બોલ્ડ સ્ત્રીઓ માટે ખાસ – હોઠને રસાળ અને ઉભરતા દેખાડવા આટલું કરો

લિપ્સને સારા દેખાડવાની ઘેલછા ફક્ત સેલિબ્રિટીઝમાં હોય છે એવું નથી, કૉલેજ જતી ટીનેજરો અને મિડલ ક્લાસ ગૃહિણીઓ પણ આ ક્રેઝના સપાટામાં આવી ગઈ છે

માધુરી દીક્ષિતની સ્માઇલ આજે પણ દિલ પર રાજ કરે એવી છે. ચહેરાનાં ફીચર્સ ઊભરતાં દેખાય એ માટે ઘણી બ્યુટી-ટ્રીટમેન્ટ આજે ઉપલબ્ધ છે, પરંતુ મોટા ભાગે આ ટ્રીટમેન્ટ્સ સેલિબ્રિટીઝને કારણે ચર્ચામાં આવતી હોય છે. જેમ કે લિપ-એન્હૅન્સિંગ માટે કૅટરિના, પ્રિયંકા અને અનુષ્કા વારંવાર સમાચાર બની છે. જોકે તેમનું એન્હૅન્સિંગ સારું દેખાતું હતું, પરંતુ ખરાબ એન્હૅન્સિંગ માટે પણ અભિનેત્રીઓ સમાચાર બની છે તો ટ્રીટમેન્ટથી એન્હૅન્સિંગ ખરાબ થાય અને ચહેરો બગડે એના કરતાં કુદરતી રીતે એન્હૅન્સિંગ કરીને થોડા કલાક માટે પોતાનો લુક જાણવો હોય તો શું કરવું એ જાણો.

કુદરતી રીતે હોઠ ઊભરતા દેખાય એ માટેના નુસખા જાણીએ ડર્મેટોલૉજિસ્ટ માધુરી અગ્રવાલ પાસેથી. કુદરતી ઉપાયોથી ચાર-પાંચ કલાક માટે તમારા હોઠને પ્લમ્પ લુક આપી શકાય. ડૉ. માધુરી કહે છે, ‘લિપ્સને શુગરથી એક્સફોલિએટ કરી શકાય એટલે કે હોઠ પરથી મૃત ત્વચા કાઢી શકાય. માત્ર શુગરનો ઉપયોગ કરવાથી હોઠ પર બળતરા થશે એથી થોડું પાણી લેવું. હોઠને વધારે બળતરા ન થાય એ માટે કોકોનટ ઑઇલ લગાવવું. એનાથી હોઠનું બ્લડ-સક્યુર્લેશન સુધરશે. એક્સફોલિએશનથી હોઠ થોડા ફૂલેલા દેખાશે. આ ઘરેલુ નુસખો તમને યુવાન લુક આપશે. લિપ્સ થોડા ફૂલેલા દેખાય ત્યાર બાદ તમે ગ્લૉસ કે લિપસ્ટિકનો ઉપયોગ કરી શકો છો. એ સિવાય સિનેમન ઑઇલ, પેપરમિન્ટ એસેન્શિયલ ઑઇલ, કાયેન ઑઇલ સારા ઘરેલુ નુસખા છે.’

આ ઑઇલ હોઠની રુધિરવાહિનીઓને સ્ટિમ્યુલેટ કરે છે અને લોહીનું ભ્રમણ વધારે છે, જેના કારણે લિપ્સ થોડા ફૂલેલા અને પિન્કિશ દેખાશે. તેલમાં તમે તમારું લિપગ્લૉસ કે બામનું નાનું ટીપું ઉમેરો જેથી ઇચ્છનીય લિપ-કલર મેળવી શકાય. એસેન્શિયલ ઑઇલ થોડાં જલદ હોય છે. એથી હોઠ પર બળતરા કે જલન પેદા થતી હોય છે. એના કારણે આપણે સાદી ભાષામાં કહીએ એમ હોઠ સૂજી જાય છે. બટ નો પેઇન નો ગેઇન.


