એકેય ચોપડી ન ભણેલો અને ગીરના જંગલોમાં ભેંસો ચરાવતો આ ચારણ એટલે રાજભા ગઢવી

હાલ સૌરાષ્ટ્ર કાઠિયાવાડ સહિત ગુજરાતભરમાં રાજભા ગઢવી એક જાણીતા લોકસાહિત્યકાર તરીકે ઉભરી આવ્યા છે.યુવાન ઉંમરમાં તેમનો બુલંદકંઠ અને બોલવાની છટાથી આજે તેમના હજારો પ્રશંસકો છે.ગીરના લીલાપાણી નેસમાંથી આવનાર રાજભા ગઢવી ભણેલા નથી.એ છતાં પણ કોઇ પ્રખર લોકસાહિત્યકારને શોભે તેવી તેમની બોલી અને ગાયનશૈલીએ ગુજરાતમાં ઘણી જ ખ્યાતિ મેળવી છે.અભણ હોવા છતાં તેમણે ઘણા ગીતોની પણ રચના કરી છે.ચારણ કુટુંબમાંથી આવતા રાજભા ગઢવીના લોકડાયરામાં જનમેદની પણ ખાસ્સી જોવા મળે છે.

બુલંદ ગાયકી અને દેશદાઝની વાતો –

રાજભા ગઢવીનો જન્મ તુલસીશ્યામ નજીક આવેલ બાણેજ પાસેના લીલાપાણી નેસમાં થયેલો.રાજભા ગઢવી પાસે કોઇ શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન નથી પણ તે સૌરાષ્ટ્રની લોકશૈલી અને લોકબોલીના ગીતો,છંદ,સપારખાં પ્રભાવી રીતે ગાઇ શકે છે.લોકસાહિત્ય એ સામાન્ય જનતાના દિલને સ્પર્શ કરતું સાહિત્ય છે.રાજભા આવા ગીતો ગાય ત્યારે લોકોની પુષ્કળ વાહવાહી મેળવી શકે છે.

લોકડાયરામાં તેમની વાતો દેશદાઝની લાગણીયુક્ત હોય છે.ધર્મ,સંસ્કારિતા અને લોકસંસ્કૃતિની વાતો તેમની પહેલી પસંદ છે.હાલાજી અને પટ્ટી ઘોડી,મેરામણજી જાડેજા અને ચારણનો પ્રસંગ,રામવાળા માટે ગીગા બારોટે લખેલ સપારખું જેવી તેમની વીરરસ ભરેલી વાતો આજે ખાસ્સી પ્રસિધ્ધ છે.તેમને કોઇ વ્યસન નથી અને બુલંદ રીતે ગાવાની કળા તેમની આગવી શૈલી છે.

ગીરના જંગલોમાં ચારે છે ભેંસો –

મુળે ગીરની મધ્યે આવેલ લીલાપાણી નેસમાંથી આવતા રાજભા ગામડાની પ્રકૃતિમાં રહેનાર છે.નાનપણથી પશુપાલનનો વ્યવસાય હોવાથી તેઓ વગડામાં ભેંસો ચારવા જતાં.હજી પણ તેઓ ઘરે હોય છે ત્યારે ગીરના જંગલોમાં ભેંસો ચારવાને નીકળી પડે છે.પ્રકૃતિ માટેનો તેમનો પ્રેમ તે ઘણીવાર વ્યક્ત કરે છે.

ભણેલ ના હોવા છતાં તેમના રચેલા કાવ્યો પૂજ્ય મોરારીબાપુને પણ પ્રશંસા કરવા પ્રેરે તેવા છે.

