પહેલી કથામાં મળેલા અઢી કરોડ રૂપિયા આપી દીધાં દવાખાનાને દાનમાં!

વાત છે ૧૯૮૭ની.એ વખતે ગુજરાતના એ માત્ર ત્રીસ વર્ષના યુવાનને લંડનથી ભાગવતકથા કરવા માટે આમંત્રણ મળ્યું.આ યુવકને ત્યારે ગુજરાતમાં બહુ ઓછા લોકો ઓળખતાં.નાની ઉંમરમાં તેમની પ્રતિભા ઉડીને આંખે વળગે તેવી હતી.

એણે લંડનમાં જઇ ભાગવતકથા કરી.શ્રોતાઓના મન ડોલાવ્યા.યુરોપની ભૂમિ પર દશમસ્કંધની અસ્ખલિત ધારા વહેવડાવી અને આ યુવાનને કથા પેઠે રૂપિયા અઢી કરોડ મળ્યાં!યુવાને ગુજરાત આવીને આ બધી રકમ આંખની એક હોસ્પિટલને દાન કરી દીધી…!

આ યુવાન એટલે આજે ગુજરાત સહિત ભારત અને વિશ્વભરમાં ભાગવતના અનન્ય કથાકાર તરીકે જાણીતા પૂજ્ય”ભાઇશ્રી” ઉર્ફે રમેશભાઇ ઓઝા!આજે પૂજ્ય મોરારીબાપુની સમકક્ષ ખ્યાતિ ધરાવતા અને ભાગવત સહિત ભારતીય ધર્મના ઉંડા અભ્યાસી,તત્વચિંતક તરીકે રમેશભાઇ ઓઝા અત્યંત પ્રસિધ્ધ છે.લગભગ કોઇને તેનો પરિચય આપવાની જરૂર નથી એ હદે તેમની ખ્યાતિ છે!

એક શ્રેષ્ઠ ભાગવત કથાકાર હોવાની સાથે તેઓ હિન્દુ ધર્મના હિતચિંતક,તત્વજ્ઞાની,વસુંધૈવ કુટુમ્બકમ્ મંત્રને સિધ્ધ કરનાર વક્તા,સારા ગાયક અને પરમસ્નેહી વ્યક્તિત્વ ધરાવનાર ઇન્સાન છે.આજે ગુજરાત,ભારત અને યુરોપ સહિત વિશ્વના અનેક દેશોમાં તેમની કથાઓ યોજાય છે,ઇન્ટરનેશનલ સ્તરે તેમના ધર્મ પ્રવચનો યોજાય છે.રમેશભાઇ ઓઝા “ભાઇશ્રી” અને “ભાઇજી” જેવા હુલામના નામોથી જાણીતા છે.

ઔદિચ્ય બ્રાહ્મણ પરીવારમાં જન્મ –

ભાઇશ્રીનો જન્મ ૩૧ ઓગસ્ટ,૧૯૫૭ના દિવસે અમરેલી જીલ્લાના રાજુલા તાલુકાના નાનકડા એવા દેવકા ગામે ઔદિચ્ય બ્રાહ્મણ પરીવારમાં થયેલો.તેમના પિતા વ્રજલાલ કે.ઓઝા ભાગવતના સારા જાણકાર હતાં.રમેશભાઇ તેમની પાસેથી નિત્ય ગીતાના પાઠ કરતા.તેમના માતાનું નામ લક્ષ્મીબેન હતું.રમેશભાઇને ચાર ભાઇઓ અને ૨ બહેનો હતી.

રાજુલા પાસેની “તત્વજ્યોતિ” શાળામાંથી ભાઇશ્રીએ પ્રાથમિક શિક્ષણ લીધેલું.તેમના કાકાશ્રી જીવરાજ ઓઝા ભાગવતના એ વખતના ઉત્તમ કથાકાર હતાં.

