શિવજીએ મગરમચ્છના રૂપમાં પાર્વતીજીની કરેલી આ પરીક્ષા વિષે ઘણાને નથી ખબર

ભગવાન શિવને પામવા માટે નગાધિરાજ હિમાલય અને અપ્સરા મેનકાની પુત્રી પાર્વતી ઘોર તપશ્વર્યા કરી રહી હતી.મનમાં એક જ સંકલ્પ હતો – ભગવાન શિવને પામવાનો,એની જીવનસંગિની બનવાનો.મહાદેવને રીઝવવા એ કાંઇ સહેલી વાત નહોતી.અનેક મહર્ષિઓએ,દેવોએ,દાનવોએ મહાદેવના એક દર્શન માટે થઇને હાડ ગળાવી નાખેલા.અને એ જ રસ્તે પાર્વતી પણ જઇ રહી હતી!એના માટે આ જગતમાં માત્ર એક જ નામ અને એક જ ધ્યેય હતું – શિવ,શિવ અને શિવ!

એણે વિકટ તપશ્વર્યા કરી.વર્ષોના વર્ષો સુધી માત્ર શિવનામ સ્મરણ કર્યુ.હિમાલયની ગાત્રો થીજાવી દેતી ઠંડીમાં,કાતિલ ઠંડા વાયરાઓની વચ્ચે,હિમપ્રપાતના સતત તોળાતા જોખમોની વચ્ચે,ખુંખાર માનવભક્ષી બર્ફીલા રીંછોના ડર મધ્યે એણે શિવનામ જાપ કર્યા કર્યો.આદ્યશક્તિએ પોતાના શરીરને સુકવી નાખ્યું.આકાશમાંથી નિત્ય નજર નાખતા દેવોથી ઉમાનું આ દુ:ખ ન જોવાયું.

“મહાદેવ ! હવે કૃપા કરો આ કન્યા ઉપર.મરી જશે બિચારી ! હવે મહેરબાની કરી એને તમારી અર્ધાંગનાના રૂપમાં ધારણ કરો,શિવ!”દેવોએ દેવાધિદેવને વિનંતી કરી.

મહાદેવે આ કન્યાની પરીક્ષા લેવાનું વિચાર્યું.પરમજ્ઞાની,શાસ્ત્રોને ઘોળીને પી ગયેલા,અનેક માનવહિતકારી શોધોના ક્રાંતિજનક એવા સાત મુનિવરોને અર્થાત્ “સપ્તર્ષિ”ઓને એણે ઉમાની પરીક્ષા લેવાને મોકલ્યા.

“હે પુત્રી ! તું આ દારૂણ તપશ્વર્યા કોના માટે કરે છે ?”

“શિવ માટે.એ જ મારા સર્વસ્વ છે.એને રીઝવવા માટે.”

મહર્ષિઓ હસવા લાગ્યા.

“તનયા ! અમને તારી દયા આવે છે.તું બહુ ભોળી છો,દિકરી!”

“અર્થાત્ ?”ઉમાએ પૂછી લીધું.

“તને ખબર છે તું જેના માટે થઇને ગાત્રો ગાળી રહી છે એ કેટલો વિચિત્ર,નિર્લજ્જ અને ભયાનક માણસ છે ?”એક મહર્ષિ બોલી રહ્યા અને એમના પ્રશ્નના અનુસંધાનને આગળ વધારતા હોય એમ સપ્તર્ષિમાંના બીજા એક મહર્ષિએ વાત આગળ વધારી –

“એ માણસ અર્ધનગ્ન અવસ્થામાં ફરે છે.એને કેમ જીવાય એનું ભાન નથી.ગળામાં ચીતરી ચડે એવા નાગ ભરાવે છે.શરીર આખામાં રાખ ચોપડે છે,જેને પ્રતાપે એ કોઇ આદિવાસી જેવો જણાય છે.સવા મણ વજનની એની જટા છે કે જેમાં ચકલીઓ માળા બાંધી,બચ્ચાં ઉછેરીને જતી રહે તોય ખ્યાલ આવે એમ નથી!કાન ફાડી નાખે એવો ત્રાસદાયક ડમરાનો નાદ કરે છે.તાનમાં આવે ત્યારે મનફાવે એમ નાચે છે.એના ભેગાં એના જેવા જ વિચિત્ર એના સેવકો અને મિત્રો છે.ભૂત-પ્રેતોનો ને વૈતાળોનો સંગ તેને ગમે છે.સ્માશાનમાં જઇને રહેવામાં તેને આનંદ આવે છે.હે પુત્રી ! આવા માણસ સાથે તું લગ્ન કરવા માંગે છે ?”

