પોષ મહિનાની પુનમ પછી થતા “માઘસ્નાન” નો અનેરો મહિમા – જરૂર વાંચજો

પોષ મહિનાની પુનમ પછી સમાચારોમાં આવતું હોય છે કે,વિવિધ સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ વહેલી પરોઢે કડકડતી ઠંડીમાં અને એ પણ શીતળહેમ જેવા પાણીથી સામુહિક સ્નાન કરે છે.ધન્યવાદને પાત્ર છે એ વિદ્યાર્થીઓ કે જે ભારતીય પરંપરાને સમજે છે અને આ લુપ્ત થતી પરંપરાને જીવતી રાખવાનો પ્રયત્ન કરે છે.

આ સ્નાન એ “માઘસ્નાન” છે.પ્રાચીનકાળથી ભારતીય મહર્ષિ પરંપરામાં માઘસ્નાનનું મહત્વ અનેરુ છે.માઘસ્નાન એટલે પોષ મહિનાની પુનમથી લઇને મહા મહિનાની પુનમ સુધી અર્થાત્ એક મહિનો દિવસ માટે દરરોજ વહેલી સવારે સુરજ ઉગ્યા પહેલાં શિતળ પાણીથી કરાતું સ્નાન!આજે ઘણા લોકોને ગાત્ર થિજાવી દેતી મધ્ય શિયાળાની ઠંડીમાં એકદમ ઠંડા પાણીથી ન્હાવાની વાત સાંભળીને જ પરસેવો છૂટી જતો હશે!

પણ ભારતીય પ્રાચીન પરંપરામાં આ માઘસ્નાનનું મહત્વ અનેકગણું છે.આપણા મહર્ષિઓએ માટે જ આ સ્નાનને શ્રેષ્ઠ ગણ્યું છે.આપણે જાણીએ છીએ કે,સર્પદંશના ઝેરની સામે એવા જ ખતરનાક ઝેરનું ઇન્જેકશન આપવામાં આવે છે.કારણ કે,ઝેર ઝેરને મારે છે!બિલકુલ એમ જ અત્યંત ઠંડીમાં બરફ જેવા ઠંડા પાણીથી ન્હાવાથી મનોબળ એટલું વિકસીત થઇ જાય છે કે,પછી ઠંડી લાગતી નથી!આમ,માઘસ્નાનથી ગમે તેવી કઠિન પરિસ્થિતીમાં અડગ ટકી રહેવાનું મનોબળ કેળવાય છે.જે બહુ મોટી વાત છે.

ઉપરની વાત થઇ આંતરીક શક્તી અને આધ્યાત્મિકતાની.એ જ પ્રમાણે માઘસ્નાનના સ્વાસ્થ્યવર્ધી ફાયદાઓ પણ ઘણા છે.મહિનો દિવસ સુધી વહેલી સવારે ઠંડા પાણીથી નહાવાથી ધાધર,ખરજવું અને બીજા ચામડીના અનેક રોગોમાંથી મુક્તિ મળે છે.

આવી જ રીતે માઘસ્નાનનું પૌરાણિક મહત્વ પણ ઘણું બધું છે.પદ્મપુરાણમાં તો ત્યાં સુધી કહેવાયું છે કે,પૂજા કરવાથી પ્રભુની કૃપા હાંસલ નથી થતી તેટલી માઘસ્નાન કરવાથી થાય છે!માઘસ્નાન પોષ સુદ પુનમથી શરૂ થાય છે અને મહા સુદ પુનમ કે જેને “માઘી પુનમ” પણ કહેવાય છે તે દિવસે પૂર્ણ થાય છે.

હિન્દુ સંસ્કૃતિમાં વર્ણવેલા બધા પ્રકારના સ્નાનોમાં માઘસ્નાન શ્રેષ્ઠ છે.કાર્તક અને વૈશાખ મહિનામાં થતા સ્નાન કરતા પણ માઘસ્નાન વધારે મહત્વપૂર્ણ હોવાનું કહેવાય છે.કહેવાય છે કે,માઘસ્નાનથી વ્યક્તિના બધા પાપોનો નાશ થાય છે અને મૃત્યુ બાદ તેને મોક્ષ પ્રાપ્તિ થાય છે.