ડોક્ટર બનવાની ઇચ્છા હતી –

રમેશભાઇ ઓઝાએ અગિયારમાં ધોરણમાં મેટ્રીકની પરીક્ષા આપેલી ત્યારે જનરલ સાયન્સ અને મેથ્સમાં તેમને ઉચ્ચત્તમ માર્ક્સ મળેલા.સરળતાથી તેમને ગમે તે મેડીકલ કોલેજમાં એડમિશન મળી શકે તેમ હતું.પણ પારીવારીક કારણોથી તેમણે મુંબઇની કોલેજમાં કોમર્સમાં પ્રવેશ લીધેલો.ભાઇશ્રી જણાવે છે કે,વિજ્ઞાન પ્રત્યેના તેમના રસને લીધે અને સારા એવા જ્ઞાનને લીધે તેઓ આજે ધર્મને વિજ્ઞાનની નજરે જોઇ શકે છે અને તેમ કરવાથી પુરાણકાળના મહર્ષિઓની બુધ્ધિ પ્રત્યે માન અનેકગણું વધી જાય છે.તેઓ કહે છે કે,હિન્દુ ધર્મ વિજ્ઞાન પર આધારિત છે અને આપણા પૂર્વજો આ બાબતે બહુ સજાગ હતાં.

ઇન્ટર કોમર્સના સેકન્ડ યરમાં હતાં ત્યારે માત્ર ૧૮ વર્ષની ઉંમરે તેમણે પ્રથમ ભાગવતકથા કરી હતી!તેઓ બાળપણમાં મિત્રો સાથે પણ કથાની રમત રમતાં!અંગ્રેજી માધ્યમમાં ભણવાને લીધે આજે તેઓ અંગ્રેજી ભાષા બોલવામાં માહિર છે.અને કથા દરમિયાન અંગ્રેજી ક્વોટ્સનો ઉપયોગ કરીને યુવાપેઢીને આકર્ષી શકે છે.ભાઇશ્રી એક સારા વક્તા હોવાની સાથે સારા ગાયક પણ છે.પ્રભુની કૃપાથી તેમને મધુરકંઠ પણ મળેલો છે.

સાંદિપની વિદ્યા નિકેતન દ્વારા ફેલાવે છે સંસ્કૃતિની સુવાસ –

ભાઇશ્રી રમેશ ઓઝા આજે મોટા ગજાના અને ખ્યાતનામ ભાગવત કથાકાર બની ચુક્યાં છે.વર્ષમાં અનેક કથાઓ યોજાય છે.તેમની પ્રભાવી વાણી અને સરળતાને લીધે લોકોમાં તેઓ ખાસ્સાં લોકપ્રિય છે.

પોરબંદર પાસેના સાંધાવાવ ગામ ખાતે આવેલ ભાઈશ્રીએ સ્થાપેલ સાંદિપની વિદ્યા નિકેતન સંસ્થા આજે ગુજરાતભરમાં જાણીતી છે.અહીં વિદ્યાર્થીઓને ધર્મ,સંસ્કૃતિ અને આધ્યાત્મના પાઠ ભણાવવામાં આવે છે.ભારતીય સંસ્કૃતિ સંવર્ધન ટ્રસ્ટ દ્વારા આ સંસ્થાનો પાયો નખાયો છે.

લોકો તરફથી મળેલા સાત કરોડના દાનથી અને સરકારે આ ઉમદા કાર્ય માટે આપેલ ૮૫ એકર જમીનમાં આ સંસ્થા ઊભી છે.સંસ્થાના હરિમંદીર ખાતે ભાઇશ્રીએ નીચે “સાયન્સ ગેલેરી” પણ બનાવડાવી છે.

અબ્દુલ કલામ થયાં પ્રભાવિત –

સાંદિપની વિદ્યા નિકેતનનું ઉદ્ઘાટન એ વખતના રાષ્ટ્રપતિ માનનીય એપીજે અબ્દુલ કલામના હસ્તે થયેલ.કલામ સાહેબે સાયન્સ ગેલેરી જોઇને ભાઇશ્રીને પૂછેલું કે,ધાર્મિક પાયા પર ઉભા થયેલા આ સ્થળે વિજ્ઞાનનું પ્રદર્શન શા માટે ?

ત્યારે ભાઇશ્રીએ કલામ સાહેબને જવાબ આપેલો કે,હું એવો ધર્મ ઇચ્છુ છું જેના પાયામાં વિજ્ઞાન હોય અને એક સંતના નાતે આપ જેવા વિજ્ઞાની પાસેથી હું એવી અપેક્ષા રાખું છું કે તમે એવું વિજ્ઞાન પ્રસ્થાપિત કરો જેના પાયામાં ધર્મ હોય !