“સાયબો રે ગોવાળીયો”ગીતની કરી છે રચના –

યુવાન વયના રાજભા ગઢવીએ પ્રકૃતિને સંબોધીને કૃષ્ણ-રાધાના પ્રેમનું ગીત “સાયબો ગોવાળીયો”ની રચના ૨૦૦૩માં કરેલી.તેમના આ  લોકશૈલીના ગીતે એટલી હદે ખ્યાતિ મેળવી છે કે આજે ઘણાં લોકો તેને લોકગીત ધારી બેઠા છે…!અનેક ગુજરાતી ગાયકોએ આ ગીત ગાયેલું છે અને શ્રોતાઓ દ્વારા પણ ઘણીવાર આ ગીત રજૂ કરવાની માંગણી થતી હોય છે.કિર્તીદાન ગઢવી જેવા ખ્યાતનામ ગુજરાતી ગાયકોને પણ આ ગીતે ખાસ્સી પ્રસિધ્ધી અપાવી છે.

રાજભા ગઢવીએ આ ગીત ઉપરાંત પણ બીજા ઘણાં ગીતો લખ્યાં છે.જેમાં મરજીવા પાઘડીવાળા,સમરાટ ભાગ્યો શ્વાનથી,દેવાયત બોદરને સપને આવી એની રાજપૂતાણી બેન જેવાં ગીતો લોકડાયરાઓમાં લોકપ્રિય છે.તેમણે લખેલા દુહા,છંદ,ગીતો વગેરે “ગીરની ગંગોત્રી”નામના પુસ્તકમાં સંગ્રહિત છે,

કિર્તીદાન ગઢવી રાજભાને ક્યારેક “રાજો ચારણ”ના હુલામણા નામથી સંબોધે છે.રાજભા ગઢવીની એક ઔર ઓળખ એમના મહારાણા પ્રતાપ અને ચેતક અશ્વ પ્રત્યેની અદ્ભુત વાતોની પણ છે.રાજભાએ ૨૦૦૧માં પોતાના સમાજના એક કાર્યક્રમમાંથી ગાવાની શરૂઆત કરેલી.કહેવાય છે કે,મુખ્ય કલાકાર થોડા મોડા આવવાથી રાજભાને દુહા,છંદ બોલવાનો મોકો મળેલો.લોકોને તેમની ગાયકી પસંદ પડેલી અને બસ ત્યારથી રાજભાએ કદી પાછું વળીને જોયું નથી.આજે તેઓ ખ્યાતનામ લોકસાહિત્યકાર તરીકેની નામના ધરાવે છે.

રા’નવઘણની વાત કરે છે ઘણીવાર –

રાજભા ગઢવી પોતાના કાર્યક્રમોમાં અચુકપણે જુનાગઢના રા’વંશી રાજા નવઘણની અને તેમના પાલક દેવાયત બોદર અને તેમના ધર્મપત્ની,ઉગો,જાહલ,વાલબાઇ,ભીમડા રખેહરની વાત કરે છે.તેમની ઉપર તેમણે લોકબોલીના ગીતોની પણ રચના કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,જુનાગઢ પર અણહિલપુરના દુર્લભસેન સોલંકીએ કરેલા આક્રમણમાં ગુજરાત અને સોરઠની સેના વચ્ચે ઉપરકોટમાં યુધ્ધ થયું એમાં જુનાગઢની સેનાની હાર થયેલી.એ પછી સોલંકીઓની નજરમાંથી બાળક રા’નવઘણને બચાવીને આલીદર-બોડીદર ગામના આહિર દેવાયત બોદર અને તેમના ધર્મપત્નીએ બાળક રા’નવઘણને પોતાના પુત્રનું બલિદાન આપીને સાચવ્યો હતો.

રાજભા ગઢવીને આજે ઘણા લોકો ઇસરદાન ગઢવી જેવા પ્રખર લોકસાહિત્યકારની લોક પુરી કરનાર તરીકે પણ જુએ છે.તેમની ઉમદા વાતો અને પહાડી કંઠની ગાયન શૈલી પર લોકો આફરીન પોકારી ઉઠે છે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ થયેલ રાજભા ગઢવી વિશેની આ વાત જો તમને ગમી હોય તો બીજા મિત્રો સાથે પણ શેર કરજો.

All rights reserved with mojemoj.com

Leave a Reply

error: Content is protected !!