“જગતના કલ્યાણ સારૂ થઇને ઝેર પી જનારા આવા જ હોય છે,મુનિવર્યો ! ભલે દુનિયા એના વિશે મનફાવે એમ બોલે.”અને ઉમાએ આંખ બંધ કરી.એક પગ પર ઉભેલા તેના શરીરના જાણે અંગેઅંગમાંથી મંત્રોચ્ચાર ગુંજવા લાગ્યો –

ૐ ત્ર્યંબકમ્ યજામહે સુગન્ધિમ્ ….

અભિભુત થતા સપ્તર્ષિઓ પાછા ફર્યાં.શિવની પરીક્ષામાં ઉમા કાબેલ ઠરી.એ પછી શિવે પાર્વતીની અન્ય એક પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો.હવે તેમણે જાતે જ જવાનો નિશ્વય કર્યો.

પણ એ પહેલાં શિવ પ્રસન્ન થઇ પાર્વતીને દર્શન આપી આવ્યા.શિવદર્શન થતા પાર્વતીને પરમાનંદ પ્રાપ્ત થયો.એની નજરોમાં હિમાલયમાં જાણે વસંત ખીલી ગઇ.એને હવે બધું જ શિવમય લાગવા માંડ્યું.શિવના દર્શનની ખુશીને બહાર પ્રકટ કરવાનુ એના માટે અસંભવ બન્યું.હવે શિવ પોતાનો અંગિકાર કરશે એ ખ્યાલે એ આહ્લાદક અનુભૂતિ યુક્ત સ્વપ્ન સેવવા લાગી.

પરમાનંદમાં રમતી તે એક શિલા પર જઇ બેઠી.પાસે વહેતી નિર્મલ જલયુક્ત સરીતામાં તે પોતાનું પ્રતિબિંબ નિહાળતી વિચારોની સરીતામાં ખોવાઇ ગઇ.

“સહાય કરો!કોઇ સહાય કરો!….”અચાનક એક હદયદ્રાવી ચીસ પડી.પાર્વતી ચોંકી ઉઠી.તેણે ત્વરીત નજર દોડાવી.થોડે દુર બે ગિરીઓની વચ્ચેથી નદી વળાંક લેતી હતી એ સ્થળે એક ભયાનક મગરમચ્છે એક કુમળી વયના બાળકનો પગ ઝાલ્યો હતો.બાળક કિનારા પર રહેલી એક શિલાને પકડીને બચવાનો પ્રયત્ન કરી રહ્યો હતો,પણ લાગતું હતું કે એની કોશિશ નકામી હતી.એના નાજુક કાંડાઓમાં એટલું બળ નહોતું કે તે વધુ સમય માટે શિલાને પકડી શકે.પાર્વતી દોડી અને બાળક આર્તનાદ કરતો રહ્યો.

“છોડી દે આ બાળકને.”

“હું શા માટે છોડું ?”

“એક કુમળા ફુલને રહેંસી નાખવાથી તને શું મળશે ?”

“તો મારા ભોજનનું શું ?દિવસના છઠ્ઠા પહોરમાં જે મળે તેને ભોજન સમજી ગ્રહણ કરવાનો મને ઇશ્વરીય આદેશ છે.”મગરમચ્છ બોલ્યો.

“તારે જે જોઇએ તે આપવા હું તૈયાર છું પણ કૃપા કરી એ શિશુને ત્યજી દે.”ઉમાથી હવે બાળકનું દુ:ખ જોવાતું નહોતું.

“હું જે માગીશ તે મળશે ?”

“હા,તું ઇચ્છે તો મારો પ્રાણ પણ આપી દેવા હું તૈયાર છું.”

“ના,ના,ના…”મગરમચ્છના ચહેરા પર હાસ્ય ફરક્યું,”હું તો એથીયે મુલ્યવાન ચીજ ઇચ્છું છું.”

“શું ?”

“હું જન્મ્યો ત્યારથી આ નદીમાં ટહેલું છું અને નિહાળુ છું કે આપ પ્રભુ શિવની અખંડ આરાધના કરો છો,ખબર નહિ કેટલા વર્ષો વીતી ગયાં…!આજે મેં જોયું કે ભગવાન શિવે પ્રગટ થઇને આપને વરદાન આપ્યું છે.હું ઇચ્છુ છું કે આપે કઠોર તપશ્વર્યા પછી શિવે તમને આપેલ દર્શનનું ફળ મને મળી જાય!”