આ રીતે ચુકવ્યું જન્મભૂમિનું કરજ –

ભાઇશ્રી પોતાની જન્મભૂમિ દેવકા ગામને કદી ભુલ્યાં નથી.તેમણે પ્રજાના દાનની રકમથી દેવકામાં આશરે ચાલીસ વિઘા જમીનમાં “દેવકા વિદ્યાપીઠ” પણ ઉભી કરી છે.જ્યાં આજે સાતત્યવાન શિક્ષણની સુવાસ રેલાય છે.

“હિન્દુ ઓફ ધ યર” –

ભાઇશ્રીને ધર્મ અને શાસ્ત્રના ફેલાવા માટે અનેક એવોર્ડથી સન્માનિત કરાયા છે.ઇ.સ.૨૦૦૬નો “Hindu of The Year”નો પુરસ્કાર તેમને એનાયત થયેલો.આ ઉપરાંત ભાગવત આચાર્ય,ભાગવત રત્ન,ભાગવત ભૂષણ જેવા એવોર્ડ પણ તેમને મળી ચુક્યાં છે.

“તત્વદર્શન”સામયિકથી ફેલાવે છે ધર્મની સુવાસ –

ભાઇશ્રી ધર્મની સાથે ધર્મને સાંકળતા અધ્યાત્મના પણ પ્રખર હિમાયતી છે.”તત્વદર્શન”સામાયિકમાં તેમના લેખો પ્રગટ થાય છે.જેમાં તેઓ ધર્મ અને આધ્યાત્મથી સમાજની અને દેશ સહિત માનવજાતની ઉન્નતિની હિમાયત કરે છે.તેમના “સત્ સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ”દ્વારા ધાર્મિક સાહિત્યનું પ્રકાશન કરવામાં આવે છે.આ ટ્રસ્ટ દ્વારા ધર્મપુરુષો,સતપુરુષો અને સંન્યાસીઓને એવોર્ડ આપવામાં આવે છે.

ધર્મ ઓક્સિજનનું કામ કરે છે –

ભાઇશ્રી જણાવે છે કે,ધર્મ લોકોને ઉન્નતિના શિખર તરફ દોરી જાય છે.ધર્મને યોગ્ય રીતે સમજવામાં આવે તો એ માનવજાત માટે ઓક્સિજનની ગરજ સારે છે.ધર્મ માનવજાતને જોડે છે,ધર્મથી માનવતાના બીછ રોપાય છે.વિશ્વના કોઇપણ ધર્મ માટે આ વાક્ય સત્ય છે.

હિન્દુ ધર્મના પાયામાં વિજ્ઞાન રહેલું છે.આપણા મહર્ષિઓએ ધર્મને અલગ નજરથી ઓળખાવ્યો છે.માનવતામાં ઇશ્વરનો સાક્ષાત્કાર કરાવ્યો છે.વિશ્વના અમુક ધર્મોની સાપેક્ષમાં હિન્દુ ધર્મનો ફેલાવો એટલો નથી થયો કારણ આપણા પૂર્વજોએ ધર્મને દિલથી સ્વીકારવાની બાબત કહી છે,જોરજબરીથી લાદી દેવાની નહી!

સમાજ અને દેશ જ્યારે અધોગતિના માર્ગે ધકેલાય ત્યારે તેને મુખ્ય પથ પર લાવવાનું કામ સાધુ-સંતોને કરવાનું હોય છે.સાચો સંત દેશને ઉન્નતિના શિખર ભણી પહોંચાડે છે.આજની પેઢી સંતને સામાન્ય બાબત સમજે છે પણ ભાઇશ્રી જેવા સંતો બાબતે આ વાત ખોટી ઠરે છે.સમાજના આવા સાચા હિતચિંતકો જ દેશને મહાન બનાવે છે.દેશના પાયામાં આવી શક્તિઓ રહેલી હોય છે.ભાઇશ્રી રમેશભાઇ ઓઝા ભાગવત કથાકાર તરીકે જે સર્વહિતલક્ષી કાર્યો કરે છે તે માટે તેઓ વંદનીય વિભૂતી છે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર રજુ કરાયેલ આ વાત જો પસંદ પડી હોય તો બીજા મિત્રો સાથે પણ શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!