કારથી લઇને કલાકાર સુધી – જાણો સુપ્રસિધ્ધ હાસ્યકાર માયાભાઇ આહિરના જીવનની રસપ્રદ વાતો

માયાભાઇ આહિર એટલે લોકસાહિત્ય ક્ષેત્રનું એક પ્રતિષ્ઠીત નામ.હાસ્યરસમાં તરબોળ કરી દે એવી એમની રમુજી વાણીને લીધે માયાભાઇ અત્યારે ગુજરાતીઓમાં ખાસ્સા લોકપ્રિય છે.કાઠિયાવાડી બોલી અને શૈલીમાં વહેતો તેમનો હાસ્યરસ દરેક શ્રોતાના ચહેરા પર મંદ સ્મિતની સાથે ખડખડાટ હાસ્ય લાવી શકવાને સમર્થ છે.આજે માયાભાઇ આહિર ગુજરાતના ટોપ ફેમસ જાણીતા લોકસાહિત્યકાર અને હાસ્યકારની હરોળમાં બેસી શકે એવી પ્રબળ ક્ષમતા ધરાવે છે.

માયાભાઇ આહિરનો જન્મ ૧૬ મે,૧૯૭૨ના રોજ ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના બોરડા ગામે થયેલો.તેમના પિતાનું નામ વીરાભાઇ હતું.લોકસાહિત્ય તેમને વારસામાં પણ મળેલું તેમ કહી શકાય.માયાભાઇ કહે છે કે,નવરાત્રિના દિવસોમાં તેમની ત્રણ પેઢી એકસાથે ગરબા રમેલી છે !માયાભાઇ પોતે,એમના પિતાશ્રી વીરાભાઇ આહિર અને માયાભાઇના દાદાશ્રી.નાનપણમાં ગામડામાં જ તેમનું જીવન પાંગર્યું છે અને કાઠિયાવાડની માટીમાં જ ગાયો-ભેંસોની વચ્ચે તેમનું ઘડતર થયું છે.આજે તેઓ લોકડાયરાઓમાં ધૂમ મચાવે છે તેના પાયામાં તેમની જન્મભૂમિ પણ રહેલી છે

ધોરણ ૧૦ સુધી કર્યો છે અભ્યાસ –

માયાભાઇએ પ્રાથમિક ધોરણ અને પછી માધ્યમિકમાં મેટ્રીક અર્થાત્ ધોરણ દસ સુધી અભ્યાસ કર્યો છે.મુળે લોકસાહિત્યના દાતાઓ અને પ્રવર્તકો ચારણો ગણાય છે પણ સરસ્વતીની કૃપા કોઇ જ્ઞાતિ જોઇને નથી ઉતરતી.અને એક વાત અહીં કહેવી કદાચ યોગ્ય લાગે છે – લોકો કવિ કાગ,મેરૂભા ગઢવી,હેમુ ગઢવી,ઇસરદાન,ભીખુદાન વગેરે જેવા શ્રેષ્ઠ લોકસાહિત્યકારો માટે અમુકવાર કહે છે કે,એ ચારણ છે માટે એમની જીભે માં સરસ્વતીનો વાસ હોય અને આથી તેઓ આવું બોલી શકે.વાત શત્ પ્રતિશત્ સાચી છે કારણ કે ચારણો જન્મજાત શારદાના ઉપાસકો રહ્યાં છે પણ એટલા માત્રથી તેઓ શ્રેષ્ઠ નથી.તેમની પોતાની પણ મહેનત છે!માંની કૃપાથી તેમણે પણ આ માટે અથાગ મહેનત કરી છે અને માટે તેઓ આ હરોળમાં ઊભી શક્યા છે.સફળતા પરીશ્રમ વિના નથી આવતી.

છેલ્લા બાર વર્ષમાં કર્યાં છે ત્રણ હજાર કાર્યક્રમ –

માયાભાઇ આહિરે તેમનો પ્રથમ લોકડાયરાનો કાર્યક્રમ મહુવામાં કર્યો હતો.લોકોને તેમની અનેરી હાસ્યશૈલી પસંદ પડવા લાગી.અને ત્યાર બાદ બીજો કાર્યક્રમ ભાવનગર ખાતે કર્યો.જે પછી માયાભાઇની પ્રસિધ્ધી વધવા માંડી.ગુજરાત અને ગુજરાત બહાર પણ તેમના પ્રોગામો થવા લાગ્યા.લોકજીવનમાં થતા પ્રસંગોમાંથી ઉત્પન્ન થતી રમુજને માયાભાઇ સારી રીતે પકડી જાણે છે.

