મળો રીયલ પેડમેન – મુરૂગનાથમ ને, એમણે કહ્યું મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે આવી ફિલ્મ પણ બનશે!!

આર. બાલ્કી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘પેડમેન’ની આખી ટીમ સોમવારે દિલ્હીમાં હતી, જ્યાં અક્ષય કુમાર પોતાની સાથે એ વ્યક્તિને પણ લાવ્યા હતા કે જે અસલ જીંદગીમાં પેડમેન છે.

જી હાં, અક્ષય કુમારની આ ફિલ્મની વાર્તા કોયમ્બતુર નિવાસી શ્રી અરુણાંચલમ મુરૂગનાથમ વિશે છે, જેણે પોતે સસ્તા સેનિટરી પેડ બનાવ્યા. મીડિયા સાથે વાત-ચીત દરમિયાન એમણે જણાવ્યું કે “મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે આવી ફિલ્મ પણ બનશે.”

અસલ પેડમેનની વાર્તા આવી હતી

મુરૂગનાથમ કહે છે કે, આ વિષય પર જ્યારે હું કોઈ સાથે વાત કરતો ત્યારે લોકો મને મારતા, ત્યારે મેં કલ્પના પણ નહોતી કરી કે કોઈ મારા પર આવી સરસ ફિલ્મ પણ બનાવશે. તેમણે જણાવ્યું કે, એ સમયે હું ખૂબ ડરતો. હું જ્યારે પણ કોઈ સાથે આ વિષય પર વાત કરતો ત્યારે હું મારા બન્ને હાથ ગાલ આડા રાખી લેતો કે કોઈ મને લાફો ન મારી દે.

પેડમેન ફિલ્મમાં અક્ષય કુમાર આ જ અરુણાંચલમ મુરૂગનાથમનું પાત્ર ભજવી રહ્યા છે, જે હકીકતમાં પિરિયડ સાથે જોડાયેલ સમસ્યાઓના નિરાકરણ માટે કામ કરી રહ્યા છે. એમને પેડમેનનાં નામથી પણ ઓળખવામાં આવે છે. તેમણે સસ્તા સેનિટરી પેડ બનાવવાનું મશીન બનાવ્યું છે.

મુરુગનાથમે સસ્તા સેનેટરી પેડ બનાવીને કરોડો મહિલાઓનું જીવન બદલી નાંખ્યું. તેમણે લાખો રૂપિયાના સેનેટરી પેડ બનાવતા મશીનનો ખર્ચ ફક્ત 75 હજાર રૂપિયા કરી નાંખ્યો. અરુણાચલમે જ્યારે જોયું કે તેની પત્ની પિરિયડ્સ દરમિયાન ગંદા કપડાનો ઉપયોગ કરે છે ત્યારે તેમને આ અનહાઇજેનિક લાગ્યું. જ્યારે તેણે પત્નીને સેનેટરી પેડનો ઉપયોગ કરવાની સલાહ આપી ત્યારે એની પત્નીએ ના પાડી દીધી અને કહ્યું કે ” પેડ ખૂબ મોંઘા આવે છે એ બધું આપણને ન પોસાય”

 

ત્યારબાદ મુરુગનાથમે એક સેનિટરી પેડ ખરીદ્યુ. પેડને ખોલીને જોયું તો જાણવા મળ્યું કે, 10 પૈસાની કિંમતના કોટનથી બનેલું એક પેડ  8 થી 10 રૂપિયે વેચવામાં આવે છે. તે પછી અરુણાચલમે પોતે જ સેનેટરી પેડ બનાવવાનો નિર્ણય લીધો.

અરુણાચલમને જાણવા મળ્યું કે દેશભરમા ફક્ત 12 ટકા સ્ત્રીઓ જ સેનેટરી પેડનો ઉપયોગ કરે છે. જ્યારે તેમણે પેડ બનાવવાનું શરૂ કર્યું ત્યારે કોઇ તેનો ઉપયોગ કરવા ઇચ્છતું ન હતું. તેના સગા-વ્હાલા પણ નહી. તે પછી તેમણે મેડિકલ કોલેજના સ્ટુડન્ટને આ પેડનો ઉપયોગ કરીને ફીડબેક આપવા કહ્યું પણ યોગ્ય સહકાર ન મળ્યો. ત્યારબાદ તેમણે પોતે જ પેડ પહેરીને ટ્રાય કરવાનો નિર્ણય લીધો. તેમણે ફુટબોલ બ્લેડરની મદદથી એક કૃત્રિમ ગર્ભાશય બનાવ્યું. એમના માટે આ એક રિસર્ચનો વિષય હતો કે આખરે સેનેટરી પેડમાં શું હોય છે ?  તેમણે તેને અનેક લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલ્યું. પછી અરુણાચલમે એક પ્રોફેસરની મદદથી અનેક મેન્યુફેક્ચરિંગ કંપનીઓને પત્ર લખ્યો. તેમને વધુ અંગ્રેજી આવડતું ન હતું. તેમણે ફક્ત ફોન પર વાતચીત કરવા પાછળ સાત હજાર રૂપિયા ખર્ચી નાખ્યા.

છેલ્લે કોયમ્બતુરની એક ટેક્સટાઇલ કંપનીનાં માલિકે મુરુગનાથમને સાથ આપ્યો અને 2 વર્ષ 3 મહિના બાદ મુરુગનાથમને સફળતા મળી. તેમણે સખત મહેનત બાદ આ મશીન તૈયાર કર્યું જેનો ખર્ચ માત્ર 75 હજાર રૂપિયા છે.

તેમણે આવા 250 જેટલા મશીન તૈયાર કર્યા અને 23 રાજ્યોને આવરી લીધા. હવે એક મહિલા એક દિવસમાં 250 પેડ બનાવી શકે છે. તેમની આ સિદ્ધી માટે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે તેમને સન્માનિત પણ કર્યા હતાં.

” સિદ્ધિ એને જઈ વરે જે પરસેવે નહાય ”

અક્ષય કુમાર પણ તેમના આ પ્રયત્ન અને મહેનતમાં સાથ-સહકાર આપી રહ્યા છે. આ પહેલા ટોયલેટ એક પ્રેમ કથા ફિલ્મ સમયે પણ અક્ષયે ગરીબો માટે ઘણા ટોયલેટનું નિર્માણ કરાવ્યું હતું.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર પબ્લીશ થયેલી આ સત્યકથા ગમી હોય તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

Disclaimer: All rights reserved with mojemoj.com

Leave a Reply

error: Content is protected !!