ડૉ. માધુરીના કહેવા મુજબ આ એસેન્શિયલ ઑઇલને હોઠ પર ગ્લૉસની જેમ જ લગાવીને રહેવા દો. થોડી જ મિનિટમાં એની અસર દેખાવાની શરૂ થશે. ત્યારે યોગ્ય મેકઅપ કરીને હોઠને ઊપસેલા બતાવી શકાય છે. તેઓ લોકોની ગેરમાન્યતા દૂર કરતાં કહે છે, ‘ઘણી વખત યુવતીઓ માની લે છે કે અમુક પ્રકારની એક્સરસાઇઝ કરવાથી લિપ-એન્હૅન્સ થાય છે. આ કસરતોમાં પાઉટ, લિપ-સ્ટ્રેચિંગ, વ્હિસલિંગ, કિસિંગ કરવાથી પાઉટ બને છે; પરંતુ એ બહુ જ ખોટી માન્યતા છે. જ્યારે પણ એ કસરત કરો છો ત્યારે સ્નાયુઓ ખેંચાય છે અને જૉ-લાઇન દેખાતી થાય છે. ઘણી વખત આ કસરત કરવાથી હોઠની આસપાસના વિસ્તારમાં કરચલીઓ પડી જતી હોય છે. ઘણા લોકો હોઠની લાઇન દેખાડવા માટે સિગારેટનો સહારો લેતા હોય છે. એનાથી હોઠ પર તદ્દન વિપરીત અસર પડે છે. એટલે હું કોઈ પણ પ્રકારની કસરત કરવાની સલાહ નથી આપતી. લિપ-એન્હૅન્સિંગ માટે સર્જરી નથી કરાવવી પડતી.

એને પણ કુદરતી રીતમાં ગણાવી શકાય. મારા મત મુજબ એ કરાવવામાં પણ કોઈ જોખમ નથી. એ ન કરાવવું હોય અને લિપ-એન્હૅન્સિંગ ક્રીમનો ઉપયોગ કરવો હોય તો પણ વાંધો નથી. જોકે ક્રીમની કિંમત સાતેક હજાર રૂપિયાની આસપાસ હોય છે અને કૉસ્મેટિક પ્રક્રિયામાં પંદરેક હજાર રૂપિયાનો ખર્ચ લાગે છે. તો એ બન્નેમાં વધારે ફરક પણ નથી.’

કૉસ્મેટિક પ્રક્રિયાને શા માટે કુદરતી પ્રક્રિયા સ્વરૂપે જોવામાં આવે છે એ જાણીએ. કૉસ્મેટિક સજ્ર્યન ડૉ. મોહન થૉમસે અમેરિકામાં ૨૦ વર્ષ પ્રૅક્ટિસ કર્યા બાદ ૨૦૦૧માં ભારતમાં પ્રૅક્ટિસ શરૂ કરી. ડૉ. મોહન આ ટ્રીટમેન્ટ વિશે સ્પષ્ટતા કરતાં કહે છે, ‘લિપ-એન્હૅન્સિંગ માટે સેલિબ્રિટીઝ તો બહુ જ નાનો ભાગ છે. અમારી પાસે મોટા ભાગે સામાન્ય લોકો આવે છે.

કૉલેજ-ગોઇંગ, મિડલ ક્લાસ પીપલથી જ અમારું ક્લિનિક ભરાયેલું હોય છે. છેલ્લાં પંદર વર્ષમાં લિપ્સને સારા દેખાવાની ડિમાન્ડ ખૂબ જ વધી છે એનું કારણ હૉલીવુડ કે બૉલીવુડની સેલિબ્રિટીઝ ન કહી શકાય. મોટા ભાગે નૅશનલ અને ઇન્ટરનૅશનલ મેકઅપ બ્રૅન્ડ્સે લોકોના મનમાં લશ લિપ્સ, સેક્સી લિપ્સ, કિસેબલ લિપ્સની ડિઝાયર પેદા કરી છે. ઇન્જેક્શનથી લિપ-એન્હૅન્સિંગ કરવામાં આવે છે જેને કુદરતી ગણાવી શકાય. પર્ટિક્યુલર નીડલથી અપર અને લોઅર લિપ્સમાં સિન્થેટિક મટીરિયલ્સ ઇન્જેક્ટ કરવામાં આવે છે. એમાં સૌથી પહેલાં લિપ્સનું ઍનૅલિસિસ કરવામાં આવે છે. વ્યક્તિને લિપ-એન્હૅન્સમેન્ટ સૂટ થશે કે કેમ? દરેક વ્યક્તિ ઍન્જલિના જોલીની જેમ લિપ્સને સાચવી ન પણ શકે. મારે કોઈ પ્રખ્યાત વ્યક્તિનાં નામ નથી આપવાં, પરંતુ તમને ખબર જ હશે કે લિપ-એન્હૅન્સિંગ વિચાર્યા વગર કરાવીને કેટલો ખરાબ લુક આવે છે.’