માઘસ્નાનની પ્રક્રિયા –

વહેલી સવારનો સમય માઘસ્નાન માટે ઉત્તમ છે.જ્યારે આકાશમાં તારા-નક્ષત્રો ચમકતાં હોય અને સૂર્યોદય થવાને થોડી વાર હોય અર્થાત્ પરોઢિયાનો સમય માઘસ્નાન માટે યોગ્ય છે.આ વખતે નદી,સરોવર,તળાવ કે ઝરણામાં જઇ માઘસ્નાન કરવું જોઇએ.જો આવા કુદરતી સ્ત્રોતોની ઉપલબ્ધિ ન હોય તો રાત્રે માટીના વાસણમાં પાણી લઇ તેને ખુલ્લામાં મુકી દેવું.ત્યારબાદ વહેલી સવારે આ પાણીથી સ્નાન કરવું.

ગંગા અને યમુના નદીના સંગમ પર માઘસ્નાન કરવું શ્રેષ્ઠ હોવાનું કહેવાયું છે.એ ઉપરાંત નર્મદા,ગોદાવરી,સરસ્વતી જેવી નદીઓમાં પણ માઘસ્નાનનો મહિમા ઘણો છે.આપણા સાધુ-સંતો આજે પણ આ નદીઓના તટ પર વહેલી સવારે માઘસ્નાન કરે છે.

સ્નાન બાદ સવારમાં ગરીબોને દાન,ભોજન આપવાની પ્રથા છે.એમાંયે તલનું દાન શ્રેષ્ઠ છે.તલના લાડુની વચ્ચે સુવર્ણ અથવા ચાંદીની ધાતુ છૂપાવીને પણ સાધુ-સંતોને આપવાની પ્રથા છે.માઘસ્નાન પછીના આ દાનથી પુણ્ય પ્રાપ્ત થાય છે.આમેય ઉત્તરાયણના આ દિવસોમાં દાનનું મહત્વ ઘણું છે.આ મહિનામાં કાળા તલનું હવન કરવાનો ધારો પણ છે.

માઘસ્નાન પાછળની કથા –

સ્કંદપુરાણના રેવાખંડમાં માઘસ્નાનની એક કથા વર્ણવેલી છે.જે કાંઇક આ મુજબ છે :

ઘણા સમય પહેલાં નર્મદાના તટ ઉપર શુભવ્રત નામે એક બ્રાહ્મણ રહેતો હતો.જે શાસ્ત્રોનો જ્ઞાતા અને ઘણો વિદ્વાન હતો.પણ શુભવ્રત કંજુસ સ્વભાવનો અને ધનનો સંગ્રહ કરવાની વૃતિ ધરાવતો માણસ હતો.તેણે જીંદગીમાં કદી કોઇને દાન આપ્યું નહોતું કે નહોતું કોઇ પુણ્ય કર્યું.રોગાવસ્થામાં ઘેરાયેલો તે વૃધ્ધ થયો અને હવે તેનો અંત સમય નજીક આવવા લાગ્યો.

તેને ચિંતા થવા લાગી કે,પોતાને કદાપિ સ્વર્ગ નહિ મળે.કેમશ્રકે,તેણે પુણ્ય કર્યા જ નહોતા!બરાબર એ વખતે તેમને શાસ્ત્રોમાંનો એક શ્લોક યાદ આવ્યો,જેમાં માઘસ્નાન વિશે વર્ણન હતું.શુભવ્રતએ આ શ્લોક પરથી માઘસ્નાન કરવાનો સંકલ્પ કર્યો.નર્મદામાં ૯ દિવસ સુધી તેણે સ્નાન કર્યુ અને દસમે દિવસે એનો દેહ પડ્યો.માઘસ્નાનના પુણ્યથી શુભવ્રતને સ્વર્ગપ્રાપ્તિ થઇ શકી.

આમ,હિન્દુ પુરાણોમાં કહેવાયા મુજબ માઘસ્નાન કરવાથી મનુષ્યને ઘણી રીતે ફાયદો થાય છે.માઘસ્નાન સ્વાસ્થ્ય વર્ધક છે.તેનાથી મનોબળમાં વધારો થાય છે અને પ્રભુપ્રાપ્તિ માટે પણ તે ઉત્તમ માર્ગ છે.

સંકલન – Kaushal Barad

નોંધ: પોસ્ટ ગમે તો બીજા મિત્રો સાથે શેર જરૂર કરો પણ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના એડમીનની પરવાનગી વગર આ પોસ્ટ કોપી-પેસ્ટ કરવી નહિ.

Leave a Reply

error: Content is protected !!