર્ણવતી ચીઠ્ઠી લખી અને કુતરાંના ગળે બાંધી.કુતરો પોતાના માલિકને મળવા હરખાતો દોડ્યો.

માલીધોરીએ દુરથી કુતરાંને આવતો જોયો.”નક્કી આ હરામી કંઇક કબાડું કરીને આવતો હશે.શાહુકારને ત્યાં મારી આબરૂના લીરેલીરા કાઢીને હવે આવે છે કાળમુખો!”એ બબડ્યો.કુતરો નજીક આવ્યો ને હજી તો હર્ષના આવેગમાં એના માલિકના ચરણોમાં આળોટવા જાય ત્યાં જ માલીધોરી બરાડ્યો:”હવે શું મોઢું લઇને આવ્યો છે,કપાતર!’અને એણે હાથમાં રહેલી ડાંગ ફેરવીને કુતરાના બરોબર લમણામાં ફટકારી.કુતરાની ખોપરી ફાટી ગઇ.તમ્મર ખાઇને એ ઢળી પડ્યો,એનું પ્રાણપંખેરું ઉડી ગયું.

થોડી વાર પછી શાંત થયેલા માલીધોરીએ મરેલાં કુતરાંના ગળામાં એક ચીઠ્ઠી ભાળી.એણે ચીઠ્ઠી વાંચી અને એ એકદમ રોઇ પડ્યો.એને પોતાનો કર્યાનો ખુબ પસ્તાવો થયો.થોડું વિચાર્યું હોત તો આવા વફાદાર મિત્રને ખોવાનો વખત ના આવત!પણ હવે શું થાય?ભૂતકાળમાં એ લીંપણ કરવા જઇ શકે એમ નહોતો.ગુસ્સામાં લેવાયેલા ખોટા નિર્ણયને કારણે પછી જીંદગીભર પસ્તાવાનો વારો આવે તે આનું નામ…!

પછી કહેવાય છે કે,માલીધોરીએ ત્યાં જ પોતાના લાડકવાયા કુતરાની મૂર્તિ સ્થાપી અને મંદિર પણ બનાવ્યું.આજે લોકો આ ગુરૂદત્તના ગુરૂના દર્શને આવે છે.

નોંધ: આ પોસ્ટ બીજી વેબસાઈટ માં કોપી પેસ્ટ કરીને મુકવી નહિ

Leave a Reply

error: Content is protected !!