લિપ-એન્હૅન્સિંગમાં પણ ઘણા પ્રકારો હોય છે એમ જણાવતાં ડૉ. મોહન કહે છે,  ‘લિપ્સને માત્ર બૉર્ડરલાઇનથી ફૂલેલો લુક આપવો કે વચ્ચેના ભાગમાં એ પણ મહત્વનું હોય છે. એક વાર એ નિરીક્ષણ થાય ત્યાર બાદ કુદરતી મટીરિયલયુક્ત ઇન્જેક્શન આપવામાં આવે છે. હાયોલ્યુરોનિક ઍસિડ સો ટકા હ્યુમનના ટિશ્યુમાંથી બનતું સિન્થેટિક મટીરિયલ છે. એના ઇન્જેક્ટ કર્યાના પંદરથી વીસ મિનિટમાં તમને પરિણામ મળી જાય છે. ધારો કે અમેરિકામાં જો લિપ-એન્હૅન્સિંગ કરાવનારનું પ્રમાણ ૩૦૦ ટકા છે તો ભારતમાં ૨૦૦ ટકા તો છે જ. આજ સુધી લિપ-એન્હૅન્સિંગમાં કોઈને પણસાઇડ-ઇફેક્ટ થઈ હોય એવા કેસ નોંધાયા નથી. એ ટેમ્પરરી અને પર્મનન્ટ એમ બન્ને રીતે થાય છે. અમે પહેલાં તેમને શૉર્ટ-ટર્મ માટેની સલાહ આપીએ છીએ. એક વખત કરાવવાનો ખર્ચ ૧૫થી ૨૦ હજાર રૂપિયા થાય છે જે છ-આઠ મહિના ચાલે છે.’ જ્યારે આ ટ્રીટમેન્ટનો ઉપયોગ કરવો જ ન હોય તો શું કરવું એ પણ જાણી લો.

ટીવી-ઇન્ડસ્ટ્રીમાં ફૅશન-સ્ટાઇલિસ્ટ તરીકે કામ કરતી સલોની કોઠારી કહે છે, ‘મેકઅપ દ્વારા લિપ-એન્હૅન્સિંગનો ભાસ પેદા કરી શકાય છે. અપર લિપ્સના ભાગમાં શાઇનર અથવા ગ્લૉસનો ઉપયોગ કરવાથી લિપ્સ ફૂલેલા દેખાવાનો ભાસ પેદા થશે. એ સિવાય લિપ્સની બૉર્ડર પર ડાર્ક શેડ અને અંદરની બાજુ લાઇટર શેડ કરવાથી પણ આ ઇફેક્ટ પેદા થશે. મલ્લિકા શેરાવતના મેકઅપમાં આ ઇફેક્ટ જોવા મળતી હતી. અનુષ્કા શર્માએ જ્યારે લિપ-એન્હૅન્સમેન્ટ નહોતું કરાવ્યું ત્યારે તેના મેકઅપમાં પણ આ ઇફેક્ટ હતી. એટલે લિપ-એન્હૅન્સિંગનું ઇલ્યુઝન પેદા કરવા કન્સીલર પેન્સિલનો ઉપયોગ કરી શકાય છે. હોઠ સાથે કંઈ પણ છેડછાડ ન કરવી હોય તો મેકઅપ તમને મદદરૂપ થઈ શકે છે.’

કુદરતી રીતે હોઠને પ્લમ્પ લુક આપવા માટે સિનેમન, પેપરમિન્ટ, કાયેન ઑઇલનો ઉપયોગ કરી શકાય. એને હોઠ પર લગાવીને થોડી વાર રહેવા દેવાથી હોઠ ફૂલેલા દેખાશે. બાકી કસરત કરવાથી હોઠ પ્લમ્પ બને એ વાત સાવ જ ખોટી છે.- ડર્મેટોલૉજિસ્ટ ડૉ. માધુરી અગ્રવાલ

લિપ-એન્હૅન્સિંગ એ કોઈ સર્જરી નથી. હોઠના ઉપર અને નીચેના ભાગમાં કાળજીપૂર્વક કુદરતી સિન્થેટિક મટીરિયલ્સ ઇન્જેક્શનથી ભરવામાં આવે છે. આ પ્રક્રિયા લગભગ ૧૫થી ૨૦ મિનિટમાં જ થઈ જાય છે.- કૉસ્મેટિક સજ્ર્યન ડૉ. મોહન થૉમસ

હોઠની બહારની બાજુએ ડાર્ક શેડ અને અંદરની બાજુએ લાઇટર શેડથી મોટા હોઠ હોવાનો ભાસ પેદા થાય છે. અનુષ્કા શર્માના લિપ-એન્હૅન્સિંગ પહેલાંના ફોટોગ્રાફ્સમાં મેકઅપની આ ઇફેક્ટ જોવા મળશે.- ફૅશન-સ્ટાઇલિસ્ટ સલોની કોઠારી

સોર્સ: મીડ ડે

Leave a Reply

error: Content is protected !!