વિલાયતમાં ખડખડાટ હસાવેલા છે ગુજરાતીઓને –

માયાભાઇએ માત્ર ગુજરાત કે ભારતમાં નહિ,વિદેશમાં પણ કાર્યક્રમો કરેલા છે.તેમણે દુબઇ,આફ્રિકા,ઇંગ્લાન્ડ વગેરે દેશોમાં રહેતા ગુજરાતીઓ વચ્ચે પણ હાસ્યરસ વહાવ્યો છે.ગામડામાં થતા લગ્નપ્રસંગોમાં સ્ત્રીઓ વડે ગવાતા લગ્ન ગીતોની રમુઝ દર્શકોને ખાસ્સી પસંદ પડે છે.આવા પ્રકારનું હાસ્ય માયાભાઇ સહજતાથી વહાવી જાણે છે.

માંગલધામ ભગુડા ખાતે બજાવે છે સેવા –

માયાભાઇ આહિર ભાવનગરમાં આવેલ પ્રખ્યાત તીર્થસ્થળ ભગુડા કે જે મોગલ માંને લીધે પ્રસિધ્ધ છે ત્યાંના ટ્રસ્ટમાં પણ પ્રમુખ વ્યક્તિ તરીકે રહેલાં છે.હાલ પણ તેઓ અહીં સેવા આપે છે.

મેળવ્યો છે “કાગ એવોર્ડ” –

કવિશ્રી દુલા ભાયા કાગની જન્મભૂમિ મજાદર ખાતે મોરારીબાપુના વરદહસ્તે અપાતો “કાગ એવોર્ડ” માયાભાઇને મળી ચુક્યો છે.૩ માર્ચ,૨૦૧૭ના દિવસે તેમને મેરાણ ગઢવી જેવા દિગ્ગજ સાહિત્યકારોની સાથે આ એવોર્ડ એનાયત કરવામાં આવેલો.

કોંગ્રેસ પક્ષ તરફથી ભાષણ આપવાને કારણે થયેલો વિવાદ –

માયાભાઇએ કોંગ્રેસની સભામાં આપેલા ભાષણને લીધે તેમના ચાહકોમાં વિવાદ થયેલો.તેમના આ ભાષણના વિડિયો સોશિયલ મીડિયા સાઇટ યુ-ટ્યીબમાં પણ ફરતા થયેલા.જો કે,માયાભાઇએ આ બાબતમાં પાછળથી સ્પષ્ટતા પણ કરી દીધેલી અને તેઓ લોકડાયરાના પ્રોગામોમાં પણ કહી ચુક્યા છે કે,પોતાને માટે બંને પક્ષ સરખાં છે.

માયાભાઇની આ વાતો દર્શકોને હસાવે છે ખડખડાટ –

માયાભાઇ આહિર હાસ્યની સાથે એક્ટિંગ કરે છે જે દર્શકોને પેટ ભરીને હસાવે છે.તેમના જોક્સ આને લીધે બહુ સાંભળવામાં આવે છે.ખાસ કરીને દિવગંત લોકસાહિત્યકાર સ્વ.શ્રીજાદવબાપાની મિમીકરી “જાદવબાપાની મોજડી” લોકોને ઘણી પસંદ છે.આ ઉપરાંત પણ તેઓ અવનવા હાસ્ય કિસ્સાઓ કરતાં રહે છે.

કારથી લઇને કલાકાર સુધી –

માયાભાઇ આહિર તેમના પૂર્વજીવનમાં કાર ચલાવતા હતાં.તે સમય દરમિયાન ઘરે જવામાં મોડું થતું હોવા છતાં  કોઇ લોકડાયરાનો પ્રોગામ નિહાળવા રોકાઇ પણ જતાં.આમ,તેમનો લોકસાહિત્ય પ્રત્યેનો પ્રેમ છેવટે તેમને એક ઉચ્ચ અને પ્રશંસનીય લોકકલાકાર બનાવી ગયો.

આજે મોરારીબાપુના નેજા હેજળ ભેગી થયેલી લોકસાહિત્યકારોની જમાતમાં સ્ટીયરીંગથી લઇને સ્ટેજ સુધીની સફર ખેડનારા માયાભાઇ એક જબરી લોકચાહના મેળવી ચુકેલાં કલાકાર બની ગયાં છે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર રજુ થયેલી આ પોસ્ટ ગમે તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

All rights reserved by mojemoj.com

Leave a Reply

error: Content is protected !!