“હા,અબઘડી એ ફળ હું આપી દઉં છું.”

“હજી વિચાર કરજો.ભલભલાં મહર્ષિઓ કઠોર તપશ્વર્યા કરવા છતાં જે પામી નથી શકતા એ શિવદર્શનનું ફળ તમને મળ્યું છે.ફરી તમારે આટલા વર્ષોની કઠીન તપશ્વર્યા કરવી પડશે એ મેળવવા માટે.મને તો ખ્યાલ માત્રથી પરસેવો છૂટે છે.એના કરતા તો બહેતર છે કે,આ બાળકને તમે મારા ભરોસે છોડી દો.”કહીને એ જોરાવર મગરમચ્છે બાળકનો પગ વધારે જોરથી ખેંચ્યો.બાળક પીડાભરી ચીસ પાડી ઉઠ્યો.

“ખબરદાર જો હવે એ બાળકને જરા પણ ઇજા પહોંચાડી છે તો !….”પાર્વતીના ભવા સંકોચાયા,”હું મારી તપશ્વર્યાનું બધું ફળ તને આપી દેવા તૈયાર છું,છોડી દે એને…”

“આ તમારો આખરી નિર્ણય છે ?”

“હાં,આ બાળકની જીંદગી કરતા મને વધુ કશું પ્રિય નથી.”અને તરત જ પાર્વતીએ પોતાને થયેલા શિવદર્શનનું ફળ મગરમચ્છને આપી દીધું.મગરમચ્છનો દેહ પરમતેજે પ્રકાશિત થયો.અને બીજી જ ક્ષણે તે અને બાળક અંને અલોપ થઇ ગયાં.

આશ્વર્ય પામતી પાર્વતી ફરી પોતાને તપસ્થાને આવી.એણે સ્થાપેલા શિવલિંગ પર બિલિપત્ર ચડાવી,જલાભિષેક કર્યો.અને શિવને પામવા માટે ફરીવાર કઠોર તપશ્વર્યા કરવાને તૈયાર થઇ.એના નેત્રો બિડાયા અને મુખમાંથી શબ્દો સરી પડ્યાં – ૐ નમ: શિવાય….

“દેવી ! હવે શા કાજે તપ કરો છો ?”

એક વિનોદભર્યો અદ્ભુત ધ્વનિ સંભળાયો.ઉમાએ આંખ ખોલી તો સામે ત્રિલોકનાથ શિવ મંદ મંદ સ્મિત ફરકાવતા ઉભા હતાં.ફરીવાર શિવદર્શન થવાથી ઉમા ધન્ય થઇ ગઇ પણ એણે હર્ષોલ્લાસ દબાવતાં કહ્યું –

“પ્રભુ!આપના આશિર્વાદનું પુણ્ય મેં બાળકને ખાવાની હઠ કરતા એક મગરમચ્છને આપી દીધું છે.માટે હું ફરીવાર તપશ્વર્યાનો આરંભ કરું છું.આપને ફરી એકવાર પ્રસન્ન કરવા માટે.”

શિવના ચહેરા પર ફરી સ્મિત ફરકી ઉઠ્યું.”દેવી ! એ મગરમચ્છ પણ હું જ હતો ને એ બાળક પણ હું જ હતો.”શિવે ખુલાસો કર્યો અને આગળ કહ્યું –

“મારા દર્શનનું પુણ્ય તમે મને જ આપ્યું છે.પ્રત્યેક જીવ એ શિવ જ છે.જગતમાત્ર શિવ છે.પ્રત્યેક સજીવ અને નિર્જીવ,જડ અને ચેતન હું જ છું.એ છતાં હું નિર્વિકાર પણ છું,અને અનંત પણ છું.દેવી,હું જ આત્મા છું ને હું જ બ્રહ્મ પણ !મેં આ અર્થે તમારી પરીક્ષા કરી હતી.તમે જીવદયાનો ઉત્તમ ઉત્તર આપીને એમાં ઉત્તીર્ણ થયા છો.હું તમારો સંપૂર્ણ સ્વિકાર કરુ છું.”

પાર્વતી ઝુમી ઉઠી.

ત્રિલોકનાથ શિવ અને પર્વતપુત્રી પાર્વતી પર પુષ્પવર્ષા થઇ રહી

સંકલન – Kaushal Barad

નોંધ: ‘જ્ઞાન સાથે ગમ્મત’ પર રજુ થયેલી આ ભક્તિકથા પરવાનગી વગર કોપી-પેસ્ટ કરવાની મનાઈ છે.

Leave a Reply

error: Content is protected !!