વેલેન્ટાઈન ડે નો વ્હાલ વંચિતો સાથે – મોરબીના યુવાનો દ્વારા અદ્ભુત ઉજવણી

ગત વર્ષની માફક પણ આ વખતે વેલેન્ટાઈન ડે ગરીબ, સુખ- સગવડથી વંચિત એવા બાળકો ને તેમની ડ્રિમ કારમાં બેસાડીને મોરબીની સેર કરાવવાનું આયોજન કર્યું. મારા ભાગે તો ખાલી આયોજન કરીને મારી સંપૂર્ણ મિલકત એવા મારા મિત્રો ને હાકલ કરવાનું જ રહે છે. માત્ર થોડા ફોન કોલ્સની કિંમત માં ૫૦ થી વધુ બીએમડબલ્યુ, ઓડી, મર્સીડીઝ, ફોર્ચ્યુનર, એન્ડેવર, ઇનોવા સહીત ની મોંઘીદાટ ગાડીઓ ગરીબ બાળકોના સપનાને સાકાર કરવા હાજર થઇ ગઈ. એ પણ ડ્રાઈવર સાથે. બાકી રહેતું હતું એ કામ મોરબી પોલીસે કરી આપ્યું. પોલીસની કાર લાલ લાઈટ અને સાયરન સાથે એસ્કોર્ટ આપવા માટે રેડી( જેથી બાળકોને વીઆઈપી અનુભતી થાય).

નીચે આપેલા વિડીયો માં અનાથ બાળકો ની ખુશી જોયા બાદ આ પોસ્ટ લાઈક અને શેર કર્યા વગર નહિ રહી શકો.


સવારે ૧૧ વાગ્યે જિલ્લા કલેક્ટર સાહેબ, એએસપી સાહેબ, ધારાસભ્ય શ્રી, અને જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા લીલી ઝંડી ફરકાવીને શરુ થઇ ‘ જોય રાઈડ’. હાથમાં લાલ ફુગ્ગા અને કારમાં મનગમતા ગીતોના સથવારે દોઢ કલાક સુધી શહેરના રાજ માર્ગો પર ફરી આ બાળકોની આનંદની કિકિયારીઓ સાથેની જોય રાઈડ.રાઇડ પુરી કર્યા બાદ મોરબીની સૌથી શ્રેષ્ઠ રેસ્ટોરાંમાં બાળકોએ તેમના જીવનમાં પ્રથમ વખત વિદેશી વાનગીઓનો આસ્વાદ માણ્યો તેની તૃપ્તી તેમના ચહેરા પર જોવા મળ્યો હતો.

બાળકોના સપના પુરા કરવાનો અને નવા સપના જોતા કરવાનો, ગરીબ બાળકોને આનંદ અને એક અવિસ્મરણીય અનુભવ આપવાની ખુશી અમારા માટે પણ યાદગાર બની ગઈ.

મિત્રોનો તો આભાર શેનો? પણ હા આવા રત્નોથી વિશેષ મિત્રો વિના આ શક્ય ના થયું હોત. મને ગર્વ છે વાલીડાઓ કે હું તમારો ભેરુ છું. આ સુદામાની હંમેશા કૃષ્ણ બની ઈચ્છાઓ પુરી કરતા રહેવા બદલ

– રોહન રાંકજા

Leave a Reply

error: Content is protected !!